Only Gujarat

Bollywood TOP STORIES

નાનકડાં લાડલા ભાઈની અંતિમ યાત્રામાં 73 વર્ષના રણધીર કપૂરની દયનીય હાલત

મુંબઈઃ 30 એપ્રિલની સવાર સામાન્ય સવાર નહોતી. હજી તો ઈરફાન ખાનના આઘાતની કળ વળી પણ નહોતી. જોકે, ખ્યાલ નહોતો કે ભગવાન એક મોટો વજ્રઘાત આપવાની છે. અચાનક જ ન્યૂઝ આવ્યા કે રીશિ કપૂરની તબયિત ખરાબ હોવાથી હોસ્પિટલમાં દાખલ છે. સદાબહાર રોમેન્ટિક હીરોના અનેક ચાહકો પોતાના ફેવરિટ એક્ટરને કંઈ ના થાય તે માટે પ્રાર્થના કરવા લાગ્યાં. જોકે, ભગવાનને કંઈક અલગ જ મંજૂર હતું અને 30 એપ્રિલના રોજ સવારે 8.45એ રીશિ કપૂરે મુંબઈની એચ એન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. કપૂર પરિવારને જ્યારે રીશિના નિધનના ન્યૂઝ મળ્યાં ત્યારે તેમની પર આભ ફાટી પડ્યું હતું. 73 વર્ષીય રણધીર કપૂરે નાના ભાઈના અંતિમ સંસ્કાર ના થયા ત્યાં સુધી ઉદાસ ચહેરે બેસી રહ્યાં હતાં.

સ્મશાનમાં માત્ર 25 લોકો
લૉકડાઉનને કારણે સ્મશાનમાં માત્ર 25 લોકો જ હાજર રહ્યાં હતાં. પોતાના લાડલા ચિંટુ એટલે કે રીશિ કપૂરને આખરી વિદાય આપવા ભાઈ રણધીર કપૂર 73 વર્ષની ઉંમરમાં લાકડીના સહારે આવ્યા હતાં. રીશિ કપૂરના ઈલેક્ટ્રિક શબગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. જ્યારે રીશિ કપૂરના પાર્થિવ દેહને ઈલેક્ટ્રિક શબગૃહની અંદર મૂકવા આવ્યો ત્યારે મોટાભાઈ રણધીર લાકડીના સહારે દોડવા લાગ્યા હતાં અને જાણે કે ભાઈને પાછો બોલાવવા માગતા હોય તેમ તેમની ચાલ પરથી લાગતું હતું.

ચાર મહિનામાં કપૂર પરિવારમાં બીજું મોત
આ વર્ષે 14 જાન્યુઆરીએ રાજ કપૂરની મોટી દીકરી રીતુ નંદાનું નિધન થયું હતું. રાજ કપૂર પરિવારમાં નવા વર્ષના ગણતરીના દિવસોમાં આ પહેલું મોત થયું હતું. રીતુ નંદાને કેન્સર હતું અને તેઓ છેલ્લાં છ-સાત વર્ષથી ન્યૂ યોર્કમાં કેન્સરની સારવાર કરાવતા હતાં. ઉલ્લેખનીય છે કે રાજ કપૂરના પિતા પૃથ્વીરાજ કપૂરને કેન્સર હતું.

બહેનની બેસણામાં આવ્યા હતાં રીશિ કપૂર
રીતુ નંદાનું નિધન દિલ્હીમાં થયું હતું. તેમના અંતિમ સંસ્કારમાં કપૂર પરિવાર હાજર રહ્યો હતો. દિલ્હીમાં જ રીતુ નંદાની પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. આ સમયે રીશિ કપૂરે ખાસ હાજરી આપી હતી. નવી દિલ્હીમાં પ્રદૂષણ તથા દુષિત હવા હોવા છતાંય રીશિ કપૂર ખાસ બહેનની શોકસભામાં આવ્યા હતાં.

