Only Gujarat

Gujarat

મારી દીકરીએ ચાલુ વીડિયો કોલમાં જ ગોળી મારી દીઘી હતી: PSI અમિતા જોશીના પિતા

સુરત શહેરના ઉધનાનાં મહિલા પીએસઆઇ અમિતા જોશીએ પોતાની સર્વિસ રિવોલ્વરથી પેટના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી હતી. તેમના આપઘાતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. જોકે આ આપઘાતમાં નવો વળાંક આવ્યો છે.

અમિતા જોશીના પિતાએ દીકરીના સાસરિયાં પર ગંભીર આક્ષેપો કર્યા છે. સાસારિયાંએ દીકરો જોઈતો હોય તો રાજીનામું આપી દે અથવા ગોળી ખાઈને મરી જા કહ્યું હોવાથી અમિતાએ ચાલુ વિડિયો-કોલમાં જ ગોળી મારી આપઘાત કરી લીધો હોવાનો પિતાએ આક્ષેપ કર્યા છે. દરમિયાન સુરતમાં અમિતાને ગાર્ડ ઓફ ઓનર અપાયું હોવા છતાં તેના પિતાએ અંતિમ સંસ્કાર ન કરવા દઈ તેના મૃતદહેને વતન ધારી લઈને રવાના થઈ ગયા હતા.

મહિલા પીએસઆઇ અમિતા જોશીના આપઘાતના બીજા દિવસે અમિતાના પિતા બાબુભાઈ જોશી અને તેના ભાઈ નૈનેશે સાસરિયાં પર ગંભીર આક્ષેપો કર્યા હતા. જે મુજબ છેલ્લા ઘણા સમયથી અમિતાને તેનો પતિ વૈભવ, સાસુ, સસરા અને નણંદ ત્રાસ આપતાં હતાં. તેઓ પોલીસની નોકરીમાંથી રાજીનામું આપી દેવા દબાણ કરતાં હતાં. અઠવાડિયા પહેલાં અમિતાને એકલી મૂકી અને દીકરાને પણ સાથે લઈ જઈ વતન ભાવનગર લગ્નપ્રસંગમાં જતાં રહ્યાં હતાં, જેથી અમિતાને લાગી આવ્યું હતું.

અમિતાના પિતા બાબુભાઈએ જણાવ્યું હતું કે મારે ત્રણ દીકરી છે, જેમાં અમિતા મોટી દીકરી છે. જે ઉધના પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ હતી. અમિતા ખૂબ જ સહનશક્તિવાળી હતી. તેનો પતિ અહીં નોકરી કરતો હતો. અમિતા સાસુ-સસરા સાથે રહેતી હતી. પતિ 6 દિવસની રજા લઈને પરિવાર સાથે અમિતાને ધમકી આપીને જતો રહ્યો હતો. ધમકી આપી હતી કે કાં રાજીનામું આપી દે કા ત્યાં આવી જા. નોકરી નથી કરવી. નહિતર તારો છોકરો મળશે નહીં, એમ કહી છોકરાને લઈને જતા રહ્યા હતા.

અમિતાના પિતાએ વધુમાં આરોપ મૂકતાં કહ્યું હતું કે આ બનાવ જ્યારે બન્યો ત્યારે તેનો પતિ અને તેનો પરિવાર ગારિયાધાર હતા. વિડિયો-કોલમાં વાત કરી ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. સાસુ, સસરા અને નણંદે કહ્યું હતું કે ત્રેવડ હોય તો ગોળી ખાઈને મરી જા. તો અમારે તને જોવી નહીં, જેથી આવેશમાં આવી દીકરાથી અલગ પડવાથી ચાલુ વિડિયો-કોલમાં જ અમિતાએ ગોળી મારી આપઘાત કરી લીધો હતો.

2016માં પીએસઆઇ અમિતા જોશીએ દીકરા જૈનમને જન્મ આપ્યો હતો. હાલ જૈનમ સાડાચાર વર્ષનો છે. અમિતા અને તેના પતિ બંને પોલીસમાં નોકરી કરતા હોવાથી જૈનમના ઉછેરમાં ન્યાય આપી શકતા નહોતા.

શનિવારે બપોરે 12.30 વાગે અમિતાએ સાસુ હર્ષાબેન અને જૈનમ સાથે વિડિયો-કોલથી વાત કરી હતી. એ સમયે અમિતાએ જૈનમને કહ્યું હતું, તારી બહુ યાદ આવે છે. તો જૈનમે કહ્યું હતું કે તમે મારા માટે નોકરી છોડી દો.

 

You cannot copy content of this page