વેવાઈ-વેવાણ બાદ જેઠ-દેરાણીનો કિસ્સો, મોટોભાઈ નાનાભાઈની પત્ની પર મોહી પડ્યો

સુરતઃ બહુચર્ચિત વેવાઈ અને વેવાણના પ્રેમ પ્રકરણ બાદ સુરતમાં સંબંધોને લજવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં મોટા ભાઈ પોતાની પત્ની અને બાળકોનો છોડીને નાના ભાઈની પત્ની સાથે ભાગી ગયો. પોતાની પત્ની અને બાળકોને ભગવાન ભરોસે મુકીને અને નાના ભાઈનો સંસાર ઉજાડીને મોટા ભાઈ પોતાના જ ઘરની વહુ સાથે ભાગી જતા ચકચાર જાગી છે.

આવી રીતે શરૂ થઈ પ્રેમ કહાનીઃ સમાજ કે પરિવારનો વિચાર કર્યા વિના પ્રેમમાં આવું પગલું લેનાર મોટા ભાઈ અને તેના નાના ભાઈની પત્નીની પ્રેમ કહાની કાંઈક આવી છે. બંને ભાઈઓ આમ તો અલગ-અલગ રહેતા હતા. પરંતુ મોટા ભાઈની નાના ભાઈના ઘરે અવર-જવર રહેતી હતી. શરૂઆતમાં તો કોઈને શંકા ન થઈ પરંતુ, જ્યારે આ અવર-જવર વધી ગઈ ત્યારે જેઠાણીને એટલે કે મોટા ભાઈની પત્નીને શંકા ગઈ. જેથી તપાસ કરાવતા ખબર પડી કે તેના પતિને નાના ભાઈની પત્ની સાથે પ્રેમ સંબંધ છે.

વહુની પાછળ જેઠ પણ ગયો વતનઃ મોટા ભાઈની પત્નીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે સંબંધોનો બચાવવાનો પ્રયાસ કર્યો. પરિવાજનોની મધ્યસ્થીથી સંબંધોને પાટા પર લાવવાનો પ્રયાસ પણ જેઠાણીએ કર્યો. પરંતુ જેઠને તો પ્રેમ થઈ ગયો હતો. તેણે પોતાના પ્રેમમાં આડખીલીરૂપ લાગતી પત્નીની હત્યાની કોશિષ પણ કરી હતી. લૉકડાઉન દરમિયાન નાનો ભાઈ અને તેની પત્ની વતન જતા રહ્યા હતા. તો તેની પાછળ પ્રેમમાં આંધળા થયેલા જેઠ પણ વતન જતા રહ્યા અને આખરે 16 જૂને મોટા ભાઈ અને નાના ભાઈની પત્ની ભાગી ગયા.

ભાગીને કર્યો મૈત્રી કરારઃ નાના ભાઈની પત્નીને લઈને ભાગી ગયા બાદ મોટા ભાઈએ તેની સાથે મૈત્રી કરાર કરી લીધો. પત્ની અને બાળકોને નોંધારા મુકીને ભાગી ગયેલા જેઠ અને વહુને શોધવાના પરિવારજનોએ ઘણા પ્રયાસ કર્યા. પરંતુ ત્યાર બાદ સામે આવ્યું કે બંનેએ મૈત્રી કરાર કરી લીધા છે. અને હવે તેઓ સાથે રહેવા માંગે છે.

પત્નીને જેઠ મારતો હતો મારઃ પતિ અને દેરાણી ભાગી જતા પીડિત જેઠાણીએ સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં પીડિતાએ ચોંકાવનારા આક્ષેપો કર્યો. મોટા ભાઈ તેની પત્નીને વારંવાર મારતા હતા. સાથે જ જુગાર પણ રમતા અને રમાડતા હતા. ચોરી છુપે દારૂ વેચવાનું પણ કામ કરતા હોવાનો પણ પત્નીએ આક્ષેપ કર્યો છે. પરિણીતા એક દિવસ કામથી ઓલપાડ ગઈ ત્યારે તેણ પતિ અને દેરાણીને સાથે જોયા હતા અને પોલીસે જાણ કરી હતી. ત્યારે પરિણીતાને પતિએ માર માર્યો હતો અને છૂટાછેડા માટે દબાણ કર્યું હતું.

વેવાઈ-વેવાણ બાદ બીજો કિસ્સોઃ સુરતમાં 2020માં સંબંધોને લાંછન લગાવતી આ બીજી ઘટના સામે આવી છે. સુરતના વેવાઈ અને નવસારીના વેવાણ ભાગી ગયા હતા. બંને વિવાદો વચ્ચે પરત પણ આવી ગયા હતા. જો કે પરિવારજનોએ ન સ્વીકારતા તેઓ ફરી ભાગી ગયા હતા. અને હવે મોટા ભાઈ જ નાના ભાઈની પત્નીને લઈને ભાગી ગયા છે. જેનાથી બે પરિવાર વિખેરાઈ ગયા છે.