Only Gujarat

Gujarat

સવજીભાઈની અનોખી પહેલ, કર્મચારીનું મોત થાય તો તેના પરિવારને દર મહિને પગાર મળશે

જાણીતા દાનવીર સવજીભાઈ ધોળકિયા વધુ એક સરાહનીય પગલું ભર્યું છે. તેમની કંપનીએ પોતાના કર્મચારીઓના કલ્યાણમ માટે એક અનોખી પહેલ કરી છે. જેમાં કર્મચારી અને તેના પરિવારને હિતને સામે રાખી એક નવી કલ્યાણ યોજના શરૂ કરી છે.

હરેકૃષ્ણ ડાયમંડ કંપની દ્વારા શરૂ કરાયેલી આ યોજના હેઠળ નોકરી દરમિયાન કર્મચારી મૃત્યુ પામે તો તેના મૃત્યુ બાદ કર્મચારીની 58 વર્ષની નિવૃતિવયની મર્યાદાને ધ્યાને રાખી ત્યાં સુધી તેનો પગાર પરિવારને દર મહિને આપવાનું નક્કી કરાયું છે. વર્ષ 2022થી શરૂ કરાયેલી આ યોજના હેઠળ અત્યાર સુધી બે કર્મચારીઓના પરિવારને તેના લાભ આપવાનું કંપનીએ શરૂ કર્યુ છે.

આ અંગે હરેકૃષ્ણ ગ્રુપના ચેરમેન સવજીભાઇ ધોળકિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોઈપણ કર્મી મૃત્યુ પામે તો તેના પરિવારને દર મહિને તેમનો પગાર મળી જાય. જેની મર્યાદા 1 લાખ સુધીની છે. પરિવારને વ્યક્તિ ગુમાવ્યાનો રંજ રહે પરંતુ આવક ચાલુ રહે એટલો આર્થિક બોજો હળવો રહે.

વતનમાં મકાન બાંધવા 5 લાખ સુધીની વિના વ્યાજની લોન
આ ઉપરાંત વતનમાં કર્મચારીને મકાન બાંધવા 5 વર્ષ માટે વિના વ્યાજે 5 લાખની લોન અપાય છે. કોરોનાકાળમાં સુરતના મોટાભાગના પરિવારો પોતાના વતનમાં જતા રહ્યાં હતા તેમાંથી કેટલાક લોકોને પોતાના ઘર નહીં હોવાથી બીજાને ત્યાં સગા સંબંધીઓને ત્યાં રહેવું પડ્યું હતું.મકાન લોન માટે આને પણ ધ્યાને લેવાયું હતું.

હેલ્મેટ પહેરવું ફરજિયાત
આ સિવાય પણ કંપની દ્વારા બાઈક પર જતા કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. હેલ્મેટ વગર કર્મચારીને કંપનીના કમ્પાઉન્ડમાં એન્ટ્રી થતી નથી. કોઈપણ જાતનું વ્યસન હોવું જોઈએ નહીં આની સાથે સાથે કર્મચારીઓને વ્યસનમુક્તિ માટે પ્રેરિત કરવા માટે ‘જે વ્યસન છોડી ન શકે તેણે કંપની છોડી દેવી’ સૂત્ર અપાયું છે. જોકે કંપની દ્વારા કર્મચારીઓને આ પ્રકારની વિશેષ યોજનાઓની સાથે સરકારી નિયમો મુજબ પણ લાભ અપાય છે.

You cannot copy content of this page