Only Gujarat

FEATURED Gujarat

મિત્રોને ઈમ્પ્રેસ કરવા મોંઢામાં સુતળી બોમ્બ ફોડવો આ સુરતીને ભારે પડ્યું

સુરતમાં એક યુવકને દિવાળીની ઉજવણી ભારે પડી ગઇ. DJની ધૂનમાં મોઢામાં સુતળી બોમ્બ ફોડવાનું દુ:સાહસ: એવું ભારે પડ્યું કે મોઢું ભાંગીને ભુક્કો થઇ ગયું. મોઢાના ભાગે મલ્ટિપલ ફ્રેક્ચર થતાં તે સીધો હોસ્પિટિલમાં પહોંચી ગયો. નવાઇની વાત તો એ છે કે આ યુવકે સુતળી બોમ્બ મોઢામાં ફોડવાની ચેલેન્જ લીધી અને તે એવી ભારે પડી કે તેના મોઢાના હાલ બેહાલ થઇ ગયા.

સમગ્ર દેશમાં દિવાળીનો માહોલ હોવાથી લોકો ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યાં છે. જો કે, સરકારની ગાઇડલાઇન મુજબ જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાયો છે. છતાં લોકો નિયમો તોડીને પણ ફટાકડા ફોડી રહ્યા છે. એવામાં સુરતના પાંડેસરા વિસ્તારમાં ડીજેની ધૂન પર મસ્તી કરી રહેલા એક યુવકે મોઢામાં સુતળી બોમ્બ ફોડ્યો હતો. ધડાકાભેર સુતળી બોમ્બ મોઢામાં ફુટતા જ યુવક બેભાન થઇ ગયો હતો અને તેને મોઢાના ભાગે ગંભીર ઇજા પણ થઇ હતી. હાલમાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

વાત એમ છે કે, પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં મૂળ બિહારનો પિન્ટુ નરેશભાઈ જાદવ (ઉ.વ.28) ભાઈ સાથે રહે છે અને નજીકમાં જ આવેલી મિલમાં નોકરી કરે છે. દિવાળી વેકેશનને લઈને સગો ભાઈ બે દિવસ પહેલા વતન ગયો હતો. દરમિયાન પિન્ટુ અને તેના મિત્રો દિવાળીની રાત્રે ડીજેની ધૂન પર દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યા હતા અને ફટાકડાઓ ફોડી રહ્યા હતા.

આ દરમિયાન મિત્રોએ પિન્ટુને મસ્તીમાં મોંમાં સુતળી બોમ્બ ફોડવા કહ્યું હતું. તહેવારના તાનમાં પિન્ટુએ આ ચેલેન્જ ઉપાડી લીધી હતી. તેણે મોઢાંમાં જ સુતળી બોમ્બ ફોડી દીધો હતો. જેથી તે બેભાન થઈ ગયો હતો. યુવકના મોંમાં સુતળી બોમ્બ ફોડવાની ઘટનાથી મહોલ્લામાં ભારે હોબાળો મચી ગયો હતો. જ્યારે મિત્રોમાં નાસભાગ મચી ગઈ હતી.

જે મિત્રોને ઈમ્પ્રેસ કરવા પોતાના મોઢાની દઈ નાખી તે જ મિત્રો બેભાન મિત્રને જોઈ ભાગી ગયા હતા. જોકે કોઈએ ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108 મારફતે પિન્ટુને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પિન્ટુના પિતરાઈ ભાઈએ જણાવ્યું હતું કે, હાલત સારવાર ચાલુ છે. મોઢામાં મલ્ટિપલ ફ્રેક્ચર થતા ટાંકા લેવા પડ્યા છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. આ યુવકને બેદરકારી દાખવવી અને ઑવર કોન્ફિડન્સ દાખવવો એટલો ભારે પડ્યો કે પોતાની જ નહીં, તેના પરિવારજનોની દિવાળી પણ બગડી છે.

You cannot copy content of this page