Only Gujarat

FEATURED National

આ મંદિર પાસે છે 800 કિલોના દુર્લભ સોનાના સિક્કા, એકની કિંમત કરોડોમાં, આ કારણે ચાલી રહ્યો છે વિવાદ

તિરુવનંતપુરમઃ 9 વર્ષથી ચાલી રહેલી કાયદાકીય લડાઈનો અંત આવ્યો છે. હવે દેશના સૌથી ધનિક મંદિરને ચલાવવાનો અધિકાર એક શાહી પરિવારને મળી ગયો છે. અહીં વાત થઈ રહી છે, કેરળના તિરુવનંતપુરમ સ્થિત શ્રી પદ્મનાભસ્વામી મંદિરની. સુપ્રીમ કોર્ટે પદ્મનાભ મંદિરના મેનેજમેન્ટમાં ત્રાવણકોરના શાહી પરિવારના અધિકારને માન્યતા આપી દીધી છે.

પદ્મનાભ મંદિરમાં નાણાંકીય ગડબડ અંગે મેનેજમેન્ટ અને તંત્ર વચ્ચે છેલ્લા 9 વર્ષથી કાયદાકીય લડાઈ ચાલી રહી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ આ વિવાદનો અંત આવતો જોવા મળી રહ્યો છે. શાહી પરિવારના મેનેજમેન્ટમાં સામેલ થતા પહેલા તિરુવનંતપુરમના ડિસ્ટ્રીક્ટ જજની અધ્યક્ષતાવાળી કમિટી મંદિરની વ્યવસ્થા જોશે. આ કેસ 9 વર્ષથી સુપ્રીમ કોર્ટમાં હતો. કેરળ હાઈકોર્ટના નિર્ણયને ત્રાવણકોરના શાહી પરિવારે સુપ્રીમમાં પડકાર્યો હતો.

એવું કહેવાય છે કે, મંદિર પાસે 2 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે. અહીં ભોંયરામાં ઘણા રુમ છે, જેમાં લાખો કરોડો રૂપિયાનો ખજાનો છે. ભગવાન પદ્મનાભ (વિષ્ણુ) સ્વામીના મંદિરનું પુનઃનિર્માણ 18મી સદીમાં ત્રાવણકોરના શાહી પરિવારે કરાવ્યું હતું. આ શાહી પરિવારે 1947 સુધી ભારતીય સંઘમાં વિલય અગાઉ દક્ષિણી કેરળ અને તેની સાથે જોડાયેલા તામિલનાડુના અમુક વિસ્તારો પર શાસન કર્યું હતું. આઝાદી બાદ પણ મંદિરનું સંચાલન અને મેનેજમેન્ટ શાહી પરિવારના નિયંત્રણવાળુ ટ્રસ્ટ જ કરતું હતું. ત્રાવણકોર પરિવારના કુળદેવતા ભગવાન પદ્મનાભ સ્વામી જ છે.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ યુયુ લલિત અને જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાની બેન્ચે ગત વર્ષે 10 એપ્રિલે કેસ મામલે કેરળ હાઈકોર્ટના 31 જાન્યુઆરી, 2011ના ચુકાદાને પડકારતી અરજીઓ પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. જ્યારે કેરળ હાઈકોર્ટે રાજ્ય સરકારને મંદિર, તેની સંપત્તિઓના મેનેજમેન્ટ તથા યોગ્ય રીતે મંદિરનું સંચાલન કરવા માટે એક ટ્રસ્ટની રચના કરવા કહ્યું હતું.

સુપ્રીમ કોર્ટે એ ચુકાદો આપવાનો હતો કે દેશના સૌથી ધનિક મંદિરનું સંચાલન રાજ્ય સરકાર કરશે કે ત્રાવણકોરનો પૂર્વ શાહી પરિવાર. સુપ્રીમ કોર્ટમાં એ મુદ્દે પણ સુનાવણી હાથ ધરવામાં આવી કે મંદિર સાર્વજનિક સંપત્તિ છે. તેથી તિરુપતિ, તિરુમલા, ગુરુવયૂર અને સબરીમાલા મંદિરોની જેમ દેવસ્થાનમ બોર્ડની સ્થાપ્નાની જરૂર છે કે નહીં? બેન્ચે ત્રાવણકોર પરિવારને અધિકાર તો આપી દીધા પરંતુ એ પણ નક્કી થઈ શકે છે કે શાહી પરિવારને મંદિરમાં કેટલી હદે સંચાલનના અધિકાર મળશે. આ ઉપરાંત મંદિરના ભોંયરામાં રહેલા સાતમા રૂમને ખોલવો જોઈએ કે નહીં તે અંગે પણ નિર્ણય લેવાશે.

સુપ્રીમ કોર્ટે મે 2011માં મંદિરના સંચાલન અને સંપત્તિઓ પરના નિયંત્રણ સંબંધિત હાઈકોર્ટના ચુકાદા પર રોક લગાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મંદિરના ખજાનામાં મૂલ્યવાન વસ્તુઓ, આભુષણોની પણ વિસ્તૃત યાદી તૈયાર કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે 8 જુલાઈ 2011ના કહ્યું હતું કે, મંદિરના ભોંયરામાં રહેલા રૂમ ખોલવા પર પણ આગામી ચુકાદા સુધી પ્રતિબંધ રહેશે. જુલાઈ 2017માં કોર્ટે કહ્યું હતું કે, તે આ દાવાઓની ચકાસણી કરશે કે મંદિરના ભોંયરામાં રહસ્યમય ઊર્જાવાળા ખજાનાનો ભંડાર છે.

એવું કહેવાય છે કે, ભોંયરામાં રહેલા રૂમમાં 700 બિલિયન યુએસ ડોલર્સ એટલે 52.59 લાખ કરોડનો ખજાનો હોવાની શક્યતાઓ રહેલી છે પરંતુ મંદિરમાં કેટલો ખજાનો છે તેની પૃષ્ટિ કોઈ કરી શકતું નથી. પૂર્વ કેગ વિનોદ રાયે મંદિરના રેકોર્ડની તપાસ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મંદિર પાસે 200 ઈસ્વીસન પૂર્વેના 800 કિલો સોનાના સિક્કા છે. દરેક સિક્કાની કિંમત અંદાજે 2.7 કરોડ રૂપિયા છે. અહીં સોનાના સિંહાસન છે જેની પર વિવિધ રત્નો-હીરા જડેલા છે. તેનો પણ રેકોર્ડ છે.

You cannot copy content of this page