15 વર્ષથી યુવતીનું શારીરિક શોષણ કરી રહ્યો હતો આરોપી, મહિલાએ રેપિસ્ટની કરી હત્યા

ભોપાલઃ દેશમાં બળાત્કારના કેસોમાં તપાસમાં ઘણો સમય લાગી જતો હોય છે. દેશમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ બન્યા બાદ પણ પીડિતા ન્યાય માટે ભટકતી રહે છે. આ દરમિયાન મધ્ય પ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક મહિલાએ રેપ અને બ્લેકમેલિંગના ત્રાસથી કંટાળી અંતે આરોપી યુવકની ઓન ધ સ્પૉટ હત્યા કરી હતી. ના ફરિયાદ ના અન્ય કોઈ કાર્યવાહી અને મહિલાએ જાતે જ પોતાની સાથે થઈ રહેલા અન્યાયનો અંત આણ્યો.

15 વર્ષથી કરી રહ્યો હતો શારીરિક શોષણ
આ ઘટના ગુના શહેરની છે. જ્યાં એક યુવક પીડિતા સાથે ત્યારથી રેપ કરી રહ્યો હતો જ્યારે તે સગીર વયની હતી. મીડિયા અહેવાલ અુસાર, આરોપી 15 વર્ષ સુધી પીડિતાને બ્લેકમેલ કરી તેનું શારીરિક શોષણ કરતો રહ્યો. જ્યારે પણ યુવતી તેનો વિરોધ કરતી ત્યારે આરોપી તેને મારી નાંખવાની ધમકી આપતો હતો. યુવતીએ એક શિક્ષક સાથે લગ્ન પણ કરી લીધા પરંતુ આરોપી યુવકની હેવાનિયતનો અંત ના આવ્યો.

હત્યાની ધમકી આપી કરતો રહેતો રેપ
પોલીસના જણાવ્યાં અનુસાર, આરોપીનું નામ બૃજભૂષણ શર્મા છે, જે અશોકનગરનો રહેવાસી હતો. તે મહિલાના પતિના ઘરની બહાર જવા પર દારૂના નશામાં પહોંચી જતો. જે પછી તેના પતિને જાણ કરવા અને તેને મારી નાંખવાની ધમકી આપી શારીરિક સંબંધ માણતો હતો.

ત્યાં સુધી કે મહિલાએ તેને અમુક પૈસા પણ આપ્યા પરંતુ આરોપીએ તેનો પીછો છોડ્યો નહીં. ઘટનાની રાતે મહિલા પોતાના ઘરે એકલી હતી, આ સમયે આરોપી નશાની હાલતમાં ત્યાં આવ્યો અને બળજબરી કરવા લાગ્યો. અંતે મહિલાની ધીરજ ખૂટી અને તેણે ચાકુ વડે યુવક પર એક પછી એક 25 વાર પ્રહાર કર્યા અને જ્યાં સુધી તે મર્યો નહીં ત્યાંસુધી તે અટકી નહીં.

પોલીસને ફોન કરી કહ્યું- રેપિસ્ટની હત્યા કરી
મહિલાએ યુવકની હત્યા કર્યા બાદ પોલીસને ફોન કરી આ મામલે સંપૂર્ણ માહિતી આપી હતી અને કહ્યું- ‘સર મે રેપિસ્ટને મારી નાંખ્યો છે.’ માહિતી મળતા પોલીસ પહોંચી તો યુવકને લોહીથી લથપથ હાલતમાં જોયો. જ્યારે યુવતીના હાથમાં પણ લોહી લાગેલું હતું. પોલીસે મહિલાની અટકાયત કરી અને આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે. (જોકે પોલીસે આ ઘટનાની તારીખ અને દિવસની માહિતી જાહેર કરી નહોતી, આ રિપોર્ટ મીડિયા અહેવાલના આધારે તમારી સમક્ષ રજૂ કરી રહ્યાં છીએ.)