હજારોની સંખ્યામાં મળી આવ્યા કોન્ડમ, દોડતા થઈ ગયા અધિકારીઓ

વલસાડ જિલ્લાની કચરાની ડમ્પીંગ સાઈટ પરથી મોટી માત્રામાં વપરાયા વિનાના કોન્ડમનો જથ્થો મળી આવતા આરોગ્ય વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રાથમિક તપાસમાં NACO એટલે કે નેશનલ એઈડ્સ કન્ટ્રોલ ઓર્ગોનાઈઝેશન દ્વારા વિતરણ કરવામા આવતા કોન્ડમનો આ જથ્થો હોવાનું બહાર આવ્યું છે. આરોગ્ય વિભાગે સંસ્થાની ઓળખ મેળવવા માટે બેચ નંબરના આધારે તપાસ શરૂ કરી છે.

વલસાડની ઓરંગા નદીના કિનારે આવેલી નગરપાલિકાની ડમ્પીંગ સાઈટ પર મોટી માત્રામાં સરકારી કોન્ડમનો જથ્થો પડ્યો હોવાનો વીડિયો વાઈરલ થતા જ આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ હતી. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામા આવેલી પ્રાથમિક તપાસમાં આ જથ્થો NACO (નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝન) દ્વારા આપવામા આવતા કોન્ડમનો હોવાનું જાણવા મળ્યું છે. વલસાડ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે આ જથ્થો પોતાનો હોવાનો ઈન્કાર કર્યો છે. પેકેટ ચેક કરતા એક્સપારી ડેટ 2022 અને 2023 હોવાનું જાણવા મળ્યું છે.

વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે પ્રાથમિક તપાસ કરતા જિલ્લા આરોગ્ય વિભાગના કોન્ડમ ન હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી અનિલભાઈ પટેલે જણાવ્યું છે. કોન્ડમનો જથ્થો HIV ઉપર કામ કરતી સંસ્થાનો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું હોવાનું જણાવ્યું હતું. વલસાડ જિલ્લામાં HIV ઉપર કામ કરતી સંસ્થાઓને NACO દ્વારા આ કોન્ડમ સરકારની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવ્યા હોવાનું લાગી રહ્યું છે. બુધવારે સવારે વલસાડ ઔરંગા નદી કિનારે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ ફરી તપાસ કરવા જશે તેમ અનિલભાઈ પટેલે જણાવ્યું છે.