Only Gujarat

FEATURED International

કોરોનાવાઈરસને લઈ હજી પણ ચીન રમી રહ્યું છે ગંદી ચાલ, અચાનક જ વધારી દીધી મૃતકોની સંખ્યા

બેઈજિંગઃ ચીન પર સતત કોરોના વાયરસ વિશે ખોટું બોલવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. હવે ચીનને લઈને નવો ખુલાસો થયો છે. વાસ્તવમાં, ચીને વુહાનમાં કોરોનાથી થયેલાં મોતનો આંકડો છુપાવ્યો છે. કોરોનાનો પહેલો કેસ ચીનના વુહાનમાંથી સામે આવ્યો હતો. આવા કિસ્સામાં વુહાન વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજોમાં લગભગ 4 હજાર લોકોનાં મોત નીપજ્યાં હોવાની વાત કહી છે. આને કારણે ચીનમાં મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યામાં પણ અચાનક 39% વધારો થયો છે. આ પહેલાં પણ ચીન પર કોરોનાને લઈને જાણકારી છુપાવવાની અને ખોટું બોલવાનો આરોપ લાગ્યા હતા.

વુહાન સરકારે વુહાનમાં 1290 વધુ મોતો થયા હોવાની વાત કરી છે. અહીં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 3868 પર પહોંચી ગયો છે. જ્યારે આ પહેલા, ચીન આશરે 2500 લોકોના મોતની વાત કરી રહ્યું હતું.

વુહાન અધિકારીઓ કહે છે કે આ કેસ નોંધાયા ન હતા. ઘણા કેસોમાં મૃત્યુનું કારણ બહાર આવ્યું ન હતું. હવે આ માહિતી બહાર આવી છે. તેથી આંકડામાં ફેરફાર થયો છે.

હવે આ સંખ્યા સામે આવતાની સાથે જ ચીનમાં મૃત્યુઆંકની સંખ્યા 39% વધી 4632 થઈ ગઈ છે. તો સાથે જ, વુહાનમાં ચેપગ્રસ્ત કેસની કુલ સંખ્યા પણ વધીને 50,333 થઈ ગઈ છે.

વુહાનમાં જ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ ચાર મહિનામાં આખી દુનિયામાં આ મહામારીએ હાહાકાર મચાવી દીધો છે. અત્યાર સુધી આનાથી 1.4 લાખ લોકોનાં મોત નીપજ્યાં છે. તો 22 લાખથી વધુ લોકો ચેપગ્રસ્ત છે. અમેરિકા પહેલેથી જ કોરોના માટે ચીન ઉપર આરોપ લગાવી રહ્યુ છે. તો, આ આંકડાઓ પછી ચીન પર વધુ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

માનવામાં આવી રહ્યુ છે કે, ચીનનાં વુહાનમાં એટલાં બધા દર્દીઓ હતા કે, હોસ્પિટલો ભરાઈ ગઈ હતી. ઘણા દર્દીઓ ઘરમાં જ કેદ હતા. એવામાં તેમનું મોત ઘરમાં જ થયુ હતુ. એટલા માટે જ તેમનું નામ કોરોનાથી મરનારા લોકોમાં સામેલ ન થઈ શક્યુ.

આ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે પણ ચીનમાં નિશાન સાધતા આરોપ લગાવ્યો હતો કે ઘણા દેશો મોતની સંખ્યા છુપાવી રહ્યા છે. તેમણે કહ્યુ હતુકે, ઘણા દેશોનાં મોતનાં આંકડા ઉપર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.

તેમણે કહ્યું હતું કે, આખી દુનિયાનાં 20 ટકા મોત અમેરિકામાં થયા છે, જ્યારે અમેરિકાની વસ્તી આખા વિશ્વમાં માત્ર ચાર ટકા છે. અગાઉ અમેરિકાએ ચીન પર વાયરસ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. અમેરિકન અખબારમાં છપાયેલા રિપોર્ટ અનુસાર, ચીનમાં વુહાનની લેબમાં ચામાચિડિયા પર સંશોધન ચાલી રહ્યું હતું. આ સમય દરમિયાન, કોરોના આખી દુનિયામાં ફેલાઈ ગયો.

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને હાલમાં જ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે તે વિચારવું ખોટું છે કે ચીન કોરોના સામે સારી રીતે લડ્યુ છે, સ્પષ્ટ રીતે ત્યાં કેટલીક એવી વસ્તુઓ થઈ છે, જેના વિશે દુનિયાને ખબર નથી.

કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના દબાણ હેઠળ ચીને તેના આંકડા બદલ્યા છે. આ કારણોસર, ટ્રમ્પે તાજેતરમાં ડબ્લ્યુએચઓ પર ચાઇનાને ટેકો આપવાનો અને કોરોના વિશે વિશ્વને માહિતી ન આપવાનો આરોપ મૂકતા ભંડોળ અટકાવ્યું હતું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page