યુવકે યુવતીના નામે બનાવટી એકાઉન્ટ બનાવી અશ્લીલ ફોટા મુકીને યુવકો સાથે શરૂ કરી વાત, પણ…

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી કેટલાક લોકો અનસોશિયલ કામ કરી રહ્યા છે અને તેનો ભોગ બની રહી છે યુવતીઓ. આવો જ એક અજીબ કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં એક યુવકે યુવતીના નામે નકલી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી બિભત્સ તસવીરો મૂકી દીધી. જો કે યુવતીને ખ્યાલ આવતા તેણે આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

ચોંકાવનારી વાત એ છે કે આરોપી યુવક સાથે ઇન્ટાગ્રામ પર કોઈ વાત કરતું નહોતું. તેથી હતાશ બનેલા યુવકે યુવતીના નામે બનાવટી એકાઉન્ટ બનાવી તેમાં મોર્ફ કરેલા યુવતીના અશ્લીલ ફોટા મુકીને વિકૃત પગલું ભર્યું અને તેના કારણે હવાલાતની હવા ખાવાનો વારો આવ્યો. અમુકવાર એક તરફી પ્રેમમાં પાગલ યુવકો આવું કારસ્તાન કરતા હોય છે. પરંતુ અહીંયા યુવકે આપેલું કારણ તમામ ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ માટે લાલબત્તી સમાન છે. જોકે, કોઈ વ્યક્તિ મજાક-મસ્તી ખાતર પણ આવું કરતા હોય તો તેમને જેલના સળિયા ગણવાનો વારો આવી શકે છે.

આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદ શહેરના ગુલાબ ટાવર રોડ પર રહેતી 22 વર્ષીય યુવતી પોતાના નામે સોશિયલ મીડિયામાં એટલે કે ઇસ્ટાગ્રામ પર એકાઉન્ટ ધરાવે છે. ગત મે મહિનામાં તે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ જોતી હતી. તે સમયે તેના જ ફોટો ધરાવતા એક એકાઉન્ટ પરથી તેને રિકવેસ્ટ આવી હતી. સામની તરફના એકાઉન્ટ ધારકે બિભત્સ ફોટો પણ અપલોડ કર્યા હતા. જેથી યુવતીએ તપાસ કરતા તેના નામનું બનાવટી આઈડી બન્યું હોવાનું ધ્યાન પર આવ્યું હતું. તેને આઈડી ધારકને આ એકાઉન્ટ બંધ કરી દેવા માટે કહ્યું હતું. પરંતુ બનાવટી એકાઉન્ટ બનાવનારે યુવતીને કોઈ જવાબ આપ્યો ન હતો.

ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી પોતાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડનારને સબક શીખવાડવાનું યુવતીએ નક્કી કર્યું. આખરે યુવતીએ આ મામલે અરજી આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં ધ્વનિલ ભાવિનભાઈ પટેલ નામના વ્યક્તિએ નક્લી ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

આરોપી ધ્વનિલની પૂછપરછમાં ખુલાસો થયો કે તે યુવક હોવાથી તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોઈ વાત કરતું ન હતું. યુવતીના નામે એકાઉન્ટ બનાવી લોકો સાથે વાતચીત થઈ શકે તે માટે બનાવ્યું હતું. જેથી લોકો યુવતીઓ સાથે જ વાત કરતા હોવાની ભ્રમણા બાંધી લોકો સાથે વાતો શરૂ કરી હતી. આટલું જ નહીં લોકો વાત કરવા જોડાય તે માટે બિભત્સ તસ્વીરો પણ મુકી હતી. પણ આવી મૂર્ખામી તેને ભારે પડી.