Only Gujarat

Gujarat

આ સુરતી મહિલાનું ફટાણું સાંભળીને નીતા અંબાણી થયા હતાં ફિદા, એન્ટેલિયામાં ગાયા હતા લગ્નગીતો

સુરત લગ્ન વિધિના રિવાજ દરમ્યાન વર્ષોથી ચાલી આવતી લગ્ન ગીત અને ફટાણા ગાવાની પરંપરા ધીરે ધીરે વિસરાતી જઈ રહી છે. હાલના આધુનિક સમયમાં ડીજે મ્યુઝિક સાથે પ્રસંગો ઉજવાય રહ્યા છે. ત્યારે સુરતનાં વૈશાલી ગોહિલ જેમણે વર્ષોથી ચાલી આવતા આ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનું બીડું ઉપાડ્યું અને આ કાર્યથી તેમણે ગુજરાત કે ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ લગ્ન પસંગોમાં ગુજરાતી લગ્ન ગીતો રજૂ કરી લોકોના દિલ જીત્યા છે. સોશિયલ મીડિયામાં નીતા અંબાણી પણ જેમની રીલ જોઈ પ્રભાવિત થયા તે વૈશાલી ગોહિલ કોણ છે તેના વિશે જાણીએ. જેમણે એન્ટિલિયામાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સગાઈ સમારોહમાં પર્ફોમન્સ આપ્યું હતું.

મહાસપ્તપદી દ્વારા પહેલી વખત 108 ક્લાકારોને એક જ મંચ પર માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ સાથે લાવ્યા અને 1500થી વધુ શો કરનાર છે સુરતના વૈશાલી હરીન ગોહિલ. સંગીત ક્ષેત્રે કોરસ સિંગર તરીકે પોતાની સફર શરૂ કરનારા સુરતનાં વૈશાલી ગોહિલ 8 વર્ષનાં હતાં ત્યારથી જ સંગીત શીખતાં હતાં. તેમણે કોમર્સનો અભ્યાસ કરવાની સાથે સંગીત પણ શીખ્યું હતું. તેઓ કોઈને કોઈ ક્લા સાથે જોડાયેલા રહ્યાં પરંતુ તેમણે સંગીતને વ્યાવસાયિક રૂપ આપ્યું નહીં. લગભગ 38 વર્ષની વયે જ્યારે તેમની દીકરીઓ મોટી થઈ ગઈ અને તેઓ આંશિક રીતે જવાબદારીમાંથી મુક્ત થયા ત્યારબાદ વૈશાલીબહેને સંગીત તરફ પોતાનું ધ્યાન વધુ કેન્દ્રિત કર્યું.

જૂના ગીતો યાદ કરાવવાની ઝુંબેશ
વૈશાલી બહેનનો કર્ણપ્રિય અવાજ સાંભળતાં જ શ્રોતાઓ મંત્રમુગ્ધ થઇ જાય છે. તેમના લગ્નગીતો અને ફટાણા સાંભળી કાનોમાં મીઠુંમધુરું સંગીત ગૂંજી ઉઠે છે. ભલે હાલના સમયમાં ગુજરાતની આ પરંપરા વિસરાઈ રહી હોય પરંતુ ગુજરાતના વારસા વૈભવને જીવંત રાખવાનું કામ સુરોની સફર શરૂ કરનાર વૈશાલીબહેન ખૂબ સારી રીતે ભજવી રહ્યા છે. યુવા પેઢીને ભલે લગ્નગીત બોરિંગ લાગતા હોય અને તેઓ ફિલ્મી ગીતો પસંદ હોય પણ વૈશાલીએ આ નવી પેઢીને જૂના ગીતો યાદ કરાવવાની ઝુંબેશ ઉપાડી છે.

“નીતા અંબાણીએ સોશિયલ મીડિયા પર મારા લગ્ન ગીતો સાંભળીને મને રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના ગોળધાણામાં લગ્ન ગીત ગાવા આમંત્રિત કરી હતી. જ્યારે મારી ટીમે એન્ટેલિયામાં લગ્ન ગીત રજૂ કર્યા ત્યારે ત્યાં અંબાણી પરિવાર સહિત હાજર મહેમાનો પણ ઝૂમી ઉઠયા હતા”-વૈશાલીબહેન ગોહિલ

