દીકરી પરના બળત્કારી હેવાનને ફાંસી, મોબાઈલમાં પોર્ન ક્લિપ મળી હતી

સુરતના પાડેસરામાં ડિસેમ્બર-2020માં માત્ર 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી ઈંટોના ઘા મારી પાશવી હત્યા કરનારા આરોપી દિનેશ બૈસાણેને સેશન્સ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. ગત 10 ડિસેમ્બરના રોજ એડિશનલ સેશન્સ જજ એ.એન.અંજારિયાએ આરોપી દિનેશને તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો. જ્યારે આજે આ કેસમાં સજા સંભળાવતાં દોષીને ફાંસીની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં દસ જ દિવસમાં બાળકી પર રેપ વિથ મર્ડર કેસમાં આરોપીને ફાંસીની આ બીજી ઘટના છે. તે કેસમાં માત્ર અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યાના કેસમાં આરોપી ગુડ્ડુ યાદવને સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.

કોર્ટે ગંભીર નોંધ લીધી
સરકારી વકલી નયન સુખડવાલાએ કહ્યું હતું કે, આરોપીના ફોનમાંથી પોર્ન વીડિયો ક્લિપ પણ મળી આવી હતી. બાળકીના શરીર પરથી 49-49 જેટલા ઈજાના નિશાન પણ મળી આવ્યાં હતાં. કોર્ટે એ નોંધ્યું હતું કે, આરોપીએ બેરહેમીપૂર્વક દુષ્કર્મ ગુજારી હત્યા કરી છે. જેથી તેને દેહાંતદંડની સજા ફટકારવામાં આવે. બાળકીના નખ પણ નીકળી ગયાં હતાં. સુરતની કોર્ટે 10 દિવસમાં જ બીજા આરોપીને ફાંસીની સજા ફટકારી છે. જેનાથી દુષ્કર્મીઓમાં એક આકરો સંદેશો જશે અને આવા બનાવો બનતા જરૂર અટકશે અને આરોપીઓમાં ધાક બેસશે.

ગણતરીના જ દિવસોમાં ચાર્જશીટ, સ્પીડી ટ્રાયલ
હાલમાં લાજપોર જેલમાં જેલવાસ ભોગવતા આરોપી દિનેશ બૈસાણે વિરુદ્ધ પોલીસે ગણતરીના દિવસોમાં જ ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યાર બાદ સ્પીડી ટ્રાયલમાં મહત્ત્વના કુલ 45 જેટલા પંચ સાક્ષી, પંચનામાના સાક્ષી, સીસીટીવી ફૂટેજ માટે એફએસએલ, તબીબી સાક્ષીઓ, ભોગ બનનારનાં માતા-પિતા, લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામની તપાસ-ઉલટ તપાસ બાદ કોર્ટે તાબડતોબ ફાંસીની સજા સંભળાવી હતી.

બાળકીને વડાપાંઉની લાલચ આપી રેપ વિથ મર્ડર કર્યું
પાંડેસરા વિસ્તારની 10 વર્ષની બાળકી ગત 7-12-2020ના રોજ પોતાના મોટા કાકાના ઘરની બહાર એકલી રમતી હતી. ત્યારે આરોપી દિનેશ દશરથ બૈસાણેએ તેને વડાપાંઉ ખવડાવવાની લાલચ આપી હતી અને નાસ્તાની લારી પર લઈ ગયો હતો. ત્યારબાદ તેને ઉધના બીઆરસી કમ્પાઉન્ડ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક સામે ઝાડીમાં લઇ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. બાળાએ પ્રતિકાર કરી આરોપીના જમણા હાથની આંગળી પર બચકું ભરી લીધું હતું. આરોપીએ ઉશ્કેરાઇ જઈને બાળકીને માથા પર ઈંટના ઉપરાછાપરી સાત ઘા મારી હત્યા કરી દીધી હતી. બાળકીના વાલીએ આરોપી સામે અપહરણ, દુષ્કર્મ-હત્યા અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતાં પાંડેસરા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસે માત્ર 15 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી
આ કેસની સંવેદનશીલતાને જોતાં પોલીસે તમામ તપાસ આટોપીને માત્ર 15 દિવસમાં દિનેશ બૈસાણે સામે 232 પાનાંની ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યાર બાદ સ્પીડી ટ્રાયલમાં મહત્ત્વના કુલ 45 જેટલા પંચ સાક્ષીઓ, પંચનામાના સાક્ષી, સીસીટીવી ફૂટેજ માટે એફએસએલ, તબીબી સાક્ષીઓ,ભોગ બનનારનાં માતા-પિતા, લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

