Only Gujarat

Gujarat

પતિએ કહ્યું પત્નીનું હાર્ટ એટેકથી થયું છે મોત, મૃતહેદને હાથ ન અડાડતા, હચમચાવી મૂકતો બનાવ

અમદાવાદના વિરમગામ તાલુકાના નરસિંહપુરા ગામે એક પરિણીતાનું મોત થયું. પતિએ પોતાની પત્નીનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જણાવતા યુવતીના માતા-પિતા દીકરીનું મોઢું જોવા માટે દોડી આવ્યા. પરંતુ જ્યારે તેમણે દીકરીને જોઈ તો તેમના હોશકોશ ઉડી ગયા. કારણ કે તેમની લાડકીને દોરી વડે ગળેટુંપો આપી હત્યા કરવામાં આવી હોવાનું તેમના ધ્યાન પર આવ્યું. આ મામલે મૃતક મહિલાના પિતાએ પતિ, સાસુ-સસરા સામે હત્યાનો ગુનો વિરમગામ રૂરલ પોલીસમાં નોંધાવતા હડકંપ મચી ગયો છે.

આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના નરસિંહપુરા ગામમાં રહેતા અશોક બાબુલાલ પ્રજાપતિએ ચાર વર્ષ પહેલા નર્મદાના રાજપીપળા તાલુકાના જુના રાજુવાડીયા ગામના સનુભાઇ શાંતિલાલ વસાવાની દીકરી જયશ્રી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તે સમયે બંને ઘરેથી ભાગી ગયા હતા. જો કે બાદમાં પતિ પત્ની વિરમગામના નરસીપુરા ગામમાં રહેતા હતા. અશોક અને જયશ્રીને સંતાનમાં ત્રણ વર્ષની તન્વી નામની બાળકી છે.

છેલ્લા બે વર્ષથી પતિ અશોક અને જયશ્રી અવારનવાર યુવતીના માતા-પિતાના ઘરે આવતા હતા. પણ છેલ્લા ત્રણ મહિનાથી જયશ્રી અને પતિ અશોક વચ્ચે કોઈને કોઈ વાતને લઈ ઝઘડો ચાલતો હતો. ગત 3 ઓક્ટોબરના રોજ જયશ્રીએ તેના માતા પિતા સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે મારી દીકરીને તમે તમારી પાસે રાખજો, ભણાવજો અને સાચવજો. ત્યારબાદ બીજા દિવસે એટલે કે 4 ઓકટોબરના રોજ જમાઈનો ફોન આવ્યો કે જયશ્રી મૃત્યુ થયુ છે.

સમાચાર મળતા યુવતીના પિતાએ જમાઇ અશોકને મોતનું કારણ પૂછ્યું હતું. તો અશોકે કહ્યું હતું કે જયશ્રીને હાર્ટ એટેક આવ્યો છે. આ સમાચારથી યુવતીના માતા-પિતા બીજા દિવસે વિરમગામના નરસિંહપુરા ગામમાં પહોંચ્યા હતા. જ્યાં પતિ અશોકે અને તેના માતા-પિતાએ જયશ્રીના મૃતદેહને અડવાની ના પાડી દીધી હતી. તે સમયે તક મળતા યુવતીના માતા સુમિત્રાબેને ઘરમાં જઈને તેમની મૃત દીકરી જયશ્રીને મોઢું જોયું હતું. દીકરીની હાલત જોઈને તેઓ ચોંકી ઉઠ્યા. કારણ કે દીકરીના ગળાના ભાગે દોરીથી ગળે ટૂંપો દીધો હોય તેના નિશાન હતા.

સાસુ ફુલવંતીબેન પ્રજાપતિને પૂછતા તેમણે જણાવ્યું હતું કે જયશ્રી મારા ખોળામાં જ મોતને ભેટી હતી. પરંતુ યુવતીના પરિવારે તપાસ કરી તો ઘરમાં જયશ્રી ખાટલા પડી હતી અને કપડા અને લાઇટનુ બોર્ડ તુટી ગયું હતું. પરિવારને લાગ્યું કે દીકરી સાથે મારામારી થઇ છે. આ સ્થિતિમાં યુવતિના પરિવારજનોએ 100 નંબર પર પોલીસને ટેલીફોનિક ફરિયાદ લખાવી હતી અને મૃતદેહને પીએમ માટે અમદાવાદ ખસેડ્યો હતો. આ બનાવ મામલે યુવતીના પિતા શનુભાઇ શાંતિલાલ વસાવાએ દીકરીની હત્યા મામલે જમાઇ અશોક બાબુલાલ પ્રજાપતિ, યુવતીના સાસુ સસરા ફુલવંતીબેન પ્રજાપતિ અને બાબુલાલ સોમાભાઇ પ્રજાપતિ (તમામ રહે. નરસિંહપુરા) વિરુદ્ધ ફરિયાદ નોંઘાવતા પોલીસે હત્યાનો ગુના નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

You cannot copy content of this page