આ બુકી દુબઈથી ક્રિકેટ સટ્ટાનો ચલાવતો હતો કાળો કારોબાર પણ…..

પ્રશાંત દયાળ, અમદાવાદ: જયપુરની રાજસ્થાન પોલીસને મંગળવારે જાણકારી મળી કે કિશન પોલ બજારમાં બહુ મોટી રોકડ રકમ આવી રહી છે. જેના આધારે જયપુર પોલીસે પાડેલા દરોડામાં 4.19 કરોડ રૂપિયા રોકડ, બે ચલણી નોટો ગણવાના મશીન અને 9 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જયપુર પોલીસની તપાસમાં આ ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક હોવાની હકીકત બહાર આવી છે. જેનો મુખ્ય સૂત્રધાર રાકેશ રાજકોટ કે જે દુબઈથી સમગ્ર નેટવર્ક ચલાવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. (આ તસવીરો ઈન્ટરનેટ પરથી લેવામાં આવેલી છે.)

જયપુર પોલીસે પાડેલા દરોડા બાદ બુકીઓ પોલીસની નજરથી બચવા માટે ઓનલાઈન સાઈટથી ક્રિકેટનો સટ્ટો લખતા હતા. પોલીસથી બચવા 30 અલગ અલગ મંદિરોના નામે વ્હોટસએપ ગ્રુપ્સ બનાવવામાં આવ્યા હતા. જેની ઉપર આઈડી અને પાસવર્ડની આપલે થતી હતી. જીતનાર વ્યક્તિઓને તેમના સરનામે જીતેલી રકમ પહોંચાડી દેવાતી હતી.

આરોપીઓની મોડસ ઓપરેન્ડી પ્રમાણે આરોપી રણધીર જે ડાયમન્ડ એક્સચેન્જનો એડમીન હતો તે દુબઈમાં રહેલા રાકેશ રાજકોટ પાસેથી આઈડી પાસવર્ડ મેળવી આગળ વોટ્સએપમાં સટ્ટોડિયાઓને મોકલી આપતો હતો. જોકે પોલીસને શંકા ન જાય તે માટે તમામ સંદેશાઓ સાંકેતિક ભાષામાં હતા. જેમ કે એક કિલોનો અર્થ હતો એક લાખ રૂપિયા… ચીકનનો અર્થ હતો એક કરોડ રૂપિયા… આમ હારજીત અને તમામ વ્યવહાર સાંકેતિક ભાષામાં થતાં હતા.

ડાયમંડ એક્સચેન્જના નામે થતાં કારોબાર માટે રાકેશે આરતી એન્ટરપ્રાઈઝ નામની એક ફર્મ રજિસ્ટર કરાવી હતી. જેની શાખાઓ જયપુર, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, કચ્છ, જુનાગઢ અને મુંબઈ સહિત 321 જગ્યાએ હતી.

આરોપી રણધીરસિંહ ફાઈન એક્સચેન્જના નામે પોતાનો એક અલગ કારોબાર પણ ચલાવતો હતો. અન્ય આરોપી કૃપાલસિંહ પાસેથી મળેલી ચિઠ્ઠીમાં દસ કરોડ રૂપિયાનો હિસાબ મળી આવ્યો છે. પોલીસનું અનુમાન છે કે, છ કરોડ રૂપિયા તેમણે સટ્ટો જીતનારને મોકલી આપ્યા હતા. આ ચાર કરોડની રકમ બંને આરોપીઓના ભાગે આવેલી રકમ હતી.

રાજસ્થાન પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે. સંભાવના છે કે ગુજરાતના અન્ય બુકીઓ અને સટ્ટોડિયાઓના નામ પણ આ તપાસ દરમિયાન ખુલે.