Only Gujarat

Gujarat

ચાંદોદના ત્રિવેણી સંગમ પર કનોડિયા ભાઈઓના અસ્થિ વિસર્જન કરાયા, જુઓ તસવીરો

મહેશ અને નરેશ કનોડિયા અનંત યાત્રાએ નીકળી પડ્યા છે ત્યારે કનોડિયા બંધુબેલડીના પરિવારે ડભોડા તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે પવિત્ર નર્મદા નદીના કિનારે અસ્થિ વિસર્જનની વિધિ પૂર્ણ કરી. ત્રિવેણી સંગમ પર પરિવારે ભારે હૈયે બંને ભાઇઓનાં અસ્થિઓ વિસર્જન કર્યું. બંને સ્વર્ગસ્થની આત્માને શાંતિ મળે તે માટે પૂજા-અર્ચના પણ કરી. આ સમયે શોકનો માહોલ છવાઇ ગયો હતો.

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું કોરોનાના કારણે મંગળવારે નિધન થયું હતું. જ્યારે તેના ત્રણ દિવસ પહેલા તેમના મોટાભાઇ અને સંગીતકાર મહેશ કનોડિયાનું લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. ગુજરાતી ફિલ્મોની બંધુબેલડી ગણાતા મહેશ અને નરેશ કનોડિયાના અવસાન બાદ તેમના અસ્થિઓનું ચાંદોદ સ્થિત ત્રિવેણી સંગમ પર વિસર્જન કરવામાં આવ્યું હતું.

પરિવારજનો નરેશ અને મહેશ કનોડિયાના અસ્થિના વિસર્જન માટે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદના ત્રિવેણી સંગમના કિનારે આવી પહોંચ્યા હતા. જ્યાં અસ્થિ વિસર્જનની વિધિ પૂર્ણ કરીને તેમણે અસ્થિઓને નર્મદા નદીમાં ભારે હૈયે વિસર્જિત કર્યાં હતા. આ પ્રસંગે ભત્રીજાઓ પિનાકીન કનોડીયા, ગૌતમ કનોડિયા, દર્શન કનોડિયા, પ્રકાશ કનોડિયા સહિત શાંતિલાલ પરમારે રામ-લક્ષ્મણની જોડીને ભૂલી શકે ન કોઇ…એ ગીત ગાઇને મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાની તુલના રામ-લક્ષ્મણની જોડી સાથે કરી હતી. આ સમયે માહોલ શોકમય બની ગયો હતો.

ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ કલાકાર નરેશ કનોડિયાનો તીર્થક્ષેત્ર ચાંદોદ સાથે અનોખો સંબંધ રહ્યો છે. ફિલ્મી કારકિર્દી દરમિયાન શૂટિંગ માટે ચાંદોદનો નર્મદા કિનારો તેમનું એક મનપસંદ સ્થળ હતું. નર્મદાજી પ્રત્યે પણ અનન્ય અને અતૂટ આસ્થાને કારણે તેઓ અનેક વાર કૌટુંબિક વિધિવિધાન અર્થે ચાંદોદની મુલાકાત લેતા હતા. મહેશ અને નરેશ કનોડીયાના ભત્રીજા ગૌતમ કનોડિયાએ જણાવ્યું હતું કે, અમે નરેશ કાકા સાથે ચાંદોદ તેમજ આસપાસના વિસ્તારોમાં ઘણી ફિલ્મોના શૂટિંગ કર્યાં છે. એની પણ આજે યાદ અમારા માનસપટલ પર યથાવત છે.

ઉલ્લેખનીય છે કે 25 ઓક્ટોબરે પાટણના પૂર્વ સાંસદ અને સંગીતકાર મહેશ કોનડિયાના નિધનના 2 દિવસ બાદ એટલે કે 27 ઓક્ટોબરે ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયાએ અંતિમ શ્વાસ લીધા હતા. મહેશ-નરેશ ભાઇઓએ ગાયક સંગીતકાર તરીકેની કારકિર્દી મુંબઇમાં શરૂ કરી હતી. એ સમયે બંને ભાઇઓ સ્વરકિન્નરી લતા મંગેશકરના નિવાસસ્થાન પ્રભુ કુંજની સામેના મકાનમાં પેડર રોડ પર રહેતા હતા. 1960ના દાયકાના ઉત્તરાર્ધમાં તેઓ અમદાવાદ આવ્યા હતા.

1970માં વેલીને આવ્યાં ફૂલ ફિલ્મથી નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મોમાં અભિનેતા તરીકે પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ પોતાની પ્રતિભાના જોરે તેમણે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટારનું હુલામણું બિરુદ મેળવ્યું હતું. 51 વર્ષની સુદીર્ઘ કારકિર્દીમાં તેમણે 125થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો અને સંખ્યાબંધ એવોર્ડ મેળવ્યા હતા. સફળ અભિનેતા થયા બાદ પણ એ પોતાના સંઘર્ષને ભૂલ્યા નહોતા અને નમ્રતા જાળવી રાખી હતી. તેમનો પુત્ર હિતેશ કનોડિયા આજે ઇડર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે અને ગુજરાતી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા ગણાય છે.

You cannot copy content of this page