Only Gujarat

National

તંગીના કારણે ભાઈએ પોતાના સ્વપ્નોનું બલિદાન આપ્યું, બહેનને ના પડવા દીધી કોઈ ખોટ

નાંદેડ, મહારાષ્ટ્ર: ‘જો દિલમાં આગ અને મનમાં વિશ્વાસની સાથે જુસ્સો હોય તો કોઈપણ કામ મુશ્કેલ નથી’ આ વાત નાંદેડની એક યુવતીએ સાચી સાબિત કરી દેખાડી. તસવીરોમાં તેના ઝૂંપડીવાળા ઘરને જોઈ શકાય છે, આ જ ઘરમાં તેનો પરિવાર રહે છે. પિતાની માનસિક સ્થિતિ સારી ના હોવાના કારણે તેઓ કામ કરી શકતા નથી. માતા ખેતરમાં મજૂરી કામ ખરે છે. મોટો ભાઈ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ દીકરીએ તમામના સ્વપ્ન પૂર્ણ કર્યા.

આ અઠવાડિયે જાહેર થયેલા MPSC પરિણામમાં ટોપર લિસ્ટમાં ત્રીજા નંબરે રહેનારી વસીમા શેખ ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદગી પામી. તેની 2018માં સેલ્સ ટેક્સ ઈન્સપેક્ટર તરીકે પસંદગી થઈ ચૂકી હતી. પરંતુ તેનું સ્વપ્ન ડેપ્યુટી કલેક્ટર બનવાનું હતું. તેનો ભાઈ પણ અધિકારી બનવા માગતો હતો પરંતુ આર્થિક તંગીના કારણે તેણે પોતાના સ્વપ્નોનું બલિદાન આપ્યું. તે રિક્ષા ચલાવે છે અને આ રિક્ષાની કમાણીથી જ તેણે બહેનનો અભ્યાસ ચાલુ રાખ્યો. ભાઈ પણ MPSCની તૈયારી કરી ચૂક્યો છે. પરંતુ પૈસાની તંગીના કારણે પરીક્ષા ના આપી શક્યો. વસીમા પરિણીત છે. 3 જૂન 2015ના તેના નિકાહ થયા. તેનો પતિ હૈદર પણ MPSCની તૈયારી કરી રહ્યો છે.

ગરીબ પરિવારની દીકરી આમ બની અધિકારી…
વસીમા પોતાના પરિવારની પ્રથમ ગ્રેજ્યુએટ છે. 2018માં જ્યારે વસીમા સેલ્સ ટેક્સ ઓફિસર તરીકે સિલેક્ટ થઈ, ત્યારે તેના પરિવારના સારા દિવસોનો પ્રારંભ થયો. આ અગાઉ સ્થિતિ ઘણી ખરાબ હતી. નાંદેડના જોશી સાંઘવી ગામની રહેવાસી વસીમાએ કહ્યું કે,‘ગરીબી શું હોય છે તે તેણે પોતાના પરિવારમાં જોઈ છે. મારું સ્વપ્ન હતું કે સારા અભ્યાસ થકી પરિવાર માટે કંઈ કરી શકું અને આ સ્વપ્ન પૂર્ણ થયું.’ વસીમા પોતાની સફળતાનો શ્રેય ભાઈ અને માતાને આપે છે. તેણે કહ્યું કે,‘જો ભાઈ મને ભણાવતા નહીં તો હું આજે આ સ્થિતિએ ના પહોંચી શકી હોત. માતાએ ઘણી મહેનત કરી.’ વસીમા નાંદેડથી લગભગ 5 કિ.મી. દૂર જોશી સખ નામના ગામમાં પગપાળા ભણવા જતી હતી.

વસીમા 4 બહેન અને 2 ભાઈઓમાં ચોથા નંબરનું સંતાન છે. વસીમાનો એક અન્ય ભાઈ આર્ટિફિશિયલ જ્વેલરીની નાની દુકાન ચલાવે છે. વસીમાએ કહ્યું કે,‘જો તમારે કંઈ બનવું હોય તો અમીરી-ગરીબીનો કોઈ અર્થ નથી.’વસીમાએ મરાઠી મીડિયમથી 12મું ધોરણ પાસ કર્યું. તેના 10માં ધોરણમાં 90 ટકા અને 12મા ધોરણમાં 95 ટકા મેળવ્યા હતા. જ્યારે કોલેજનો અભ્યાસ શરૂ કર્યો ત્યારે તે પોતાના દાદા-દાદી સાથે રહેતી હતી, કારણ કે તેના ગામની આસપાસ કોલેજ નહોતી. દાદા-દાદીના ગામથી પણ તેણે 1 કિ.મી. ચાલીને કંધાર જવું પડતું. જ્યાંથી કોલેજ માટે બસ મળતી હતી.

You cannot copy content of this page