Only Gujarat

FEATURED National

લાખોની કમાણી કરતો આ પહેલવાન રાતોરાત આવી ગયો રસ્તા પર? જાણો કેવી રીતે

શિમલા/ચંદીગઢઃ કોરોના કહેર બાદ થયેલા લૉકડાઉનના કારણે ઘણા લોકોનો રોજગાર છીનવી લેવાયો છે અને ઘણા લોકો આર્થિક તંગીથી ચિંતિત છે. જે લોકો એકસમયે લાખો રૂપિયાની કમાણી કરતા હતા આજે તેઓ 2 ટંક ભોજન મેળવવા પણ સંઘર્ષ કરી રહ્યાં છે. આવી જ દયનીય સ્થિતિમાં જીવી રહ્યો છે એક પહેલવાન, જે પરિવારનું ગુજરાન ચલાવવા કુલીનું કામ કરી રહ્યો છે.

તસવીરોમાં જોવા મળી રહેલો કાંગડા જીલ્લાનો 29 વર્ષીય ગોલૂ પહેલવાન ઉર્ફ દેશરાજ છે. આજે તેની સ્થિતિ એટલી ખરાબ છે કે તે પરિવારનું ગુજરાન ચલાવવા માટે 10-12 કલાક આકરી મહેનત કરી રહ્યો છે. એકસમયે કુશ્તી સ્પર્ધાઓમાં ભલભલા પહેલવાનો માત આપતા રેસલર દેશરાજ હવે પોતાની પીઠ પર વજનદાર અનાજની બોરી ઉપાડવા મજબૂર છે.

તેણે કુશ્તી સ્પર્ધાઓમાં લાખો રૂપિયા ઈનામ પેટે જીત્યા હતા અને લોકો તેની સાથે સેલ્ફી લેવા લાઈન લગાવતા હતા. જોકે સમય એટલી હદે બદલાયો કે 500 રૂપિયા માટે તેણે મંડી શહેરમાં કુલી તરીકે કામ કરવું પડે છે.

ગોલૂ પહેલવાન ઉર્ફ દેશરાજે પોતાની પીડા વ્યક્ત કરતા જણાવ્યું કે, કોરોના વાઈરસના કારણે સરકારે કુશ્તી સ્પર્ધા અટકાવી દીધી છે. જેના કારણે તેને આ સમય જોવો પડી રહ્યો છે. તેણે ક્યારેય નહોતું વિચાર્યું કે તેને આવો સમય જોવાનો વારો આવશે. તેણે કહ્યું કે,‘મારી પાસે જે પણ બચત હતી તે લૉકડાઉન દરમિયાન પરવિારનું ગુજરાન ચલાવવા પાછળ ખર્ચ થઈ ગઈ. પરંતુ હવે એક પૈસો પણ નથી બચ્યો કે તેને ગુજરાન ચલાવવા માટે વાપરી શકે તેથી આ કામ કરી રહ્યો છું.’

90 કિલો વજન અને 5.9 ફૂટની હાઈટ ધરાવતા ગોલુ પહેલવાને 5 વર્ષ અગાઉ રેસલિંગ શરૂ કરી હતી. આ દરમિયાન તેણે ભારતમાં યોજાતી તમામ કુશ્તી સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાની તાકાત દેખાડી હતી. ખાસ કરીને ઉત્તર ભારતમાં યોજાતી કુશ્તી સ્પર્ધાઓમાં ઘણા મેડલ્સ પોતાના નામે કર્યા હતા. જોકે લૉકડાઉનમાં તેની કુશ્તીની જ તાળાબંધી થઈ ગઈ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page