15 દિવસ દિલ્હીમાં શૂટિંગ કર્યું હતું
રીશિ કપૂરે અહીંયા 15 દિવસ સુધી ફિલ્મ ‘શર્માજી નમકીન’નું શૂટિંગ કર્યું હતું. જોકે, આ વાત જ તેમના માટે ઘાતક સાબિત થઈ હતી. માનવામાં આવે છે કે રીશિ કપૂર ફિલ્મમાં કામ કરવાને લઈ ઘણાં જ ઉતાવળા હતાં. તેમના મિત્રોએ તેમને સમજાવ્યા પણ હતાં કે તેઓ મુંબઈ બહાર કોઈ જગ્યાએ શૂટિંગ ના કરે પરંતુ રીશિ કપૂર માન્યા નહીં. દિલ્હીના પ્રદૂષણમાં રીશિની તબિયત ખરાબ થઈ ગઈ હતી. અહીંયા તેમણે 15 દિવસ શૂટિંગ કર્યું હતું.

કેન્સરે ફરી ઊથલો માર્યો
રીશિ કપૂર ગયા વર્ષે કેન્સર ફ્રી થઈ ગયા હતાં. જોકે, તેમને કહેવામાં આવ્યું હતું કે તેમણે તેમની તબિયતનું ધ્યાન રાખવું જરૂરી છે. જોકે, રીશિ કપૂર ફિલ્મ પાછળ એટલા ક્રેઝી હતાં કે આ વાત તેમણે વિસારી દીધી હતી. દિલ્હીમાં કેન્સરે બીજીવાર ઊથલો માર્યો અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. અહીંયા તેમને ચારથી પાંચ દિવસ રાખવામાં આવ્યા હતાં.

બીમારીનો સ્વીકાર ના કર્યો
પહેલી વખત કેન્સર થયું ત્યારે પણ રીશિ કપૂરને આ બીમારીનો સ્વીકાર કરતાં ચારથી પાંચ મહિના જેટલો સમય લાગ્યો હતો. બીજીવાર કેન્સરે ઊથલો માર્યો ત્યારે તેઓ આ વાત સ્વીકાર જ શક્યા નહોતાં. કદાચ આ વાત પણ તેમના પર ઘણી જ માઠી અસર કરી હતી. દિલ્હીથી ડિસ્ચાર્જ બાદ રીશિ કપૂર મુંબઈ પોતાના ઘરે આવી ગયા હતાં. અહીંયા માંડ એક કે બે દિવસ થયા અને તેમને ફરી તાવ આવવા લાગ્યો હતો.

ફેબ્રુઆરીમાં દાખલ કરવામાં આવ્યા
ફેબ્રુઆરી મહિનામાં રીશિ કપૂરને ફરીવાર એડમિટ કરવામાં આવ્યા હતાં. જોકે, અહીંયા તો તેમને એક-બે દિવસમાં જ ડિસ્ચાર્જ આપી દેવાયો હતો. ત્યારબાદથી તેઓ ઘરે જ હતાં અને માર્ચમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું.

છેલ્લાં 21-21 દિવસથી હોસ્પિટલમાં એડમિટ
કહેવાય છે કે લૉકડાઉન થયા બાદ તરત જ રીશિ કપૂરની તબિયત ખરાબ થઈ હતી. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને તેઓ છેલ્લાં 21 દિવસ આઈસીયુમાં રહ્યાં હતાં. પત્ની નીતુએ મક્કમતાથી પતિનો સાથ આપ્યો હતો. લૉકડાઉન હોવાને કારણે માત્ર પત્ની નીતુને જ હોસ્પિટલમાં આવવાની તથા તેમને મળવાની પરવાનગી હતી.

એક પછી એક અંગોએ કામ કરવાનું બંધ કર્યું
રીશિ કપૂરની હાલત ઘણી જ ગંભીર થઈ ગઈ હતી. તેમની કિડનીએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેમને લોહી પણ ચઢાવવામાં આવ્યું હતું. જોકે, 29 એપ્રિલના રોજ એક પછી એક અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. રાત્રે ત્રણ વાગ્યા બાદ રીશિ કપૂરના શરીરે વેન્ટિલેટર પર રિસ્પોન્ડ આપવાનું બંધ કરી દીધું હતું. સવારે 8.45એ તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page