Only Gujarat

Bollywood FEATURED

ગળેફાંસો ખાધા પહેલાં એક્ટ્રેસને પતિએ માર્યો હતો ધક્કો, કર્યું હતું ખરાબ વર્તન

ચેન્નઈઃ તમિળ ટીવી એક્ટ્રેસ તથા વીજે ચિત્રા આત્મહત્યા કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. ચિત્રાએ 10 ડિસેમ્બરના રોજ ચેન્નઈની ફાઈવ સ્ટાર હોટલમાં આત્મહત્યા કરી હતી. તે માત્ર 28 વર્ષની હતી. હવે તમિળનાડુ પોલીસે એક્ટ્રેસના પતિની આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવા બદલ ધરપકડ કરી છે.

પતિએ જ એક્ટ્રેસના મોતના સમાચાર પોલીસને આપ્યા હતા. ચિત્રાની માતાએ જમાઈ હેમંત રવિ પર આક્ષેપ મુક્યો છે કે તેણે જ તેની દીકરીની મારી મારીને હત્યા કરી છે. હેમંત વિરુદ્ધ કલમ 306 હેઠળ કેસ કરવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે હેમંત પત્ની ચિત્રાએ સિરિયલમાં આપેલા ઈન્ટિમેટ સીન્સથી નારાજ હતો.


આટલું જ નહીં ચિત્રાનું મોત થયું તે દિવસે હેમંતે પત્નીને માર માર્યો હતો અને ખરાબ વર્તન કર્યું હતું. પોલીસે કહ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે, ચિત્રાએ આત્મહત્યા કરી હતી. જોકે, હેમંત કેટલાંક સીનને કારણે ચિત્રાથી નારાજ હતો. પોલીસે કલાકોની પૂછપરછ કર્યા બાદ હેમંતની ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છે કે 10 ડિસેમ્બરની રાત્રે અઢી વાગે ચિત્રા શૂટિંગ પૂરું કરીને ફાઈવ સ્ટાર હોટલ આવી હતી. અહીંયા તે પતિ હેમંત સાથે રહેતી હતી.હેમંતે પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે હોટલમાં આવ્યા બાદ ચિત્રાએ નહાવા જવાનું કહ્યું હતું. ત્યારબાદ તે રૂમમાંથી નીકળી ગયો હતો. લાંબો સમય રાહ જોયા બાદ પણ ચિત્રા ના આવતા તેણે દરવાજો ખખડાવ્યો હતો પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો. ત્યારબાદ તેણે હોટલના સ્ટાફને બોલાવ્યો હતો. ડુપ્લીકેટ ચાવીથી દરવાજો ખોલવામાં આવ્યો તો ચિત્રા પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. ચિત્રાએ પોતાની સાડીથી ગળેફાંસો ખાધો હતો.


હેમંત તથા ચિત્રાએ ઓગસ્ટમાં સગાઈ કરી હતી અને પછી ઓક્ટોબરમાં કોર્ટ વેડિંગ કર્યા હતા. લગ્નના માત્ર બે મહિના બાદ જ ચિત્રાએ આત્મહત્યા કરતા શંકાની સોય તેના પતિ તરફ હતી.

પ્રેઝન્ટર તરીકે કરિયરની શરૂઆત કરનાર ચિત્રા ‘પાંડિયન સ્ટોર’માં મુલઈનું પાત્ર ભજવતી હતી. આ સીરિયલથી ચિત્રા ઘેર-ઘેર લોકપ્રિય થઈ હતી.

You cannot copy content of this page