ગીત ગાવાની પ્રેક્ટિસ
આજે ગુજરાત તથા દેશમાં અનેક લગ્ન પ્રસંગોમાં વૈશાલીબહેનને લગ્ન ગીતો ગાવા માટે આમંત્રિત કરવામાં આવે છે. પરંતુ આ સાથે જ તેઓ ઘર હોય કે રેસ્ટોરન્ટ જ્યાં પણ સમય મળે ત્યાં લગ્ન ગીત ગાવાની પ્રેક્ટિસ કરવાનો મોકો છોડતા નથી. તેમણે લગ્ન ગીત ગાવાની જ્યારે શરૂઆત કરી ત્યારે તેમની સાથે ચાર છોકરીઓની ટીમ હતી. પરંતુ આજે તેમની ટીમમાં 14થી 16 વ્યક્તિ છે અને તેઓ જ્યારે પણ સમય મળે છે. ત્યારે તેમની સાથે લગ્ન ગીત ગાવાની પ્રેક્ટિસ કરે છે.

ગીતો એકત્ર
13 વર્ષની ઉંમરથી તેમણે ક્લાસિકલ સંગીત શીખવાની શરૂઆત કરી હતી. માતાના સંગીતના અધૂરા સપનાને સાકાર કરવાની સાથે વૈશાલીબહેને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં કંઈક કરી બતાવવાની નેમ સાથે 13 વર્ષની ઉંમરથી ક્લાસિકલ સંગીત શીખવાનું શરૂ કરી દીધું હતું. જીવનના સંઘર્ષ ભર્યા સફરમાં તેઓ સંગીતને વધુ સમય ફાળવી શક્યા ન હતા. જોકે, લગ્ન બાદ ફરી તેમને પોતાનો શોખ પૂરો કરવાની તક મળી અને ફરી ટ્રેનિંગ લઈ તેમણે લગ્ન ગીત ગાવાનું શરૂ કર્યું. તેમની પાસે આશરે 400થી પણ વધુ લોકગીત અને લગ્ન ગીતનું સંગ્રહ છે. તેમણે ગૂગલ પર અને અન્ય ગાયકોને સાંભળીને આ ગીતો એકત્ર કર્યા છે.

મદદરૂપ બન્યું સોશિયલ મીડિયા
કોઈપણ કાર્ય સિદ્ધ કરવા માટે પરિવારનો ફાળો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. વૈશાલીબહેનને પણ તેમના પતિ હરીન ગોહિલનો ખૂબ સાથ મળ્યો અને તેમણે વૈશાલીબહેનના સંગીતના શોખને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમણે તેમના પતિના મિત્ર અશોક જસાણી સાથે મળી વર્ષ 2014માં વી આર વન ઇવેન્ટ કંપનીની સ્થાપના કરી. આ ઈવેન્ટ કંપની દ્વારા તેઓ લગ્ન ગીતો સાથે લોકો સુધી પહોંચ્યા. વૈશાલી બહેને નાના-મોટા પ્રસંગોમાં ગાવાની શરૂઆત તો કરી પરંતુ તેમની આ કળાને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં સૌશિયલ મીડિયાએ પણ મહત્વનું યોગદાન આપ્યું. તેમણે ટીમ સાથે પ્રેક્ટિસ કરતા હોય તેવા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા અને આ રીતે કરિયરમાં એક અલગ મુકામ હાંસલ કર્યું.

લગ્ન ગીત ગાવાની શરૂઆત
ત્યારે ગ્રૂપમાં ચાર છોકરીઓ હતી અને આજે તેમની ટીમમાં 14 છોકરીઓ છે. પરંતુ થોડા સમય પહેલા સુરતના એક મોટા ઉદ્યોગપતિ ના ઘરે લગ્ન પ્રસંગ દરમિયાન તેમણે 108 વ્યક્તિની ટીમ સાથે લગ્ન ગીતો રજૂ કરી સૌ કોઈને મંત્ર મુગ્ધ કર્યા હતા. હાલના સમયમાં કોઈ પણ પ્રસંગ હોય સંગીતનું ખૂબ જ મહત્વ દેખાઈ રહ્યું છે. પરંતુ આ વચ્ચે લગ્નપ્રસંગે ગવાતા ગીતોનો ગુજરાતી વારસો અને પરંપરા વિસરાઈ રહી છે. ત્યારે પોતાના સુરીલા કંઠે વૈશાલીબહેન નવી પેઢીને ફરી એકવાર સાંસ્કૃતિક વારસા તરફ વાળવાનું સરાહનીય કાર્ય શરૂ કર્યું છે.

You cannot copy content of this page