Only Gujarat

Bollywood FEATURED

કોરોનામાંથી સાજા થયા બાદ આ જાણીતી એક્ટ્રેસને માર્યો લકવો, જમણું અંગ કામ કરતું થયું બંધ

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ શિખા મલ્હોત્રાના ચાહકો માટે બહુ જ ખરાબ સમાચાર છે. શિખા ફરી એકવાર હોસ્પિટલમાં એડમિટ છે. શિખાના શરીરનો જમણો હિસ્સો બિલકુલ કામ કરતો નથી. તેને લકવાની અસર છે. 

શિખાની મેનેજર અશ્વિની શુક્લે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘શિખા મલ્હોત્રા આજે ફરી એકવાર હોસ્પિટલમાં છે. કોવિડ 19 સામેનો જંગ જીત્યાના મહિના બાદ 10 ડિસેમ્બરની મોડી રાત્રે પેરાલાઈસિસનો સ્ટ્રોક આવ્યો અને તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી. વાત કરી શકે તેવી હાલતમાં નથી. તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના.’

વધુમાં અશ્વિનીએ કહ્યું હતું, ‘10 ડિસેમ્બરની રાત્રે શિખાને પોતાના ઘરમાં જ લકવો માર્યો હતો. સૌ પહેલાં તેને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જોકે, અહીંયા સારવાર મોંઘી હોવાથી તેને વિલે પાર્લે સ્થિત કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવી. અત્યારે તેની તબિયત સુધારા પર છે પરંતુ તે ચાલી કે બોલી શકતી નથી.’

શિખા મલ્હોત્રા એક્ટ્રેસ હોવાને નાતે એક સર્ટિફાઈડ નર્સ પણ છે. કોરોના દરમિયાન શિખાએ મુંબઈની જોગેશ્વરી સ્થિત ‘હિંદુ હૃદય સમ્રાટ ટ્રોમા સેન્ટર’માં છ મહિના સુધી કોરોના પેશન્ટની સારવાર કરી હતી. આ માટે શિખાના ઘણાં જ વખાણ કરવામાં આવ્યા હતા. 

કોરોના પેશન્ટની સારવાર દરમિયાન શિખાને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. બે ઓક્ટોબરના રોજ શિખાને કોરોના થયો હોવાની જાણ થઈ હતી. તે હોસ્પિટલમાં એડમિટ હતી. 20 દિવસ પછી એટલે કે 22 ઓક્ટોબરના રોજ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ શિખાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 

શિખાએ બોલિવૂડ કરિયરની શરૂઆત 2007માં કરી હતી. તેણે પહેલી જ વાર ફિલ્મ ‘ધ વર્લ્ડ અનસીન’માં કામ કર્યું હતું. ત્યારબાદ શાહરુખ ખાનની ફિલ્મ ‘ફેન’, તાપસી પન્નુની ફિલ્મ ‘રનિંગ શાદી ડોટ કોમ’માં પણ જોવા મળી હતી. આ વર્ષે શિખાની ફિલ્મ ‘કાંચલી’ રિલીઝ થઈ હતી.

You cannot copy content of this page