Only Gujarat

Gujarat TOP STORIES

વેવાઈ-વેવાણ પ્રેમ પ્રકરણ: ઝઘડો થતાં બન્નેનો પરિવાર ફરી એકવાર પોલીસ સ્ટેશને પહોંચ્યો

સુરત: વેવાઈ અને વેવાણ અલગ-અલગ પોલીસ સ્ટેશન હાજર થતાં પ્રેમ પ્રકરણનો અંત આવી ગયો છે. જોકે આ કિસ્સામાં એક નવો વળાંક આવ્યો છે. વેવાઈ અને વેવાણ ભાગી જવાની સજા હવે તેમના સંતાનોએ ભોગવી હતી. યુવક અને યુવતીની સગાઈ તુટી જતાં બન્ને પરિવારો વચ્ચે થયેલી લેવડ-દેવડ આપવા માટે ફરી એકવાર બન્ને પરિવાર ભેગા થયા હતાં. પરંતુ ઘરેણાને લઈને બન્ને પરિવાર વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. જેને લઈને ફરી એકવાર આ મામલો અમરોલી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

વેવાઈ અને વેવાણ મામલે સુરતના અમરોલી પોલીસ સ્ટેશને ફરી એકવાર બન્ને પરિવાર પહોંચ્યા હતાં જ્યાં પોલીસે બન્ને પક્ષના ત્રણ લોકોની અટકાયત કરી હતી. વેવાઈ અને વેવાણ કિસ્સો સુરતમાં જ નહીં સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ કિસ્સો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

વેવાઈ અને વેવાણ ઘરે પરત ફર્યાં બાદ આગામી 14મી ફેબ્રુઆરી યોજાનારા લગ્ન તુટી ગયા હતાં. વેવાણના પતિએ દીકરીના લગ્ન માટે ચડાવેલા દાગીના સહિતનો સામાન સુરતમાં રહેતા સંબંધી મારફતે વેવાઈના ઘરે જઈને ફેંકતા મામલો ફરી એકવાર બિચક્યો હતો. જોકે લગ્નનો સામાન પરત આવેલા યુવકને ઘરે ગોંધી રાખીને માર માર્યો હતો. ત્યાર બાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ત્યાર બાદ પોલીસે બન્ને પક્ષોમાંથી ત્રણ લોકોની અટકાયત કરી હતી.

વેવાણ વિજલપોર પોલીસ સ્ટેશન હાજર થયા હતા ત્યાર બાદ વેવાઈ સુરતના કડોદરા પોલીસ સ્ટેશન હાજર થયા હતાં જ્યાં બન્નેએ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. વેવાઈ અને વેવાણ પોલીસ સ્ટેશને હાજર થતાં પ્રેમ પ્રકરણનો અંત આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે મહત્વની વાત છે કે, વેવાણને પતિએ અપનાવવાનો ઈન્કાર કરી દીધો હતો.

ભાગી ગયેલા વેવાઈ મોડી રાતે કડોદરા પોલીસ સ્સટેશને હાજર થયા હતા. જ્યાં તેમણે પોતાનું નિવેદન નોંધાવતાં કહ્યું હતું કે, મારા દીકરાની સગાઈ તૂટવાના પ્રયાસ થતાં આબરૂ જવાના ડરે ભાગી ગયા હતા અને હવે અમે પરત ફર્યાં છીએ. વેવાઈ પોલીસ સ્ટેશને આવતાં લોકોનાં ટોળાં વળ્યાં હતાં.

આ પહેલા વેવાણ નવસારીના વિજલપોર પોલીસ સમક્ષ હાજર થયા હતા જ્યાં તેમણે પોતાનું નિવેદન નોંધાવતાં કહ્યું હતું કે, મારી પોતાની ભૂલ થઈ હોવાની કબૂલાત કરી હતી અને કહ્યું કે, હું મારી મરજીથી ભાગી ગઈ હતી અને મરજીથી પરત ફરી છું. મને કોઈએ દબાણ કર્યું નથી.

નોંધનીય છે કે, હાલ 48 વર્ષના વેવાઈ અને 46 વર્ષની ઉંમરના વેવાણ વચ્ચે યુવાનીમાં પ્રેમસંબંધ બંધાયો હતો પરંતુ બંનેના મેરેજ થઈ શક્યા નહતાં. જ્યારે તેઓ નાના હતા ત્યારે સુરતના અમરોલીમાં રહેતા વેવાઈની સામે જ વેવાણ રહેતા હતા. કહેવાય છે કે બંનેએ અલગ-અલગ પાત્રો સાથે લગ્ન કર્યાં હતા ત્યાર બાદ બન્નેનો સંપર્ક તુટી ગયો હતો જોકે અચાનક બન્ને એકબીજાને મળી ગયા હતાં ત્યા બાદ બન્નેએ એકબીજાનો નંબર લીધો હતો ત્યાર બાદ જૂનો પ્રેમ ફરી શરૂ થયો હતો તેવું જાણવા મળ્યું છે.

મહત્વની વાત છે કે, ભાગી ગયેલા કપલે બન્ને સંતાનોના લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યાર બાદ બન્ને સંબંધ નક્કી થતાં પ્રસંગોપાત વારંવાર મળવાનું થતાં વેવાઈ અને વેવાણ વચ્ચે જૂના સંબંધો તાજા થઈ ગયા અને સંતાનોના ભવિષ્યની પણ ચિંતા કર્યાં વગર 10મી જાન્યુઆરીએ બંને ભાગી ગયા હતાં. આ કિસ્સાએ માત્ર સુરત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ ઘટનાને સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page