Only Gujarat

National

આ જે મુકેશ અંબાણીના ‘રાઈટ હેન્ડ’, જેમની કામ કરવાની સ્ટાઈલ છે એકદમ અલગ

મુંબઈ: એશિયાના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડના જીયો પ્લેટફોર્મમાં રોકાણ કરવા માટે વિશ્વની દિગ્ગજ કંપનીઓની લાઈન લાગી છે. કોરોના સંકટમાં મુકેશ અંબાણીના જિયો પ્લેટફોર્મ્સમાં સૌથીવધુ રોકાણ થયું છે. ફેસબુક સહિત વિશ્વની 8 દિગ્ગજ કંપનીઓએ જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણ કરી તેમાં ભાગીદારી ખરીદી. જીયો પ્લેટફોર્મ્સે કંપનીની ભાગીદારી વેચી 97885.65 કરોડ રૂપિયા (અંદાજે 13 બિલિયન ડૉલર)ની રકમ ભેગી કરી. જે પછી જીયો પ્લેટફોર્મ્સ સૌથી મોટી અને શક્તિશાળી કંપની તરીકે આગળ આવી. હજુપણ ઘણી કંપનીઓ તેમાં રોકાણ કરવા માટે તૈયાર છે. એવું કહેવામાં આવે છે કે, તમામ કંપનીઓની રોકાણની ડીલ કરાવવા પાછળ મનોજ મોદીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. મનોજ મોદીને મુકેશ અંબાણીનો રાઈટ હેન્ડ માનવામાં આવે છે. મુકેશ અંબાણી અને મનોજ મોદી કોલેજકાળથી સારાં મિત્રો છે.

કોણ છે મનોજ મોદી
મનોજ મોદી મુકેશ અંબાણીના સૌથી વિશ્વાસપાત્ર સાથી છે. વર્ષ 1980માં તેઓ રિલાયન્સ સાથે જોડાયા હતા.  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની તમામ મહત્ત્વપૂર્ણ ડીલ્સમાં તેમની ભૂમિકા રહે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં તેમની સાખ એક મોટા ડીલર તરીકેની છે. રિલાયન્સના સૂત્રો અનુસાર, મનોજ મોદીએ જ રિલાયન્સ જીયોમાં ફેસબુકને 43,574 કરોડ રૂપિયાના રોકાણ માટે તૈયાર કરવાનું કામ કર્યું. ફેસબુકના રોકાણ બાદ જ ઘણી મોટી કંપનીઓની રિલાયન્સ જીયોમાં રોકાણ કરવા લાઈન લાગી ગઈ.

લો પ્રોફાઈલ વ્યક્તિત્ત્વ
મનોજ મોદી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા છતા ચર્ચાઓથી દૂર રહે છે. તે એકદમ લો પ્રોફાઈલ રહેતા વ્યક્તિ છે. મનોજ મોદી પડદા પાછળ રહીને જ કામ કરે છે. મુકેશ અંબાણીની યોજનાઓને અમલમાં લાવવાનું કામ કરતા મનોજ મોદી ક્યારેય પોતાના કામની ચર્ચા નથી કરતા.

રિલાયન્સને ઈન્ટરનેટ ટેક કંપની બનાવવાનું લક્ષ્યાંક
ઓઈલની કિંમતો ઘટવાના કારણે ઓઈલ માર્કેટમાં હાલ અસ્થિરતાનો સમય ચાલી રહ્યો છે. તેથી મુકેશ અંબાણી રિલાયન્સ ગ્રૂપને પેટ્રોકેમિકલ્સના સ્થાને ઈન્ટરનેટ ટેકનોલોજી કંપની તરીકે સ્થાપિત કરવા માગે છે. આ ઉપરાંત તેઓ જીયો પ્લેટફોર્મ્સ થકી રિટેલ બિઝનેસમાં પણ એન્ટ્રી કરવા માગે છે. જેમાં મનોજ મોદી તેમની તમામ શક્ય મદદ કરી રહ્યાં છે. ફેસબુક ઉપરાંત તમામ મોટી કંપનીઓને રોકાણ માટે લાવવામાં મનોજ મોદીની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી.

માર્ગદર્શકની ભૂમિકા
મનોજ મોદીએ કહ્યું કે, તેઓ પોતે કોઈ ડીલ નથી કરતા. તેઓ કહે છે કે, મને રણનીતિમાં સમાજ પડતી નથી. હકીકતમાં, લોકોને ખબર નથી હોતી કે મારી પાસે મારી પોતાની દ્રષ્ટિ પણ છે.હું મારા આંતરિક લોકો સાથે વ્યવહાર કરું છું, તેમને કોચિંગ આપું છું. હું તેમને સલાહ અને માર્ગદર્શન આપું છું.

આકાશ અંબાણી સાથે મળીને કામ કરે છે
રિલાયન્સ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, મનોજ મોદી આકાશ અંબાણીની સાથે મળી કંપનીઓ સાથે રોકાણ સંબંધિત ડીલ કરવા મુદ્દે કામ કરે છે. ફેસબુક સાથેની ડીલ ફાઈનલ કરવામાં આકાશ અંબાણીએ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે ફેસબુકને પ્રથમ રોકાણકાર તરીકે સામેલ કરવાનો નિર્ણય કર્યો હતો, કારણ કે ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપનું અધિગ્રહણ કર્યા બાદ ફેસબુકની તાકાત ઘણી વધી ગઈ હતી.

આ રીતે કામ કરે છે મનોજ મોદી
મનોજ મોદી પોતાના કામ કરવાની સ્ટાઈલને એકદમ સરળ માને છે. તેમનું માનવું છે કે, જ્યાં સુધી કોઈ તમારા બિઝનેસ સાથે જોડાયને પૈસા કમાવવાની સ્થિતિમાં નથી આવી જતું, બિઝનેસને મજબૂતી મળી શકતી નથી. જ્યારે રિલાયન્સના સૂત્રો અનુસાર, મનોજ મોદી સ્ટ્રેટેજી તૈયાર કરવામાં માહેર છે. રિલાયન્સની કોઈ ડીલમાં મનોજ મોદી સામેલ હોય તો તેનો અર્થ એ છે કે ડીલ ફાઈનલ થઈને જ રહેશે.

You cannot copy content of this page