Only Gujarat

National

લગ્ન કરે તે પહેલાં જ ગુજરાતી યુવક અને યુવતીનું મોત, આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો

મૂળ ગુજરાતના કચ્છના માંડવીના રામપર ગામના વતની અને હાલમા આફ્રિકી દેશ કેન્યાની રાજધાની નૈરોબીમા રહેતા કપલ સાથે મુંબઈની હોટલમાં દર્દનાક મોતની ઘટના બની હતી. મુંબઈની ગેલેક્સી હોટલમાં રવિવારે લાગેલી જે આગમાં ત્રણ લોકોના મોત થયા હતા તેમાં માંડવીના રામપર ગામના મૂળ નિવાસી 28 વર્ષીય એનઆરઆઈ કિશન હલાઈ અને તેની 25 વર્ષીય મંગેતર રૂપલ વેકરિયાનો સમાવેશ થાય છે.

આ ઘટનામાં રૂપલની માતા મંજુલાબેન, બહેન અલ્પા અને અસલમ શેખને ઈજા થઈ છે. આ કપલ પરિવાર સાથે મુંબઈથી કૈન્યાની રાજધાની નૈરોબી જવા નીકળ્યું હતું પરંતુ ફ્લાઈટનું રિશિડ્યુઅલ થતા તેઓ હોટલ ગેલેક્સીમાં થોડા સમય માટે આવ્યા હતા પરંતુ દરમિયાન હોટલમાં આગ લાગતા તેઓ જીવતા બળી ગયા હતા.

આઘાતજનક વાત તો એ છે કે તેઓ નૈરોબી જઈને તરત લગ્ન કરવાના હતા

રામપર ગામના સરપંચ સુરેશ કારાએ કહ્યું કે ફ્લાઈટ રિશિડ્યુઅલ થતાં કિશન, રૂપલ, રુપલની માતા અને બહેનને સાંતાક્રુઝની ગેલેક્સી હોટલમાં રાખવામાં આવ્યા હતા. કિશન હલાઈ અને રુપલ વેકરીયાના બંને પરિવારો રામપર ગામના રહેવાસી છે. કિશન હાલાઈ અને તેની મંગેતર રૂપલ વેકરિયા ઘણા વર્ષોથી નૈરોબીમાં રહેતા હતા. ઘણા વર્ષો પહેલા વિદેશમાં સ્થાયી થયા હોવા છતાં કિશન અને રૂપલનો પરિવારે તેમના વતન સાથેનો નાતો જાળવી રાખ્યો છે કિશન અને રૂપલની સગાઈ થઈ ગઈ હતી અને નૈરોબી પહોંચ્યા બાદ તરત જ તેઓ લગ્ન કરવાના હતા.

અમદાવાદમાં ખરીદી કરીને મુંબઈ ગયું કપલ

અમદાવાદમાં ખરીદી અને સંબંધીઓને મળ્યા પછી કિશન, રૂપલ, તેના માતાપિતા અને બહેન શનિવારે મુંબઈ ગયાં હતા અને ત્યાંથી ફ્લાઈટમાં નૈરોબી જવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ તેમની ફ્લાઈટ બદલાઈ અને તેમને હોટલમાં ઉતારો અપાયો પરંતુ હોટલમાં જ તેમનું મોત થયું હતું.

બુધવારે કરાશે તેમની અંતિમવિધિ

બુધવારે યુવક અને યુવતીના દેહને અંતિમ વિધિ માટે વતન લાવવામાં આવશે તેવું ગામમાંથી જાણવા મળ્યું છે. રામપર વેકરા ગામમાં પણ શોક સાથે અરેરાટી ફેલાઈ ગઈ છે.

You cannot copy content of this page