Only Gujarat

Gujarat

વીમો પકવવા માટે LIC એજન્ટે પત્નીને મૃત બતાવી અને બાદમાં પોતે પણ સ્વર્ગે સીધાવી ગયો

અમદાવાદના મણિનગરમાં રહેતા એક LIC એજન્ટે જીવિત પત્નીને મૃત બતાવી રૂપિયા 15 લાખનો વીમો-ક્લેમ કરાવી લીધો હતો જો કે 4 વર્ષ બાદ ભાંડો ફૂટતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વીમા કંપનીના ઓડિટ દરમિયાન એજન્સીમાં વારસદાર તરીકે પત્નીનું નામ ચાલુ રાખ્યું હોવાથી આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ચોંકાવનારી વાત એ છે કે, રૂપિયાની લાલચમાં આવી પહેલા પોતાની પત્નીને મૃતક બનાવી બાદમાં પોતે પણ મૃત્યુ પામ્યો હોવાનુ સર્ટિફિકેટ રજૂ કરી લાખો રૂપિયાની વીમા પોલિસી મેળવવા માટે ષડયંત્ર રચ્યું હતું. જો કે અંતે આ દંપતીની કરતૂતો બહાર આવતાં પોલીસે પતિ-પત્નીની ધરપકડ કરી છેતરપિંડીના ગુનામાં અન્ય કોણ કોણ સામેલ છે તેની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદના મણિનગરમાં રહેતા અને LIC એજન્ટ તરીકે કામ કરતા પરાગ પારેખે વર્ષ 2012માં રૂપિયા 15 લાખની અનમોલ જીવન નામની પોલિસી તેની પત્નીનાં નામે લીધી હતી. આ ઉપરાંત પોતાના નામે રૂપિયા 25 લાખની પોલિસી કઢાવી હતી. બંને પોલિસીના પ્રીમિયમ તેઓ નિયત સમયે ભરી દેતા હતા. પણ આ એજન્ટના મનમાં કંઈક અલગ જ પ્લાન ચાલી રહ્યો હતો. 2016માં પરાગે પોતાની પત્ની મનીષાનું મૃત્યુ થઈ ગયું હોવાનું AMCનું સૈજપુર બોધા વોર્ડનું ડેથ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું, જેના આધારે LICએ 14.96 લાખની રકમ પાસ કરી તેમના બેંક ખાતામાં જમા કરી દીધી હતી.

પત્નીની પોલીસી સરળતાથી પાસ થયા બાદ આ ગઠિયાએ પોતાની પોલિસી પણ આ રીતે પાસ કરાવીને રૂપિયા પડાવી લેવાનો પ્લાન ઘડી કાઢ્યો. કોઈને શંકા ના જાય તે માટે પોલિસી માર્ચ 2017માં ગાંધીનગર બ્રાન્ચમાં ટ્રાન્સફર કરાવી હતી. જેમાં તેને વારસદાર તરીકે તેની પત્નીને રાખી હતી. ત્યારબાદ આરોપી પરાગે પોતે પણ મૃત્યુ પામ્યો હોવાનું સર્ટિફિકેટ રજુ કરીને રૂપિયા 25 લાખની પોલિસી પણ પાસ કરાવી લીધી.

2020માં વીમા કંપનીનું ઓડિટ ચાલતું હતું. ઓડિટ દરમિયાન સામે આવ્યું હતું કે મનીષા પારેખનું ડેથ સર્ટિફિકેટ શંકાસ્પદ છે અને પરાગની એજન્સીના વારસદાર તરીકે તેની પત્ની મનીષાનું નામ ચાલુ છે. જેથી અધિકારીઓએ આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. જેમાં આ ગઠિયાએ પોતાના આર્થિક લાભ માટે આ કૃત્ય કર્યું હોવાનું બહાર આવતા LIC માં ફરજ બજાવતા અધિકારીએ કારંજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં એવો ખુલાસો થયો છે કે પરાગ પારેખે મરણ સર્ટિકિકેટ સૈજપુર વોર્ડમાં બનાવ્યું હતું. જ્યારે ડોકટરનાં સહી સિક્કા સાથેનું પ્રમાણપત્ર નરોડાની સંજીવની હોસ્પિટલનું બનાવાયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. હાલમાં પોલીસે આ દંપતીની પૂછપરછ શરૂ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે આ મામલે ગાંધીનગરમાં પણ દંપતી વિરુદ્ધમાં ગુનો નોંધાય તેવી સંભાવના છે. આ ઉપરાંત બનાવટી સર્ટિફિકેટ તૈયાર કરનાર અન્ય આરોપીની પણ પોલીસે શોધખોળ શરૂ કરી છે.

You cannot copy content of this page