Only Gujarat

Gujarat

બિઝનેસમેનના પુત્રના લગ્નમાં પૈસાની રેલમછેલ, આવો હતો જાજરમાન વૈભવ

નેતાઓ જ નહીં, હવે તો ઉદ્યોગપતિઓને પણ સરકારનો ડર રહ્યો નથી. આવો જ બનાવ જોવા મળ્યો જામનગરના ખંભાળિયામાં. જ્યાં એક ઉદ્યોગપતિના દીકરાના લગ્નના રિસેપ્શનમાં ગીતા રબારીના ડાયરામાં હજારો લોકોના ટોળા ઉમટ્યા. ખુદ સાંસદ પુનમ માડમ માસ્ક વગર જોવા મળ્યાં. રિસેપ્શનમાં ગીતા રબારી પર પૈસાનો વરસાદ થયો. તે સમયે હાજર રહેલા મોટી સંખ્યામાં લોકોએ માસ્ક પહેર્યુ નહોતું અને સોશિયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. પોલીસ અને પ્રશાસન નજર સમક્ષ આવા કાર્યક્રમો થઈ રહ્યાં હોવા છતાં તેઓ મૂક પ્રેકક્ષ બનીને તમાશો જોઈ રહ્યા છે.


આ અંગેની વિગત એવી છે કે, રાજ્યમાં એક તરફ કોરોના પગ પસારી રહ્યો છે. તો બીજી તરફ રાજ્યમાં લગ્ન સીઝનમાં કોરોનાની ગાઈડલાઇનના લીરેલીરા ઉડી રહ્યા છે. બુધવારે એવો જ એક બનાવ બન્યો જામનગરમાં.

ખંભાળિયાના નવી મોવાણ ગામે ઉદ્યોગપતિ ભીખુ ગોજિયાના દીકરાના લગ્ન સમારોહનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ગાયક કલાકાર ગીતાબેન રબારીના ગીતોમાં દ્વારકાના ખંભાળિયાના મોવાણ ગામે લોકો કોરોનાની ગાઇડલાઈન્સ ભૂલ્યા હતા. કલાકાર ગીતા રબારી અને સાંસદ પૂનમ માડમ સહિતના અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા.

ઉદ્યોગપતિના પુત્રના લગ્ન રિસેપ્શનમાં સોશિયલ ડિસ્ટન્સનો તો સત્યાનાશ વળી ગયો હતો. સામાજિક અંતર અને કોવિડની ગાઈડલાઈન્સ અંગે જાગૃતિ ફેલાવવા કલાકાર ગીતાબેન રબારીના જ કાર્યક્રમમાં જ સામાજિક અંતર સહિત અનેક નિયમોના ધજાગરા ઉડ્યા હતા. ખુદ મુખ્ય મંત્રી રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ તેમના પક્ષના નેતાઓને કોવિડના નિયમોનું પાલન કરવા અપીલ કરે છે. પરંતુ ખુદ ભાજપના જ સાંસદ પૂનમ માડસ માસ્ક વિના ફરતા જોવા મળ્યા. આવા નેતાઓ અને બેજવાબદાર લોકો જ કોરોનાના સંક્રમણને ફેલાવવા જવાબદાર છે.

જો કે નવાઇની વાત એ છે કે રિસેપ્શનમાં કેટલાક પોલીસ અધિકારીઓ પણ હાજર હતા. તેમની નજરની સામે આ તમાશો થયો. તેમ છતાં પોલીસે આ ઉદ્યોગપતિ કે સાંસદ સામે ફરિયાદ કરવાની હિંમત ન કરી.

માસ્ક મામલે નારાજ હાઈકોર્ટે નિયમોનો ભંગ કરનારાઓને કોરોના સેન્ટરમાં કોમ્યુનિટી સારવાર માટે મુકવા સરકારને નિયમ બનાવવા કહ્યું છે. આમ છતાં આપણા નેતાઓમાં કોઈ જાતની ગંભીરતા નથી. દરરોજ દિવસ ઉગે અને નેતાઓ માસ્ક વિના કે ભીડ કરતા જોવા મળે છે. તો બીજી બાજુ સામાન્ય જનતાને આકરા દંડ ફટકારવામાં આવી રહ્યાં છે.

ભીખુ ગોજિયા જેવા ઉદ્યોગપતિ પોતાના દીકરાના ધામધૂમથી લગ્ન કરી રહ્યાં છે અને જવાબદાર પ્રશાસન મૂક પ્રેક્ષક બની તમાશો જોઈ રહ્યું છે. શું ઉદ્યોગપતિના પરિવારને કોરોનાના નિયમો લાગુ પડતો નથી તેવા અનેક સવાલો લોકોમાં ઉઠ્યા છે.

 

You cannot copy content of this page