Only Gujarat

Bollywood FEATURED

ભાઈજાનના જીજાથી લઈ વિવેક ઓબેરોય સુધી, આ સ્ટાર્સે હાથે કરીને બરબાદ કરી કરિયર!

મુંબઈઃ ઈન્ડસ્ટ્રીમાં આવવું જેટલું મુશ્કેલ છે, તેટલું જ અહીંયા સ્થાન બનાવી રાખવું મુશ્કેલ છે. અનેક લોકો અહીંયા પોતાનુંનસીબ અજમાવવા આવે છે પરંતુ પોતાની કેટલીક ભૂલોને કારણે તેઓ હંમેશાં માટે ઈન્ડસ્ટ્રીથી દૂર રહે છે. આજે એવા જ કેટલાંક સેલેબ્સ અંગે ચર્ચા કરીશું.

શાઈની આહુજાઃ ફિલ્મ ‘ગેંગસ્ટર’થી લોકપ્રિય થનાર શાઈની આહુજા અચાનક જ પોલીસ કેસમાં સપડાયો હતો અને ઈન્ડસ્ટ્રીથી હંમેશાં માટે દૂર થઈ ગયો. 2009માં શાઈની પર તેના ઘરમાં કામ કરતી નોકરાણીએ રેપનો આરોપ મૂક્યો હતો. 2011માં શાઈનીએ પોતાની ભૂલ કબૂલ કરી હતી અને તેને સાત વર્ષની સજા થઈ હતી.

અમીષા પટેલઃ 2004માં પિતા તથા પરિવાર પર પૈસાનો ખોટો ઉપયોગ કરવાનો આક્ષેપ મૂકીને અમીષાએ પિતાને લીગલ નોટિસ ફટકારી હતી, જેમાં તેણે 120 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાની વાત કહી હતી. આ નોટિસ બાદ અમીષા અને તેનો પરિવાર વિવાદમાં આવી ગયો હતો. પરિવાર સામે કાનૂની જંગ લડવા માટે અમીષાએ કરિયરમાંથી બ્રેક લીધો હતો. જોકે, પછી તેને કમબેક માટે સારી તક મળી નહીં.

વિવેક ઓબેરોયઃ ઐશ્વર્યા તથા વિવેક 2004માં રિલીઝ થયેલી ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. શૂટિંગ દરમિયાન બંને વચ્ચે નિકટતા વધી હતી. આ જ સમયે ઐશ્વર્યાએ સલમાન સાથેના સંબંધો તોડ્યા હતા. વિવેકે અચાનક જ પ્રેસ કોન્ફરન્સમાં સલમાન વિરુદ્ધ વાત કરી હતી અને કહ્યું હતું કે સલમાન તેને નશામાં ધૂત થઈને ગાળો આપે છે અને સતત ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ઐશ્વર્યાથી અલગ થવાનું કહે છે. વિવેકનું આ નિવેદન ઘણું જ ચર્ચામાં રહ્યું હતું. સલમાન ખાનની સામે પડવાને કારણે વિવેકને ઈન્ડસ્ટ્રીમાંથી કામ મળવાનું બંધ થઈ ગયું હતું. વિવેકે પછી જાહેરમાં સલમાનની માફી માગી હતી પરંતુ સલમાને આજ દિવસ સુધી તેને માફ કર્યો નથી.

પુલકિત સમ્રાટઃ ટીવીમાં કામ કરીને પુલકિતે 2012માં ‘બિટ્ટુ બોસ’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મ પહેલાં પુલકિત એક્ટર સલમાન ખાનની માનેલી બહેન સાથે રિલેશનશિપમાં હતો. તેણે શ્વેતા રોહિરા સાથે લગ્ન પણ કર્યાં. જોકે, લગ્નના માત્ર એક વર્ષમાં જ બંનેના સંબંધો તૂટી ગયા હતા. ત્યારબાદથી પુલકિતને બોલિવૂડમાં કામ મળવાનું ઓછું થઈ ગયું છે.

મનીષા કોઈરાલાઃ ‘મન’, ‘દિલ સે’ તથા ‘અકેલે હમ અકેલે તુમ’ જેવી અનેક સારી ફિલ્મમાં જોવા મળેલી એકટ્રેસ મનીષાએ ‘જાની દુશ્મન’, ‘પૈસા વસૂલ’, ‘માર્કેટ’ જેવી બી ગ્રેડ ફિલ્મમાં કામ કરીને પોતાનું સ્ટારડમ ગુમાવ્યું હતું. ત્યારબાદ મનીષા દારૂમાં ગળાડૂબ રહેવા લાગી હતી. આ જ કારણે તેને ફિલ્મની ઓફર મળતી બંધ થઈ ગઈ હતી. સતત દારૂ પીવાને કારણે મનીષાને હેલ્થ અંગે પ્રોબ્લેમ્સ થયા હતા અને તે બોલિવૂડથી દૂર થઈ ગઈ હતી. જોકે, હવે મનીષાએ કમબેક કર્યું છે.

ફરદીન ખાનઃ ‘હે બેબી’ જેવી ફિલ્મમાં કામ કરનાર ફરદીન ખાન ડ્રગ્સ ને દારૂના નશામાં રહેતો હતો. વર્ષ 2011માં ફરદીન ખાન કોકેઈન સાથે રંગે હાથ ઝડપાયો હતો. લાંબી કાનૂની લડાઈ બાદ ફરદીન પોતાને ડ્રગ્સ કેસમાંથી છોડાવી શક્યો હતો. જોકે, આ બધાને કારણે બોલિવૂડે તેને કામ આપવાનું બંધ કરી દીધું હતું. હવે 10-11 વર્ષ બાદ ફરદીન બોલિવૂડમાં કમબેક કરવાનો હોવાની ચર્ચા છે.

કોઈના મિત્રાઃ આઈટમ ગર્લ કોઈના મિત્રાએ સુંદરતા વધારવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. જોકે, તેનો નવો ચહેરો ચાહકોને પસંદ આવ્યો નહીં અને તેને ફિલ્મ મળતી બંધ થઈ ગઈ હતી. કોઈના છેલ્લે ‘બિગ બોસ 13’માં જોવા મળી હતી. પ્લાસ્ટિક સર્જરીને કારણે કોઈના ચહેરો આખો બદલાઈ ગયો છે.

મંદાકિનીઃ ‘રામ તેરી ગંગા મૈલી’ જેવી હિટ ફિલ્મમાં કામ કરનાર મંદાકિનીનું નામ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયું હતું. આ જ કારણે બોલિવૂડે મંદાકિનીને કામ આપવાનું બંધ કરી દીધું હતું. 1995માં મંદાકિનીએ બુદ્ધિષ્ટ સંત કાગ્યૂર રિનપોચે સાથે લગ્ન કર્યાં હતાં.

You cannot copy content of this page