Only Gujarat

Gujarat

અમદાવાદનું કાલુપુર દેશનું એક માત્ર રેલવે સ્ટેશન કે જ્યાંથી દોડશે ત્રણ પ્રકારની ટ્રેનો

સ્માર્ટ સિટી અમદાવાદના નામે વધુ એક સિદ્ધિનો ઉમેરો થવા જઈ રહ્યો છે. અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન દેશનું એકમાત્ર સ્ટેશન હશે કે જ્યાં પ્લેટફોર્મથી ઉપર બુલેટ ટ્રેન અને અંડરગ્રાઉન્ડમાં મેટ્રો ટ્રેન દોડતી હશે. એટલું જ નહીં, અન્ય રેગ્યુલર ટ્રેન તો આવતી-જતી રહેશે જ. આમ એક જ રેલવે સ્ટેશનમાં ત્રણ પ્રકારની ટ્રેનો દોડતી જોવા મળશે. 157 વર્ષ જૂનું કાલુપુર રેલવે સ્ટેશન આગામી દિવસોમાં દેશનું એક એવું ટ્રાન્સપોર્ટેશન હબ બની જશે, જ્યાં ત્રણ પ્રકારનાં સ્ટેશન બનાવવામાં આવશે.

પ્લેટફોર્મ 11થી 12 વચ્ચેનું બુલેટ ટ્રેન સ્ટેશન 20 મીટર ઊંચા થાંભલા પર બનાવવામાં આવશે. જ્યારે રેલવે સ્ટેશન ડાઉનસ્ટ્રીમ પરના પુનર્વિકાસના ભાગ રૂપે તૈયાર થઈ જશે અને ત્યાંથી ટ્રેનો ચલાવવામાં આવશે. અહીં મેટ્રો કામગીરી પણ ધમધમી રહી છે અને જમીનથી 20 મીટર નીચે એક મેટ્રો સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ રીતે કાલુપુર એકમાત્ર સ્ટેશન હશે, જ્યાં સામાન્ય રેલવે, મેટ્રો અને બુલેટ ટ્રેન સ્ટેશન પણ હશે.

હેરિટેજ સિટી અમદાવાદના હાર્દમાં આવેલું કાલુપુર રેલવે સ્ટેશન અમદાવાદથી અવરજવર માટેનું મધ્યવર્તી સ્થાન છે. 157 વર્ષ જૂના આ રેલવે સ્ટેશનના કોમ્પ્લેક્સમાંથી બુલેટ ટ્રેન અને મેટ્રોની અવરજવર શરૂ થશે. નેશનલ હાઈ-સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ અનુસાર, બુલેટ ટ્રેન માટે કોઈ અલગથી સ્ટેશન બનાવવામાં નહીં આવે. આ ટ્રેન કાલુપુર તેમજ સાબરમતી સ્ટેશન પરથી દોડતી જોવા મળશે. આ નિર્ણયથી મુસાફરોને અવરજવરમાં સરળતા થશે. મુસાફરો બીઆરટીએસ, એસટી સ્ટેન્ડ તેમજ એરપોર્ટથી કનેક્ટ રહી શકે એ માટે આ પ્લાનિંગ કરવામાં આવ્યું છે.

નેશનલ હાઈ-સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ દ્વારા સ્ટેશનની ડિઝાઈન તેમજ કંસ્ટ્રક્શનની કામગીરીની સોંપણી માટે બીડ્સ મગાવાયાં છે. અમદાવાદના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-3નો હવાલો નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશનને સોંપી દેવામાં આવ્યો છે. પ્લેટફોર્મ નંબર 10, 11 અને 12ને બુલેટ ટ્રેન માટે સોંપવામાં આવશે, જ્યાં બુલેટ ટ્રેન માટે પ્લેટફોર્મ 10 થી 12 પર આવેલી ઓફિસો તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હવે પ્લેટફોર્મની જગ્યાએ બુલેટ ટ્રેનના 20 મીટર ઊંચા પિલર બનશે અને નીચે રિ-ડેવલપમેન્ટના ભાગરૂપે રેલવે સ્ટેશનનું નિર્માણ થશે. જમીનના 20 મીટર નીચે મેટ્રો સ્ટેશન બનાવવાની કામગીરી ચાલી રહી છે. કાલુપુર સ્ટેશન પરથી ત્રણ પ્રકારની ટ્રેનોનું સંચાલન હાથ ધરાશે.

મહત્વનું છે કે, અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનાં કુલ 12 સ્ટેશન બનશે. જેમાંથી સુરત, વાપી, બીલીમોરા, ભરૂચ અને નડિયાદ એમ 5 સ્ટેશન માટેનાં ટેક્નિકલ બીડ્સ ખોલવામાં આવ્યાં છે, જ્યારે અમદાવાદમાં કાલુપુરમાં બુલેટ ટ્રેનનું રેલવે સ્ટેશન સરસપુર તરફ તૈયાર કરવામાં આવશે. સ્ટેશનને હેરિટેજ લૂક આપવા માટે ભારતીય રેલવેએ કવાયત હાથ ધરી છે. રેલવે સ્ટેશનના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર ત્રણ દરવાજા અને દિલ્હી દરવાજાની રેપ્લિકા મુકાશે.

ઉલ્લેખનીય છે કે 157 વર્ષ પહેલાં અમદાવાદ-સુરત લાઇન પર પહેલું લોકમોટિવ તૈયાર કરાયું હતું, જે બોમ્બે, બરોડા અને સેન્ટ્રલ ઈન્ડિયા રેલવે કંપનીતરફથી બનાવવામાં આવ્યું હતું. 16 એપ્રિલ, 1853ના રોજ દેશમાં પહેલી ટ્રેન મુંબઈ અને થાણે વચ્ચે ચલાવવામાં આવી હતી. ત્યાર બાદ આશરે 10 વર્ષ પછી 20 જાન્યુઆરી, 1863ના રોજ કાલુપુર રેલવે સ્ટેશનથી ટ્રેન દોડાવવાની શરૂઆત કરવામાં આવી હતી. સ્ટીમ એન્જિન સાથેની આ ટ્રેનને જોવા માટે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર લોકોની ભારે ભીડ જામી હતી.

You cannot copy content of this page