Only Gujarat

National TOP STORIES

સંકટના સમયે ભગવાન વિષ્ણુનો ચમત્કાર? 500 વર્ષ બાદ મંદિર આવ્યું બહાર

ભૂવનેશ્વરઃ ઓરિસ્સામાં લગભગ 500 વર્ષ જૂનું એક મંદિર નદીમાંથી બહાર આવ્યું. મંદિરની શિલા નદીમાંથી બહાર દેખાવા લાગી. એવું કહેવામાં આવે છે કે આ મંદિર 15મી કે 16મી સદીનું છે. તેમાં ભગવાન ગોપીનાથની પ્રતિમાઓ હતી. જેમને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે.

ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ(INTACH)ના પુરાતત્વવિદોની ટીમે કહ્યું કે તેમણે જ આ મંદિર શોધ્યું છે. મંદિરના અવશેષ ઓરિસ્સાના નયાગઢ સ્થિત બૈધેશ્વરની પાસે મહાનદીની એક શાખા પદ્માવતી નદીની મધ્યમાં છે.

પુરાતત્વવિદ દીપકકુમાર નાયકે જણાવ્યું કે આ મંદિર લગભગ 60 ફૂટ ઊંચું છે. નદીની ઉપર દેખાઈ રહેલા મંદિરના ભાગ, તેનું નિર્માણ કાર્ય અને સ્થાપત્યને જોતા લાગે છે કે તે 15મી અથવા 16મી સદીનું છે.

આ મંદિર જે સ્થળે મળી આવેલ છે તેને સતપતાના કહેવામાં આવે છે. સતપતાનામાં સાત ગામો હતા. આ સાત ગામો ભગવાન ગોપીનાથની પૂજા કરતા હતા. તે જ સમયે આ મંદિર બનાવવામાં આવ્યું હતું.

દીપકકુમાર નાયકે જણાવ્યું કે આશરે 150 વર્ષ પહેલા નદીએ પોતાનો માર્ગ બદલી નાખ્યો અને ત્યાં એક પૂર આવ્યુ હતું. જેના કારણે મંદિર અને આસપાસનો વિસ્તાર ડૂબી ગયો હતો. આ ઘટના 19મી સદીમાં બની હતી. ગામ લોકોએ ભગવાનની મૂર્તિ મંદિરમાંથી બહાર કાઢી અને એક ઊંચી જગ્યા પર લઇ ગયા.

આસપાસના લોકો કહે છે કે પદ્માવતી ગામની આસપાસ 22 મંદિરો હતા, જે આ નદીમાં ડૂબી ગયા છે. પરંતુ આટલા વર્ષો પછી ભગવાન ગોપીનાથ દેવના મંદિરનો ઉપરી ભાગ બહારથી દેખાઈ રહ્યો છે.

INTACHના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અનિલ ધીરે કહ્યું કે અમે મહાનદીની આસપાસની તમામ ઐતિહાસિક વારસાઓનું દસ્તાવેજીકરણ કરી રહ્યા છીએ. અમે આ મંદિરની આજુબાજુ પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં વધુ મંદિરો અને અન્ય વારસાઓ શોધી રહ્યા છીએ.

ગામના લોકોનું કહેવું છે કે આ મંદિરનો ઉપરી ભાગ 25 વર્ષ પહેલાં દેખાયો હતો. ગામના લોકોને નદીમાં ના જવાની અને મંદિર ઉપર ચઢવાનો પ્રયાસ ના કરવા અપીલ કરવામાં આવી છે.

You cannot copy content of this page