Only Gujarat

Gujarat

મહિલા ફોરેસ્ટ ગાર્ડે આરોપીની પત્નીને આપી હતી ધમકી, જાણો ચકચારી ત્રિપલ મર્ડરની બહાર આવેલી વિગતો

પોરબંદર: પોરબંદરના ચકચારી ટ્રિપલ મર્ડર કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે. આમાં માત્ર કજિયો નથી થયો પણ ત્રણ-ત્રણ લોકોની હત્યા થઈ છે અને મહિલાના પેટમાં ઉછરી રહેલા બે ભ્રૂણનો પણ ભોગ લેવાયો છે. આ હત્યાના બનાવને પોલીસે ઉકેલી દીધો છે અને આરોપીની પૂછપરછમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે જે વિશે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. પહેલા તેમને એ જણાવી દઈએ કે આખરે ઘટના શું બની હતી.

પોરબંદર જિલ્લાના બરડા ડુંગરમા બે દિવસથી લાપતા થયેલ ફોરેસ્ટ વિભાગના મહિલા બીટ ગાર્ડ હેતલ સોલંકી, તેમના શિક્ષક પતિ કિર્તી સોલંકી અને રોજમદાર નાગાજણ ભુરા આગઠના મૃતદેહ બરડા જંગલમાંથી મળી આવ્યા હતા. ત્રણેય લોકોની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. પોલીસે હત્યારાને પકડવા વિવિધ ટીમો બનાવી પૂછપરછ શરૂ કરી. જેમાં લખમણ ઓડેદરાનું નામ સામે આવ્યું. જે ખુદ પણ ફોરેસ્ટ ગાર્ડ છે અને હેતલ સોલંકી સાથે જ નોકરી કરતો હતો.

પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો કે હેતલ અને લખમણ વચ્ચે છેલ્લા 3 વર્ષથી મિત્રતા હતી. આગળ જતા આ સંબંધ વધુ ગાઢ બનાવવાની કોશિશ કરતાં લખમણની પત્નીને જાણ થઈ ગઈ હતી. જેને લઈને લખમણ અને તેની પત્ની મંજૂ વચ્ચે અવારનવાર ઝઘડા પણ થયા હતા. ઘણીવાર આ મામલે હેતલ અને મંજૂ વચ્ચે પણ ઉગ્ર ઝઘડા થતા હતા.


મીડિયામાં છપાયેલા અહેવાલ પ્રમાણે એવી વાત પણ સામે આવી છે કે હેતલ અને તેના પતિ કીર્તિ વચ્ચે મનમેળ નહોતો. તેઓ એક જ ઘરમાં અલગ-અલગ રૂમમાં રહેતા હતા. થોડા દિવસ પહેલા જ લખમણની પત્ની મંજૂ અને હેતલ વચ્ચે મોટી બબાલ થઈ હતી. જેમાં હેતલે મંજૂને ધાક ધમકી આપી હતી. આ વાત મંજૂએ તેના પતિ લખમણને કરી હતી. તેથી લખમણ ભારે ગુસ્સે ભરાયો હતો. બીજી તરફ હેતલ સોલંકી સર્ગભા બની જતા લખમણે હત્યાનો પ્લાન બનાવ્યો હતો.

લખમણે બરડાના ડુંગરમાં ચાલી રહેલી દારૂની ભઠ્ઠી ચાલે છે તેવુ રોજમદાર નાગજણ દ્વારા હેતલને જણાવ્યું હતું. નાગજણે બાતમી આપતાં હેતલે વાત માની લીધી હતી. બરડા ડુંગરમા ગેરકાયદેસર ચાલતી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી તોડવા માટે જવાના બહાને લખમણ તેમને લઈ ગયો હતો. બાદમાં પહેલાંથી ઘડેલી યોજના પ્રમાણે ત્રણેની હત્યા કરી નાંખી હતી. જેમાં તેણે ત્રણેયની પાછળ પાછળ પહોંચીને સૌથી પહેલા હેતલ સોલંકીના પતિ અને રોજામદારને માથામાં લાકડીના ફટકા મારીને હત્યા કરી દીધી હતી.

બાદમાં હેતલને ઠંડા કલેજે મોતને ઘાટ ઉતારી ઘરે જતો રહ્યો હતો. આ કેસમાં મહત્વની વાત તો એ હતી કે પોલીસની સાથોસાથ બરડા ડુંગરમાં લખમણ ઓડદરા સાથે જ હતો અને તેણે જ સૌ પ્રથમ પોલીસને ત્રણેયના મૃતદેહ બતાવ્યા હતા. તેથી પોલીસને પહેલેથી તેના પર શંકા ગઈ હતી. બાદમાં તેની તમામ ગતિવિધિ પર વોચ રાખતા ટ્રિપલ મર્ડરનો ભેદ ઉકેલાઈ ગયો.

You cannot copy content of this page