ગુજરાત પોલીસ સામે ‘પુષ્પા’ ઝૂકીને મીંદડી થઈ ગયો, ફિલ્મને ટક્કર મારે એવી રીતથી કરતાં ચોરી

ઉત્તર ગુજરાતમાં તરખાટ મચાવનાર ચંદન ચોર ટોળકીને પોલીસે પકડી પાડી છે. ચાર દિવસ પહેલાં વાહન ચેકિંગ દરમિયાન શંકા જતાં 3 આરોપીની ટોળકીને સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધી હતી. જેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસે જ્યારે તેની ધરપકડ કરી ત્યારે એક આરોપીએ ‘પુપ્ષા’ લખેલો શર્ટ પહેર્યો હતો. જેમાં ફિલ્મના હિરો અલ્લુ અર્જુનનું ચિત્ર પણ દોરેલું હતું. એટલું જ નહીં તેમની ચોરી કરવાની સ્ટાઈલ પણ ‘પુષ્પા’ ફિલ્મ જેવી જ હતી.

છેલ્લા ઘણા સમયથી ઈડરની આસપાસના વિસ્તારમાં ખેતરોમાં ચંદનના ઉગેલા ઝાડ કાપીને કોઈ ચોરી જતું હતું. એક પછી એક અનેક ઘટનાઓ સામે આવતા સાબરકાંઠા ક્રાઈમ બ્રાન્ચ એલર્ટ થઈ ગઈ હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદ લઈ પેટ્રોલીંગ કડક બનાવ્યું હતું. દરમિયાન ઈડર – ભિલોડા હાઇવે પર મોહનપુર ફાટક પાસેથી પસાર થતાં ત્રણ સવારી બાઈક પર પોલીસને શંકા ગઈ હતી. પોલીસે અટકાવીને ઝીણવટભરી તપાસ કરતાં શખ્સોના પેન્ટના બેલ્ટની અંદર રોલ કરીને સંતાડવામાં આવેલી કરવતની 4 બ્લેડ મળી આવી હતી. વધુ તપાસ કરતાં હાથાથી અલગ કરેલી કુહાડી અને કોદાળી મળી આવી હતી. જેના આધારે પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી.

‘પુષ્પા’ ફિલ્મ જોઈ અને આઈડિયા આવ્યો
પૂછપરછ દરમિયાન એક આરોપીનો શર્ટ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. આરોપીના શર્ટ પર ‘પુપ્ષા’ લખેલું હતું અને તેના પર ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જુનની તસવીરો દોરેલી હતી. આરોપીઓએ કહ્યું હતું કે તેમણે ફિલ્મ જોઈને ‘પુષ્પા’ લખેલો શર્ટ પહેર્યો હતો. જે રીતે ફિલ્મમાં ચંદન ચોરી કરે એ જ રીતે તેઓ પણ ચંદનની ચોરી કરતા હતા. એટલું જ નહીં આરોપીએ વાળ સહિતની સ્ટાઈલ પુષ્પા જેવી જ રાખી હતી.

ચોરી કરવામાં પુષ્પાની સ્ટાઈલ અપનાવતા
ઝડપાયેલી ગેંગે પણ ચોરી કરવામાં ‘પુષ્પા’ જેવી સ્ટાઈલ અજમાવતા હતા. ફિલ્મમાં જે રીતે પોલીસથી બચવા ‘પુષ્પા’ નામનો હીરો ચંદનને કૂવામાં નાંખીને સંઘરી દે છે એ જ રીતે આ ગેંગ પણ ટ્રિક વાપરતી હતી. ચોરી કર્યા બાદ જેટલું ચંદન લઈ જવાય એટલું સાથે લઈ જતા, બાકીનો લાકડાનો જથ્થો જમીનમાં દાટીને સંઘરી દેતા. બાદમાં લાગ જોઈને સંઘરેલું ચંદન કાઢીને લઈ જતા. પોલીસે આ રીતે જમીનું દાટેલું 3 લાખનું ચંદન જપ્ત કર્યું હતું.

રુદ્રાક્ષ અને કટલેરી વેચવાના બહાને રેકી કરતા
પોલીસે જણાવ્યું હતું કે ઝડપાયેલા ત્રણેય આરોપીઓ ઈડરમાં ખુલ્લા મેદાનમાં ઝુપડા બાંધીને પડ્યા રહેતા હતા. રુદ્રાક્ષ અને કટલેરી વેચવાના બહાને ચંદનના વૃક્ષોની રેકી કરતા હતા. ત્રણેય આરોપીએ મધ્યપ્રદેશના રહેવાસી છે. જે ગેંગ બનાવી ઈડર આસપાસના વિસ્તારોમાં ચંદનની ચોરી કરતા હતા અને યુપીના કનૌજમાં સમીર નામના શખ્સને વેચી દેતા હતા.

ત્રણેય આરોપીઓએ 7 ગુના કબૂલી લીધા છે. આરોપીઓએ અંદાજે 15 લાખ રૂપિયાના ચંદનની ચોરી કરી હતી, જેમાંથી 4.4 લાખ રિકવર કરવામાં આવ્યા છે. તપાસમાં અન્ય સાગરીતોના પણ નામ ખૂલ્યા હતા. બાદમાં પોલીસે મહિલાઓ સહિતના આરોપીઓને ઝડપી લીધા હતા.