આ સુરતીએ વાજતે-ગાજતે વાછરડાંના નવા ઘરમાં પડાવ્યા પગલાં પછી બેડ પર સુવડાવ્યું

Surat Family small cow entry in new house: હિન્દુ ધર્મમાં ગાયને માતા માનીને પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે, ગાયમાં 33 કોટી દેવતાનો વાસ હોય છે. એટલા માટે જ ગાયની મોટા મોટા પ્રસંગોમાં પૂજા પણ કરવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ ગાય માતાનું ઘણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. સુરતના એક પરિવારે ખરીદેલા પોતાના નવા ઘરમાં ગૃહ પ્રવેશ કરતા પહેલા ગાયના વાછરડાને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. ત્યારબાદ પરિવારના સભ્યોએ ગૃહ પ્રવેશ કર્યો હતો. આ પરિવારે ગાયના વાછરડાના પગલાં ઘરમાં પડાવ્યા અને ત્યારબાદ ઘરમાં રહેલા સોફા અને પલંગ પર ગાયના વાછરડાને સુવડાવ્યું હતું.

સુરતના વરાછા વિસ્તારમાં રહેતા રૂડાણી પરિવારના મોભી રમેશભાઈ રૂડાણી વર્ષોથી ગાયોની સેવા કરે છે. તેઓ સુરતના કરુણા ગૌસેવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ છે અને સુરતમાં આવેલા પાંજરાપોળમાં 365 દિવસ તેઓ સેવા આપે છે. રમેશભાઈને ગાય પ્રત્યે ખૂબ જ લાગણી છે. એટલા માટે જ તેમને 12 વર્ષ સુધી ગાયોની સેવા કરી અને ગુજરાતમાં 25 કરતાં વધારે ગૌશાળા બનાવી છે.

રમેશભાઈ રૂડાણીએ સુરતના મોટા વરાછા વિસ્તારમાં સુદામા ચોક પાસે એક ફ્લેટ લીધો અને ફ્લેટમાં પરિવાર સાથે ગૃહ પ્રવેશ કરતા પહેલા તેમને ગાયના વાછરડાના પગલા પોતાના ઘરમાં પડાવ્યા અને ત્યારબાદ પરિવારના સભ્યોએ ગૃહ પ્રવેશ કરાવ્યો હતો.

રમેશભાઈ રૂડાણી અને તેમના પરિવારે ગાયના વાછરડાના પગલાં ઘરમાં પડાવ્યા અને ત્યારબાદ મંદિરની સામે જ ગાયના વાછરડાની પૂજા કરી અને ત્યારબાદ ભગવાનનું મંદિરમાં સ્થાપન કર્યું હતુ. બાદમાં વાછરડાને ઘરમાં રહેલા સોફા પર અને બેડરૂમમાં રહેલા પલંગ પર સુવડાવ્યું હતું.

રમેશભાઈ રૂડાણીનું કહેવું છે કે, હિન્દુ ધર્મમાં ગાયને માતા કહેવામાં આવે છે ત્યારે આ પ્રકારે પોતાના પારિવારિક પ્રસંગોમાં જો ગાય માતાને સ્થાન આપવામાં આવે તો વર્તમાન સમયમાં લોકો પણ ગાયનું મહત્વ સમજશે.

રમેશભાઈ અમને તેના પર રવિવારે સૌપ્રથમ ઢોલ નગારા સાથે ગૌ માતાના વાછરડાનું પોતાના એપાર્ટમેન્ટ પરિસરમાં સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ સત્સંગ મંડળની મહિલાઓ સાથે ધૂન કીર્તનના તાલે ગૌમાતાના વાછરડાને ફ્લેટ સુધી લઈ જવામાં આવ્યું હતું. ત્યારબાદ વાછરડાને પહેલા તિલક કરી તેના પગલા ઘરમાં પડાવી ગૃહ પ્રવેશ કરવામાં આવ્યો.