Only Gujarat

National

ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ ભારતની આ કંપની સાથે કરી ભાગીદારી, ટૂંક સમયમાં કોરોનાની રસી

નવી દિલ્હી: રસી બનાવતી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ રવિવારે જણાવ્યું હતું કે અમે ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત કોવિડ -19 રસીનું ઉત્પાદન બેથી ત્રણ અઠવાડિયામાં શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ અને જો તે માનવ પરીક્ષણોમાં સફળ થાય તો આ રસીનું ઓક્ટોબર સુધીમાં વેચાણ કરવામાં આવશે. પુણે સ્થિત કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એ સાત વૈશ્વિક કંપનીઓમાંની એક છે જેની સાથે ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ રસી બનાવવા માટે ભાગીદારી કરી છે.

કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) આદર પૂનાવાલાએ જણાવ્યું હતું કે અમારી ટીમ ઓક્સફર્ડ યુનિવર્સિટીના ડો.હિલ સાથે મળીને કામ કરી રહી છે. અમે આશા રાખીએ છીએ કે આવતા બેથી ત્રણ અઠવાડિયામાં ઉત્પાદન શરૂ થઈ જશે. પ્રથમ છ મહિનાની ઉત્પાદન ક્ષમતા દર મહિને 5 મિલિયન ડોઝ હશે. તે પછી ઉત્પાદન દર મહિને એક કરોડ ડોઝ સુધી વધારવાની અપેક્ષા છે. “સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા પહેલાં પણ ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે મેલેરિયા રસી પ્રોજેક્ટ પર કામ કરી ચૂકી છે.

પૂનાવાલાએ કહ્યું, “અમે અપેક્ષા રાખીએ છીએ કે કોવિડ -19 રસી સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં બજારમાં આવે, બસ એકવાર રસી પરીક્ષણ જરૂરી સલામતી અને પૂરતી અસરકારકતા સાથે સફળ થાય.” અમે આ રસીનું પરીક્ષણ આગામી બેથી ત્રણ અઠવાડિયામાં ભારતમાં શરૂ કરીશું. ’કંપનીએ કહ્યું કે ભારતમાં આ રસીનું પરીક્ષણ શરૂ કરવા માટે જરૂરી મંજૂરીઓ મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે.

પૂનાવાલાએ કહ્યું કે, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે આ પ્રયાસો માટે જાતે નાણા રોક્યા છે. અમને આશા છે કે ઉત્પાદન વધારવામાં અન્ય ભાગીદારોનો સહયોગ મળશે. તેમણે કહ્યું કે આ રસી પુનાના પ્લાન્ટમાં બનાવવામાં આવશે. જો કોવિડ -19 રસી બનાવવા માટે એક અલગ પ્લાન્ટ બનાવવામાં આવે છે, તો તેમાં લગભગ બે થી ત્રણ વર્ષ લાગશે.

તેમણે કહ્યું હતું કે, કંપની આ રસીને પેટન્ટ નહીં કરાવે અને તેને ફક્ત ભારતમાં જ નહીં, પણ વિશ્વભરની કંપનીઓ માટે ઉત્પાદન અને વેચાણ માટે ઉપલબ્ધ કરાવશે. તેમણે કહ્યું કે જે કોઈ પણ રસી વિકસાવે છે તેને રસી બનાવવા માટે ઘણા ભાગીદારોની જરૂર પડશે.

You cannot copy content of this page