Only Gujarat

FEATURED National

લૉકડાઉનને કારણે વરરાજા ના આવી શક્યો પરણવા તો દુલ્હન જ પહોંચી ગઈ સાસરે..

કન્નોજઃ કોરોનાવાઈરસને લઇને દેશમાં લાગુ લોકડાઉનમાં વરરાજા બાઇક અને સાઇકલમાં લગ્ન કરવા ગયા હોય તેવા અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે પરંતુ આ વખતે દુલ્હન સામે ચાલીને લગ્ન કરવા પહોંચી હોવાની ઘટના સામે આવી છે. લોકડાઉનમાં વર જાન લઇ જવામાં અસમર્થ રહ્યો અને લગ્નની તારીખ જતી રહી તો દુલ્હન જાતે જ અનેક કિમી સુધી પગપાળા ચાલીને વરના ઘરે પહોંચી ગઇ. આ દ્રશ્ય જોઇને બધા અચંબીત થઇ ગયા.

કોરોના વાઈરસને લઇને લોકડાઉન લાગુ છે. ત્યારબાદના દિવસોમાં મોટાભાગના પરિવારજનોએ પરસ્પર સહમતી દર્શાવી લગ્ન ટાળી દીધા પરંતુ કેટલીક જગ્યાએ વર એકલો જ લગ્ન માટે દુલ્હનના ઘરે પહોંચી રહ્યાંની ઘટના સામે આવી. કોઇ મંજૂરી લઇને જાન લઇને પહોંચ્યો તો કોઇ વગર મંજૂરીએ ધોમધખતા તડકામાં એકલો પહોંચ્યો. ફિઝિકલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવાની સાથે લગ્નવિધિ પહેલા કોરોનાના નિયમનું પાલન થયું. આ દરમિયાન ઉત્તરપ્રદેશના કાનપુરના કન્નૌજમાં અજીબોગરીબ ઘટના સામે આવી.

કન્નૌજના પોલીસ સ્ટેશન તાલગ્રામના ગામ વૈસાપુરમાં રહેતા વિરેન્દ્રના લગ્ન સીમાવર્તી જનપદ કાનપુર દેહાત થાના ડેરા મંગલપુરના ગામ લક્ષ્મણ તિલકમાં રહેતા ગોરેલાલની પુત્રી ગોલ્ડી સાથે નક્કી થયા હતા. ચાર મેના રોજ જાન જવાની હતી પરંતુ લોકડાઉનના કારણે કોઇ તૈયારી થઇ શકી નહીં. એવામાં વરરાજા જાન લઇને પહોંચી શક્યા નહીં અને બાદમાં ફોન પર બંને પરિવારો વચ્ચે વાતચીત બાદ લગ્ન ટાળી દેવામાં આવ્યા.

લગ્ન ટળી ગયા બાદ વરરાજા અને દુલ્હન વચ્ચે ફોન પર જ વાતચીત થતી રહી. લગ્ન ટળી જવાનું સૌથી વધુ દુઃખ દુલ્હનને થયું અને તેણીએ વરરાજાના ઘરે જવાનું નક્કી કરી લીધું. બુધવાર 20 તારીખે સવારે તે ઘરે કોઇને કહ્યા વગર જ સલવાર સૂટ પહેરી પગપાળા જ ભાવિ પતિના ઘરે જવા નીકળી પડી. ત્યારબાદ અંદાજે 60 કિમી સુધી પગપાળા ચાલ્યા બાદ વૈસાપુર કન્નૌજ પહોંચી ગઇ. મોડી રાતે તેને ઘરની બહાર જોતા જ વરરાજાના પગ નીચેથી જમીન ખસી ગઇ.

બાદમાં વરરાજાના સ્વજનોએ સમજાવીને દુલ્હનને ફરી તેના ઘરે મોકલવાની વાત કરી તો તે રડવા લાગી. બીજી બાજુ દીકરી ગાયબ થઇ જવાથી પરેશાન સ્વજનો પણ ચિંતામાં હતા પરંતુ થોડીવાર બાદ વરરાજાના ઘરવાળાઓએ કહ્યું કે દુલ્હન તેમના ઘરે છે.

દુલ્હન જીદ પર અડગ રહી તો ગુરુવાર 21 તારીખે સવારે શકરવારા બગુલિહાઇ સ્થિત મંદિર પરિસરમાં આચાર્ય કમલેશ મિશ્રાએ મંત્રોચ્ચાર કરી વિધિ વિધાન સાથે બંનેના લગ્ન કરાવ્યા. લગ્ન દરમિયાન ફિઝિકલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવામાં આવ્યું અને દુલ્હા-દુલ્હને માસ્ક પહેરી અગ્નિના સાત ફેરા લીધા બાદ એકબીજાને વરમાળા પહેરાવી.

You cannot copy content of this page