મિથુન ચક્રવર્તીના પુત્ર પર પીડિતાએ લગાવ્યો બળાત્કારનો આક્ષેપ, મિથુનની પત્ની પણ ફસાઈ

મિથુન ચક્રવર્તીના પુત્ર મહાક્ષય ચક્રવર્તી પર બળાત્કાર અને બળજબરીથી ગર્ભપાત કરાવવાનો આરોપ છે. ગુરુવારે રાત્રે ઓશિવારા પોલીસ સ્ટેશનમાં 38 વર્ષીય મહિલા વતી મિથુનના પુત્ર વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. FIRમાં મિથુનની પત્ની યોગિતા બાલીનો પણ ઉલ્લેખ છે. તેની ઉપર પીડિતાને ધમકાવવાનો આરોપ મૂકાયો છે. આ મામલો સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર સનસનાટી મચી ગઈ છે.

મિથુનના પુત્ર પર બળાત્કારનો આરોપ છે
નોંધાયેલી FIRમાં મહાક્ષય ચક્રવર્તી સામે બળાત્કારના આરોપો લગાવવામાં આવ્યા છે. જો પીડિતાની વાત માનીએ, તો તે 2015 થી 2018 સુધી મહાક્ષય સાથે રિલેશનશીપમાં હતી. તેના કહેવા પ્રમાણે, 2015 માં, જ્યારે તે મહાક્ષયનો અંધેરી સ્થિત ફ્લેટ જોવા ગઈ હતી, ત્યારે તેના ડ્રિન્કમાં કંઈક મેળવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની સાથે બળપૂર્વક શારીરિક સંબંધ બાંધવાની કોશિશ કરવામાં આવી હતી. આ પછી, પીડિતા ગર્ભવતી થઈ ગઈ અને મહાક્ષયએ તેને ગર્ભપાત કરવાનું કહ્યું. પીડિતાના કહેવા મુજબ, તેણીને કહ્યા વિના કેટલીક દવાઓ દ્વારા તેમનો ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો.

પત્ની યોગિતા પણ ફસાઈ ગઈ
FIRમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના બાદ પીડિતા અને મહાક્ષય વચ્ચેનું અંતર વધ્યું હતું. પરંતુ આ સંદર્ભમાં જ્યારે પીડિતાએ મહાક્ષય સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને મિથુનની પત્નીએ ધમકી આપી હતી. FIRમાં મિથુન ચક્રવર્તીની પત્ની યોગિતા બાલી પર પણ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. જો તે પીડિતાની વાત માનીએ, તો તેણે યોગીતા સાથે તેની આ ઘટના શેર કરી હતી, પરંતુ ત્યારે યોગિતાએ તેને ધમકી આપી હતી અને મામલાને ભૂલી જવા કહ્યું હતું.

આ ઘટના બાદ પીડિતાની વાત માનીએ તો તે તેના ભાઈ સાથે દિલ્હી જતી રહી હતી. ત્યાં તેણે બેગમપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તે પોલીસ સ્ટેશનમાં મહાક્ષય અને તેની માતા વિરુદ્ધ કલમ 376(બળાત્કાર) અને 313 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. બાદમાં તે કેસ ક્રાઈમ બ્રાંચને સોંપાયો હતો. પરંતુ તે સમયે મહાક્ષય અને તેની માતા બંનેને દિલ્હી અદાલતે આગોતરા જામીન આપ્યા હતા.

આ પછી, આ વર્ષે માર્ચમાં, પીડિતાને અદાલતે જ્યાં ઘટના બની છે ત્યાંથી ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું. આવા કિસ્સામાં પીડિતાએ આ વર્ષે જ જુલાઈમાં મુંબઇના ઓશીવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદના આધારે આઈપીસીની કલમ 376, 376 (2), 328,417,506 અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બળાત્કારથી માંડીને છેતરપિંડી સુધી મહાક્ષય પર અનેક પ્રકારના આરોપો મુકાયા છે.