Only Gujarat

Gujarat

કોરોનાની રસી બનાવતી ટીમને લીડ કરી રહ્યાં છે નીતા પટેલ, USના વૈજ્ઞાનિકો પણ માને છે એમની સલાહ

કોરોનાની મહામારી વચ્ચે સૌ કોઈ રસીની રાહ જોઈ રહ્યા છે. તેમને જાણીને નવાઇ લાગશે કે મૂળ સોજીત્રાના ડૉ.નીતા પટેલ અમેરિકામાં ‘નોવાવેક્સ’ કંપનીના ડિરેક્ટર છે અને કોરોનાની રસી બનાવતી ટીમને લીડ કરી રહ્યા છે. નીતા પટેલે એક ભારતમાં અને બીજી અમેરિકામાં એમ બે માસ્ટર્સ ડિગ્રી હાંસલ કરી છે. આ કંપનીની ટ્રાયલ વૅક્સીનના ત્રીજા તબક્કાનાં ટ્રાયલ બ્રિટન અને સાઉથ આફ્રિકામાં ચાલી રહ્યા છે. જો આ રસીને સફળતા મળશે તો તેનો જશ ડૉ.નીતા પટેલ જશે. જે ગુજરાત અને ભારત માટે ગૌરવપૂર્ણ ઘટના ગણાશે.

સામાન્ય રીતે ગુજરાતીઓની ઓળખ વેપાર-ધંધાના લોકો તરીકે થાય છે. પણ અમેરિકામાં વસતા એક ગુજરાતી મહિલાએ આ ઓળખને બદલી છે. ગુજરાતીઓ તબીબી વિજ્ઞાનમાં પણ ડંકો વગાડી શકે છે તે તેમણે પુરવાર કરી બતાવ્યું છે. આ ગરવી ગુજરાતણનું નામ છે ડૉ. નીતા પટેલ. મૂળ સોજીત્રાના વતની નીતાબેન કોરોનાવાઇરસની વૅક્સીન બનાવી રહેલી અમેરિકાની ‘નોવાવેક્સ’ નામની ફાર્મા કંપનીમાં વૅક્સીન ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં સિનિયર ડિરેક્ટર છે. આ કંપનીની ટ્રાયલ વૅક્સીન ત્રીજા તબક્કાનાં ટ્રાયલમાં છે અને તેનું પરિક્ષણ બ્રિટન અને સાઉથ આફ્રિકામાં ચાલી રહ્યું છે. આ વૅક્સીનને તૈયાર કરવાના પાયામાં રહેલાં 56 વર્ષીય ડૉ. નીતા પટેલ વિશે તેમના ઉપરી અધિકારી એક જ વાક્ય કહે છે, ‘શી ઇઝ રીયલી જીનિયસ.’

આણંદ જિલ્લાના સોજિત્રા ગામે જન્મેલાં નીતાબેન ચાર વર્ષનાં હતાં ત્યારે તેમના પિતા ટીબીના રોગનો ભોગ બન્યા. એક તબક્કે મોતના મુખમાં પહોંચી ગયેલા પિતાને જીવલેણ રોગથી પીડાતા જોયા હતા. પરિણામ એ આવ્યું કે એમના પિતા ક્યારેય ફરીવાર કામ શરૂ કરી શક્યા નહીં, અને તેના કારણે પરિવાર પાયમાલ બની ગયો. નાનપણમાં દર્દ જોઈ ચુકેલા નીતાબેને તે પિતાને વચન આપ્યું કે તેઓ મોટા થઇને ડૉક્ટર બનશે અને કોઈપણ ભોગે ટીબીની દવા શોધશે. ભણવામાં તેજસ્વી એટલે એક પછી એક ધોરણની સીડીઓ પણ ફટાફટ ચડાતા ગયા. સરકારી શિષ્યવૃત્તિઓના સહારે આગળ જતાં એમણે બે વખત માસ્ટર્સ ડિગ્રી હાંસલ કરી, એક ભારતમાં અને બીજી અમેરિકામાં. તે પણ એપ્લાઇડ માઇક્રોબાયોલોજી અને બાયોટેક્નોલોજીમાં.

બાદમાં અમેરિકામાં વસતા બાયોકેમિસ્ટ સાથે લગ્ન કરીને ત્યાંના મૅરિલેન્ડ રાજ્યના ગેઇધર્સબર્ગ ખાતે સ્થાયી થયાં. પિતાને આપેલું વચન પૂર્ણ કરવા તેમણે ટીબી પર રિસર્ચ કરતી કંપનીમાં કામ મળ્યું. ડૉ. નીતા પટેલ જેના પર કામ કરતાં હતાં તેવી લાઇમ ડિસીઝની એક વૅક્સીન તેના પહેલા ક્લિનિકલ ટ્રાયલના સ્ટેજમાં જ નિષ્ફળ ગઈ હતી. વર્ષ 2015ના અરસામાં નોવાવેક્સ નામની પ્રમાણમાં નાની ફાર્માસ્યુટિકલ કંપની પણ આ જ રોગની દવા પર કામ કરી રહી હતી. નીતાબહેન પોતાના અનુભવના આધારે આ નોનાવેક્સ કંપનીમાં જોડાઇ ગયા.

દુનિયા કોરોનાને ઓળખી રહી હતી, ત્યારે ડૉ. નીતાએ તેની જન્મ કુંડળી મેળવી લીધી! ગયા નવેમ્બર-2019થી કોરોનાએ ચીન અને ત્યારબાદ ફેબ્રુઆરી મહિનામાં ભારત સહિત વિશ્વના ભલભલા દેશોને હચમચાવી મુક્યા હતા. તે સમયે ડૉ. નીતા પટેલે કોરોના વાયરસનું તેનું મારણ શોધવાની દિશામાં નક્કર પ્રયાણ કરી લીધું. તમામ મહિલા વૈજ્ઞાનિકોની બનેલી ડૉ. નીતા પટેલની ટીમે પ્રયોગશાળામાં એવા 20 જેટલા પ્રોટીનનાં વર્ઝનનું ટેસ્ટિંગ કરી દીધું. જે શરીરને કોરોનાની સામેના પ્રતિકારક એન્ટિબોડીઝ તૈયાર કરવામાં મદદ કરતા હતા. હવે તેઓ એવો ટેસ્ટ તૈયાર કરવા પર કામગીરી કરી રહ્યા છે, જે વૅક્સીન બનાવતા તમામ પ્લાન્ટમાં મટિરિયલની એકસરખી ચોકસાઈ પારખી આપે.

આ મહામારી ફેલાયા પછી લેબોરેટરી જ ડૉ. નીતા પટેલનું બીજું ઘર બની ગયું છે. ભારેખમ પ્રેશર અને લગભગ આખો દિવસ ચાલતું કામ પણ તેમના પર અમુકથી વધારે સ્ટ્રેસ લાવી શકતું નથી. તેનું એક કારણ એ છે કે ગમે તેવા વ્યસ્ત શિડ્યુલમાં પણ તેઓ પોતાના ઘરમાં બનાવેલા મંદિરમાં પૂજા અને ધ્યાન કરવાનું ચૂકતાં નથી. પ્લસ એમનો એકમાત્ર જીવનમંત્ર છે, ‘નથિંગ ઇઝ ઇમ્પોસિબલ’, કશું જ અશક્ય નથી.

 

You cannot copy content of this page