વિધવા માતાને હરાવવા દીકરાએ પત્નીને સરપંચની ચૂંટણીમાં મેદાનમાં ઉતારી

ગુજરાતમાં આગામી 19મી તારીખે 8 હજારથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ગીર સોમનાથની દેલવાડા ગ્રામ પંચાયતનો ચૂંટણી જંગ રસપ્રદ બની રહેશે. કારણ કે, અહીં સાસુ અને પુત્રવધૂ વચ્ચે જ ટક્કર થવાની છે. દેલવાડા ગ્રામ પંચાયતમાં પોતાની પેનલ વિજેતા થાય તે માટે એક તરફ વિધવા માતા જોર લગાવી રહ્યા છે. તો બીજી તરફ પુત્ર અને પુત્રવધૂ પણ પોતાની પેનલને જીતાડવા માટે દિવસ રાત એક કરી રહ્યા છે. ત્યારે સાસુ અને પુત્રવધૂ વચ્ચેની ટક્કરમાં કોની જીત થશે તે જોવું રસપ્રદ બની રહેશે.

વિધવા સાસુની સામે પુત્રવધૂએ સરપંચ પદ માટે ઉમેદવારી કરી
15 હજારથી વધુ વસતી ધરાવતી દેલવાડા ગ્રામ પંચાયત એ ગીર સોમનાથ જિલ્લાની સૌથી મોટી પૈકીની એક ગ્રામ પંચાયત છે. આગામી ચૂંટણી માટે ગ્રામ પંચાયતમાં મહિલા અનામત છે. જેથી પૂર્વ સરપંચ જીવીબેન બાંભણીયાએ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવેલી છે. તો તેની સામે ગત ટર્મમાં સરપંચ પદે રહેલ તેમના પુત્ર વિજય બાંભણિયાએ તેના પત્ની પૂજાબેનને ઉમેદવાર બનાવ્યા છે. વિઘવા માતાની પેનલ સામે પુત્રએ પત્નીને સરપંચ પદના ઉમેદવાર બનાવી પેનલ બનાવતા દેલવાડાનો ચૂંટણી જંગ ચર્ચાસ્પદ અને રસપ્રદ બન્યો છે.

પુત્ર ગામની અપેક્ષા પૂર્ણ ના કરી શકતા માતા ચૂંટણી મેદાનમાં ઉતર્યા
દેલવાડા ગ્રામ પંચાયતમાં ગત ટર્મમાં જીવીબેન બાંભણિયાનો પુત્ર સરપંચ પદે હતો. ત્યારે ગ્રામજનોમાં ચાલતી ચર્ચા મુજબ વિજય બાંભણિયા લોકોની અપેક્ષા મુજબ કામ કરવામા નિષ્ફળ રહ્યો છે. ગામલોકો જ ઈચ્છી રહ્યા હતા કે, મહિલા અનામત હોવાથી પૂર્વ સરપંચ જીવીબેન ચૂંટણી જંગ લડે. જેથી જીવીબેને સામે કોણ આવે છે તેની ચિંતા કર્યા વગર લોકલાગણીને માન આપી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

પૂર્વ ધારાસભ્યએ માતા જીવીબેન માટે પ્રચાર કર્યો
દેલવા઼ડા ગ્રામ પંચાયતમાં માતાનો પુત્ર અને પુત્રવધૂ સામે જંગ છે ત્યારે ઉનાના પૂર્વ ધારાસભ્ય એવા ભાજપના અગ્રણી કે.સી. રાઠોડ માતાના સમર્થનમાં આવ્યા છે. કે.સી.રાઠોડે જીવીબેનની પેનલની જીત માટે દેલવાડામાં પ્રચારની કમાન સંભાળી હતી.

કોણ કોના પર ભારે પડશે?
​​​​​​​દેલવાડા ગ્રામ પંચાયતના ચૂંટણી જંગમાં એક તરફ માતાની પેનલ છે તો બીજી તરફ પુત્રવધૂની પેનલ છે. ચૂંટણીને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે બંને પેનલો પોતાની જીત માટે પ્રચંડ પ્રચાર કરી રહી છે. ત્યારે 21મી તારીખે આ ગામના ચૂંટણી પરિણામો જાણવા રસપ્રદ બની રહેશે.

You cannot copy content of this page