Only Gujarat

National TOP STORIES

ભારતમાં રાફેલની ગર્જના થતાં જ અનિલ અંબાણીના ચહેરા પર આ કારણે આવી ચમક

નવી દિલ્હીઃ ઘણો સમય રાહ જોયા બાદ રાફેલ ફાઈટર જેટની પ્રથમ ડિલીવરી ભારતને મળી ગઈ છે. આ વિમાનને બનાવનાર ફ્રાન્સની કંપની દસૉએ અનિલ અંબાણીની કંપનીને ભારતમાં ઑફસેટ પાર્ટનર બનાવી હતી. રાફેલના ભારત આગમન સાથે જ ફરી રાફેલ અને અનિલ અંબાણી મુદ્દે સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે. ઘણા યૂઝર્સના મતે રાફેલનો સોદો અનિલ અંબાણીને પોતાનું દેવું ઉતારવામાં મદદ કરી શકે છે.

અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ પર 1 લાખ કરોડનું દેવું છે. માર્ચ 2018ના આંકડા અનુસાર રિલાયન્સ ગ્રૂપના રિલાયન્સ કેપિટલ પર 46 હજાર 400 કરોડનું દેવું છે. જ્યારે આરકોમની વાત કરીએ તો તેની પર 47 હજાર 234 કરોડ રૂપિયાનું દેવું છે. રિલાયન્સ હોમ ફાઈનાન્સ અને ઈન્ફ્રાનો કુલ દેવું 36 હજાર કરો છે. આ રીતે રિલાયન્સ પાવર પર 31 હજાર કરોડથી વધુનું દેવું છે. તાજેતરમાં જ અનિલ અંબાણી બિલિયોનેર ક્લબની યાદીમાંથી પણ બહાર થયા હતા.

અંબાણીને ફાયદો પહોંચાડવાનો આરોપઃ ફ્રાન્સ પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ 2016માં રાફેલ સોદાની જાહેરાત કરી હતી. વિપક્ષે આરોપ લગાવ્યો કે 37 રાફેલ વિમાનો ખરીદવા માટે 8.6 બિલિયન ડૉલરની ડીલમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે અને તેમાં અનિલ અંબાણીને ફાયદો પહોંચાડવાની યોજના તૈયાર કરાઈ છે.

ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાન્દે જણાવ્યું હતું કે, ભારત સરકારના પ્રસ્તાવ પર જ રિલાયન્સને પાર્ટનર બનાવવામાં આવ્યું, તે સિવાય તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. કરાર અનુસાર દસૉલ્ટની કુલ કિંમતના 50 ટકા એટલે કે 30 હજાર કરોડ રૂપિયાનું રોકાણ ડિફેન્સ ક્ષેત્રે કરવાનું છે.

કંગાળ થયેલી કંપનીને પ્રાથમિકતા શા માટે મળીઃ વર્ષ 2015માં બેંગલુરુમાં આયોજીત એર શો દરમિયાન દસૉ અને અનિલ અંબાણીની કંપની વચ્ચે જોઈન્ટ વેન્ચરની યોજના બની. તેના 2 મહિના બાદ જ મોદી રાફેલ ડીલની જાહેરાત કરવાના હતા. વિપક્ષે ખાસ તો કોંગ્રેસે તેની પર સવાલ ઉઠાવ્યા કે એચએએલ જેવી સરકારી કંપનીને છોડી કંગાળ થયેલી કંપનીને પ્રાથમિકતા શા માટે આપવામાં આવી.

ફ્રાન્સના રાષ્ટ્રીય અખબાર લી મોન્ડેએ દાવો કર્યો કે, અનીલ અંબાણીની ફ્રાન્સમાં સ્થિત ટેલિકોમ કંપનીના 14 કરોડ યુરોના દેવાને રાફેલ ડીલની જાહેરાત બાદ માફ કરવામાં આવ્યું. જોકે રિલાયન્સ કોમ્યુનિકેશને આ દાવો ફગાવ્યો હતો. કંપનીએ કહ્યું કે, તે ટેક્સ સાથે જોડાયેલો કેસ હતો અને ફ્રાન્સના કાયદાના આધારે જ તેને ઉકેલવામાં આવ્યો હતો.

You cannot copy content of this page