Only Gujarat

National

દેશના આ મંદિરમાંથી દૂર કરવામાં આવી સાંઈબાબાની મૂર્તિ, જાણો શું છે આખો મામલો

મધ્યપ્રદેશના છિંદવાડામાં આવેલા બડી માતા મંદિરમાંથી સાંઈબાબાની મૂર્તિ હટાવી દેવામાં આવી છે. આ ઉપરાંત રામ મંદિંરમાં લાગેલી ટાઈલ્સ પણ હટાવી લેવામાં આવી છે, જેમાં સાંઈબાબાનું ચિત્ર બનેલું હતું. સાંઈબાબાની મૂર્તિ હટાવવાનો નિર્ણય મંદિર સમિતિએ લીધો હતો. સ્વામી અવિમુક્તેશ્વરાનંદની નારાજગી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

શું હતો મામલો?
વાત એમ છે કે દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના પ્રતિનિધી સ્વામી અવિમુક્તેશ્વરાનંદ હાલમાં મધ્યપ્રદેશના છિંદવાડામાં છોટી બજાર સ્થિત બડી માતા મંદિર અને રામ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યારે સ્વામી બડી માતા મંદિરની દિવાલ પર લાગેલી સાંઈબાબાની મૂર્તિ અને રામ મંદિરમાં ટાઈલ્સમાં સાંઈબાબાનું ચિત્ર જોઈને નારાજ થઈ ગયા હતા.

તેમણે નારજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે રામ મંદિરમાં સાંઈબાબાનું શું કામ છે? ત્યાર બાદ તેમણે બડી માતા મંદિરના પુજારી પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે ઠપકો આપતાં કહ્યું કે ”અમે તમારી પર વિશ્વાસ રાખ્યો, અમારો સંકલ્પ છે કે જે મંદિરમાં સાંઈ છે ત્યાં અમે નહિ જઈએ છતાં પણ તમે વિશ્વાસ તોડ્યો. અમને આવા મંદિરમાં લઈ ગયા, હવે બીજી વખત અમારી સામે ન આવતા. તમે અમારી સાથે છેતરપિંડી કરી છે.” બીજી તરફ સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીના ગુસ્સા અંગે પુજારી રાજા તિવારીએ જણાવ્યું હતું કે , ”હું બાળપણથી સ્વામીજીની સાથે રહ્યો છું. તેમની નારાજગી જ સ્નેહ છે. પુત્રથી જો ભૂલ થાય તો પિતા ગુસ્સે થાય છે.”

શું કહ્યું હતું સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ?
સ્વામી અવિમુક્તેશ્વરાનંદે મીડિયાકર્મચારીને કહ્યું હતું કે અહીં મા દુર્ગા અને ભગવાન શ્રીરામના મંદિરને જોઈને મન દુઃખી થઈ ગયું. આસ્થાની સાથેનાં આવાં ચેડાંને અમે સહન કરીશું નહિ. જ્યાં સુધી સાંઈબાબાની મૂર્તિ આ મંદિરોમાં રહેશે, અમે અહીં પ્રવેશ કરીશું નહિ. મંદિર સમિતિ સાંઈને હટાવી દે, તો જાતે જ અહીં આવીને પૂજા કરીશું. મંદિરને પવિત્ર કરવું પડશે.

શું હતું મંદિર સમિતિએ?
સ્વામી અવિમુક્તેશ્વરાનંદની નારાજગી પછી મંદિર સમિતિની વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી. જેના અધ્યક્ષ સંતોષ સોનીએ જણાવ્યું હતું કે તે સનાતન ધર્મની સાથે છે. ભૂલથી કદાચ અહીં સાંઈબાબાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે, તો અમે સહમતીથી નિર્ણય લઈશું. ત્યાર બાદ મંદિરમાંથી મૂર્તિ અને ટાઈલ્સ દૂર કરવામાં આવી હતી.

વિવેકાનંદ સમિતિ રેલી કાઢશે
વિવેકાનંદ સમિતિના સભ્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના સમર્થનમાં રેલી કાઢી ઘર અને અન્ય ભગવાનના મંદિરોમાં રાખવામાં આવેલી સાંઈબાબાની મૂર્તિને એકત્રિત કરશે અને વિવેકાનંદ કોલોની સ્થિત સાંઈ મંદિરમાં લઈ જઈને સ્થાપિત કરશે. આ માટે સમિતિના સભ્યો લોકોનો સંપર્ક પણ કરી રહ્યા છે.

શંકરાચાર્ય સ્વામીના વિશેષ પ્રતિનિધિ છે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વારૂપાનંદ સરસ્વતીના વિશેષ પ્રતિનિધિ છે. તેમણે કાશીમાં મંદિર તોડવાનો વિરોધ કર્યો હતો. છત્તીસગઢના કવર્ધામાં સનાતન ધર્મના ધ્વજને હટાવવાના વિરોધમાં હજારો લોકોની સાથે રેલી કાઢીને ધ્વજને સ્થાપિત કર્યો હતો.

You cannot copy content of this page