10 દિવસમાં જ સુરતમાં રેપના વધુ એક આરોપીને ફાંસીની સજા
હજી ગત 7 ડિસેમ્બરે જ સુરતના પાંડેસરાની અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરવાના કેસમાં ગુડ્ડુ યાદવને દોષી ઠેરવી સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. આ કેસમાં પણ પોલીસે આરોપીની ધરપકડ કરી 8 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી, જેમાં 7 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરાઇ હતી. 6 ડિસેમ્બરે આરોપીને આ કેસમાં દોષી ઠેરવાયો હતો, અને 7મીએ કોર્ટે ચુકાદો આપતાં ફાંસીની સજા જાહેર કરી હતી. સાથે જ બાળકીના પરિવારને 20 લાખની સરકારી વળતર ચૂકવવા હુકમ કરવામાં આવ્યો હતો.

45 સાક્ષીની સરતપાસ બાદ આજે સજા સંભળાવાઈ
સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ચાર્જફ્રેમની કાર્યવાહી બાદ કેસ કાર્યવાહીનો પ્રારંભ કરીને 45 સાક્ષીની સરતપાસ તથા બચાવપક્ષે ઊલટતપાસની કાર્યવાહી પૂરી કરી હતી, જેથી કોર્ટે આરોપી દિનેશ બૈસાણેને દોષિત જાહેર કર્યો હતો અને આજે (16 ડિસેમ્બર)ના રોજ ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.

બાળકી સાથે આચરાયેલી હેવાનિયતનો આખો ઘટનાક્રમ
પાંડેસરાના ભેદવાડ-પ્રેમનગરમાં સોમવારે બપોરે ધો.4માં અભ્યાસ કરતી 10 વર્ષની બાળકી ગુમ થઈ હતી, જેથી પરિવારે શોધખોળ હાથ ધરી પોલીસને જાણ કરી હતી. બાળકીને તેની પાડોશમાં જ રહેતો દિનેશ વડાપાંઉ આપવાની લાલચે લઈ ગયો હતો. બાળકીને ભેદવાડ દરગાહ પાસે નાસ્તાની દુકાનમાં વડાપાંઉ અપાવ્યું હતું. ત્યાર બાદ પ્રેમનગર ઝૂંપડપટ્ટીના નાકા પરથી ઓટોરિક્ષામાં બેસાડી ઉધના બીઆરસી નજીક લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં પહોંચ્યો હતો. ઇન્ડસ્ટ્રીઝના પાછળના ભાગે અવાવરૂ જગ્યા, જ્યાં મોટા પ્રમાણ ઘાસ ઊગેલું છે ત્યાં લઇ ગયો હતો.

અત્યંત ક્રૂરતાપૂર્વક માસૂમને મોતને ઘાટ ઉતારી
ઊંચા ઊગેલા ઘાસ તરફ લઈ જતાં વેંત પોતાની સાથે અઘટિત ઘટનાનો અંદેશો આવી જતાં બાળાએ બૂમાબૂમ કરી દીધી હતી, જેથી દિનેશે બાળકીનું મોઢું દબાવી દીધું હતું અને ત્યારે બાળકીએ જમણા હાથ પર બચકું ભર્યું હતું. બાળાએ એટલું જોરથી બચકું ભર્યું હતું કે નરાધમને ત્રણથી ચાર ટાંકા લેવાની ફરજ પડી હતી. બાળકીએ બચકું ભરી પ્રતિકાર કર્યો હતો અને બૂમાબુમ ચાલુ રાખતાં કોઇક આવી જશે એવા ડરથી તેને જમીન પર પટકી દઇ માથામાં ઇંટના ઘા માર્યા બાદ ગળું દબાવ્યું હતું. અત્યંત ક્રૂરતાપૂર્વક માસૂમને મોતને ઘાટ ઉતાર્યા બાદ યુવાને પોતાની હવસ સંતોષવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ માથામાં ઇજા થવાથી લોહીથી લથબથ માસૂમના મૃતદેહ સાથે અધમ કૃત્ય કરતાં કોઇ જોઇ જશે એવા ડરથી ત્યાંથી ભાગીને પરત ઘરે પહોંચી ગયો હતો. દિનેશની કબૂલાતને પગલે પોલીસે અપહરણ-હત્યાની સાથે દુષ્કર્મની કલમનો પણ ઉમેરો કર્યો છે.

You cannot copy content of this page