Only Gujarat

Gujarat

ખ્યાતનામ ઉદ્યોગપતિ નાનજી મહેતાએ છ દાયકા પહેલાં પોતાના ખર્ચે રોપ-વે બનાવી આપવાની કરી હતી ઓફર

આઠમી નવરાત્રિએ ગિરનાર પર્વત પર જવા માટે ગિરનાર રોપવે દેશના વડાપ્રધાનના હસ્તે ખુલ્લો મુકાયો છે. આ સાથે જૂનાગઢવાસીઓનું સાડા ચાર દાયકા જૂનું સ્વપ્ન સાકાર થઇ ચૂક્યું છે. ગિરનાર રોપ-વે શુભારંભ સાથે પ્રથમ દિવસે 2000 યાત્રિકોએ સફર માણી. પણ હાલ આ રોપ-વે તેના ભાડાને લઈને ચર્ચામાં છે. પાવાગઢ રોપવે કરતાં ગિરનાર રોપવેની લંબાઈ 3 ગણી છે, પણ ટિકિટના દર 6 ગણા વધારે હોવાથી ભક્તોમાં રોષ વ્યાપ્યો છે. રોપ-વેની ટિકિટના ભાવ સાંભળ્યા બાદ તમામ જૂનાગઢવાસીને લાગી રહ્યું છે કે તેમનું સ્વપ્ન રોળાઇ ગયું છે.

એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપ-વે શરૂ થઇ ગયો છે. જૂનાગઢવાસીઓનું વર્ષો જૂનું સ્વપ્ન હતું કે રોપ-વે યોજના સાકાર થાય. રોપ-વે બને તો પરિવારને તેમજ બહાર રહેતા સગાં-સબંધીઓને રોપવે મારફત યાત્રા કરાવી પુણ્ય કમાઇ શકે. આમ તો રોપ-વેનું સપનું છ દાયકા જૂનું છે. રોપ-વેનો સૌ પહેલાં વિચાર 1958માં પોરબંદર નિવાસી ખ્યાતનામ ઉદ્યોગપતિ નાનજી કાલીદાસ મહેતાને આવ્યો હતો. તેઓએ પોતાના ખર્ચે રોપ-વે બનાવી આપવાની દરખાસ્ત પણ મૂકી હતી. આ અંગેનો એક પ્રાથમિક સર્વે 1968-69માં થયો હતો. નોંધનીય છે કે ઉદ્યોગપતિ નાનજી કાલીદાસ મહેતાએ બિઝનેસમેન જય મહેતાના દાદા થાય. જય મહેતાએ અભિનેત્રી જુહી ચાવલા સાથે લગ્ન કર્યા છે.

1972 સુધીમાં આ યોજના પૂરી કરવાનું આયોજન હતું. તે સમયે 9.5 કરોડનો ખર્ચ અંદાજ આવ્યો હતો. પરંતુ પ્રોજેક્ટ શરૂ થઈ શક્યો નહીં. 1983માં વન-વિભાગે ઔપચારિક દરખાસ્ત કરી.પરંતુ ત્યારથી વનભૂમિના ડાઈવર્ઝન, ડોળીવાળાનો વિરોધ, જમીન સંપાદન, પર્યાવરણની મંજૂરી વગેરેને કારણે પ્રોજેક્ટ અટવાતો રહ્યો.

હાઈકોર્ટ સુધી વાત પહોંચી. સપ્ટેમ્બર 2018માં પ્રોજેક્ટ શરૂ થયો. લૉકડાઉનમાં પણ કામને અસર થઈ હતી. ગિરનાર પર્વત પર 9999 પગથિયા છે.

આ ચઢાણ દરમિયાન ત્રણ પડાવ આવે છે. પહેલા જૈન મંદિર આવે છે પછી અંબાજીનું મંદિર આવે છે પછી ગોરખનાથ અને દત્તાત્રેય શિખર આવે છે.

આ ટેમ્પલ રોપવે જમીનથી 3300 ફૂટની ઉંચાઈએ આવેલા અંબાજી મંદિર સુધી જશે. ત્યારે અંબાજી મંદિરના ઈતિહાસ વિશે જણાવીએ તો આ મંદિર સોલંકી રાજાના જૈન મુખ્યમંત્રી વાસ્તુપાલે 13મી સદીમાં બંધાવ્યું હતું.

ટેમ્પલ રોપવેની ભેટ મળતા જ હવે યાત્રિકો 8 મિનીટમાં જ અંબાજી મંદિરે પહોંચી મા અંબાજીના દર્શન કરી શકશે. જ્યારે પગપાળા 4 કલાક જેટલો સમય લાગે છે. અંબાજી મંદિરની 120, 125 અને 151 વર્ષ જૂની તસવીરો ગુજરાત હિસ્ટ્રી નામના ટ્વીટર એકાઉન્ટમાં પોસ્ટ કરવામાં આવી છે.

નબળા-સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું દાયકાઓથી સ્વપ્ન હતું કે ગિરનાર રોપવે શરુ થશે ત્યારે માના ચરણમાં વંદન કરવા જઇશું. પરંતુ ઉષા બ્રેકો કંપનીના આવક જાવકના 700ના ભાડાથી લઇને આમ આદમીનું સ્વપ્ન સ્વપ્ન જ રહીને રોળાઇ ગયું છે.

અબાલ-વૃદ્ધ, અપંગ, બીમાર, અશક્ત, ગરીબ પરિવારના ભક્તોમાં અંબાજી સુધી દર્શને પહોંચવાની આશા નિરાશામાં ફરી વળી છે. ચોતરફ કચવાટ ઉભો થયો છે.

રોપ-વેમાં બેસવું તે એક દરેક નાનામાં નાની વ્યક્તિનું સ્વપ્ન હતું અને હાલમાં સ્વપ્ન જ સાબિત થઇ રહ્યું છે.

 

You cannot copy content of this page