Only Gujarat

Gujarat

ગુજરાતના જવાને યુવાનીના ઉંબરે દેશ માટે શહાદત વહોરી, જોવા મળ્યો માતા-પિતાનો કરુણ કલ્પાંત

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલી અથડામણમાં ગુજરાતના સપૂતે બલિદાન આપ્યું છે. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નાનકડા ગામ એવા વણઝારીયા ગામના આર્મી જવાને શહાદત વહોરતાં ગામમાં ભારે ગમગીની છવાઇ ગઇ છે. સાથે સાથે તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. દેશ માટે સદાય તત્પર રહેનાર અને પોતાની જાન નછોવાર કરનાર આર્મી જવાનના પાર્થિવદેહને આજે તેના વતનમાં લવાયો હતો. જ્યાં રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિદાય આપવાની કવાયત હાથ ધરાઈ છે. આ વખતે રોકકળથી વાતાવરણ દ્રવી ઉઠ્યું હતું.


કપડવંજ તાલુકાના નાનકડા ગામ એવા વણઝારીયા ગામના 25 વર્ષિય હરિશસિંહ રાધેસિંહ પરમારે જમ્મુ કાશ્મીર ખાતે શહાદત વહોરી લીધી છે. જમ્મુ કાશ્મીરમાં આંતકીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલેલી કલાકોની અથડામણમાં હરિશસિંહને ગોળી વાગી જતાં મા મોભની રક્ષા કાજે શહીદ થયા છે. આ વાત વાયુ વેગે હરિશસિંહના વતન સુધી પહોંચતાં સમગ્ર ગામ અને પંથકમાં ભારે ગમગીની છવાઇ ગઇ છે. તો પરીવાર પર વિટંબણાઓનો પહાડ તૂટી પડ્યો છે. આર્મી જવાનના પિતા રાધેસિંહ અમરાભાઈ પરમારને સંતાનમાં બે દિકરા છે. જેમાં સૌથી મોટો દિકરો હરિશસિંહ આર્મીમાં જ્યારે નાનો દિકરો સુનીલ અભ્યાસ કરી રહ્યો છે. જવાન છેલ્લે મે મહિનામાં પોતાના વતન વણઝારીયા ગામે આવ્યા હતા. જ્યાં એક મહિનાની રજાના સમયગાળામાં પોતાના પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવી પરત જમ્મુમાં હાજર થયા હતા.


કપડવંજ ખાતેની સ્કૂલમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું. હરીશસિંહને નાનપણથી આર્મીમાં જવાનો શોખ હતો માટે તે પોતાનું શિક્ષણ પુરુ કરી આર્મીમાં જવા અથાગ પ્રયત્નો કર્યા હતા અને વર્ષ 2016માં આર્મીમાં સિલેક્શન થતાં હરીશસિંહે તેના પરિવારને ખુશીઓથી ભરી દીધું હતું. આર્મી જવાનના માતા પિતા સહિત ભાઈ રાજી થઈ ગયા હતા. યુવાનની પહેલી પોસ્ટીંગ આસામ, બીજી રાજસ્થાન અને હાલ પોસ્ટિંગ જમ્મુ કાશ્મીરમાં આવેલા મછાલ સેક્ટરમાં હતી.


વણઝારીયા ગામના યુવાને શહીદી વહોરી લીધાના સમાચાર વાયુવેગે જવાનના મિત્ર વર્તુળ અને સમાજમાં પ્રસરતાં સમાજના લોકો તથા ગ્રામજનો પરિવારના વહારે આવ્યા છે. જવાનના ઘર બહાર હૈયા ફાટ આક્રંદ જોવા મળી રહ્યો છે. નજીકના સ્વજનોએ જણાવ્યું છે કે આર્મી જવાનની 1 વર્ષ અગાઉ સગાઈ થઈ ચૂકી હતી. આવતાં વર્ષે ફેબ્રુઆરીમાં સુધીમાં લગ્ન પણ થવાના હતા. અને એ દરમિયાન જ શહીદી વહોરી લીધી છે.


ગામના અગ્રણીએ જણાવ્યું છે કે આશરે 2500ની વસ્તી ધરાવતું આ વણઝારીયા ગામમાંથી હાલ 5 જેટલા નવયુવાનો ભારતીય સૈન્યમાં જુદી જુદી પોસ્ટ પર ફરજ બજાવે છે. જ્યારે 25થી 30 જેટલા યુવકો ભારતીય સૈન્યમાં જોડાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. તેઓના મિત્રોએ જણાવ્યું છે કે તેઓ જ્યારે રજાઓમાં માદરે વતનમાં આવે ત્યારે અહીંયાના યુવાનોને ખાસ ફીઝીકલ રીતે આર્મીમાં જોડાવવા તૈયાર કરતાં હતા.


આ જવાનના શોકમાં પુરેપુરો જિલ્લો શોકમગ્ન છે. ત્યારે દેશ પ્રેમીઓ સ્વૈચ્છિક રીતે પોતાના ગામમાં રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. દેશ કાજે બલિદાન આપનાર વીર શહીદ હરીશસિંહજી પરમારને મહેમદાવાદના સોજાલીના ગ્રામજનોએ કેન્ડલ સળગાવી શ્રદ્ધાંજલિ પાઠવી છે. ગામના આશાપુરા માતાજીને મંદિરે સૌ ગ્રામજનો એકઠા થઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આ સિવાય અનેક ગામોમાં આ વિર શહીદને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા છે.


શહાદત વહોરનાર આર્મી જવાનનો મૃતદેહ મંગળવારે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પરથી સીધો તેઓના વતન કપડવંજના વણઝારીયા ગામે લવાતાં વાતાવરણ રોકકડથી દ્રવી ઊઠ્યું હતું. વીર શહીદની યાત્રા કપડવંજના નદી દરવાજા પુલ પરથી વણઝારીયા ગામે આવી પહોંચી હતી. આ સમયે હજારો લોકો આ વિર શહીદની યાત્રામાં જોડાયા હતા. ઘણાં લોકો વાહનો મારફતે તો ઘણાં લોકો ચાલતાં હાથમાં ધ્વજ લઈ આ શહીદની યાત્રામાં જોડાયા છે.

You cannot copy content of this page