Only Gujarat

FEATURED Health

કોરોનાથી ડરો, આ વાંચ્યા બાદ તમે પણ સાવધાની રાખતા થઈ જશો એ નક્કી!

અમદાવાદઃ ગુજરાત સહિત ભારતના ઘણાં રાજ્યોમાં કોવિડ 19ની બીજી લહેર શરૂ થઈ ગઈ છે. વિશ્વમાં પણ કોરોનાની બીજી લહેરની ગંભીર અસરો જોવા મળી રહી છે. મોટાભાગના કિસ્સામાં એ વાત જોવા મળી છે કે આ વાઈરસથી ચેપગ્રસ્ત કોઈ પણ બે વ્યક્તિને એક જેવા લક્ષણોથી પીડિત જોવા મળ્યા નથી. કોરોના દર્દીઓમાં ચેપના ગંભીર લક્ષણ લોંગ કોવિડના જોખમને વધારી શકે છે. લોંગ કોવિડ એટલે કે લાંબા સમય સુધી કોરોના વાઈરસના ચેપથી અનેક દર્દીઓ પ્રભાવિત થયા હોવાની વાત સામે આવી છે. લોંગ કોવિડ યુવાઓનો તથા સ્વસ્થ લોકોના અંગોને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. હાલમાં જ થયેલા એક રિસર્ચમાં આ વાત સામે આવી છે.

અભ્યાસ પ્રમાણે, કોરોના ચેપગ્રસ્ત લૉ-રિસ્ક ગ્રુપના દર્દીઓના ચાર મહિના બાદ અનેક અંગોને નુકસાન થયું હતું. આ અભ્યાસમાં એ વાત પણ સામે આવી કે કોરોનાથી ઠીક થયા બાદ દર્દીઓમાં લાંબા સમય સુધી આ લક્ષણો જોવા મળ્યા હતા. આને જ લોંગ કોવિડ કહેવામાં આવે છે.

લોંગ કોવિડના ચાર મોટા લક્ષણોઃ 1. ફેફસાં તથા હૃદયને નુકસાન 2. પોસ્ટ ઈન્ટેનસિવ કેર સિન્ડ્રોમ 3. પોસ્ટ વાઈરલ સિન્ડ્રોમ 4. સતત કોરોનાના લક્ષણો હોવા

અભ્યાસમાં શું સામે આવ્યું? કવર સ્કેને કરેલા આ અભ્યાસમાં 500 દર્દીઓ સામેલ હતા. આ દર્દીઓના શરૂઆતના રિપોર્ટમાં એ વાત જાણવા મળી કે 70 ટકા દર્દીઓના એક કે એકથી વધુ અંગોને કોરોનાએ નુકસાન પહોંચાડ્યું હતું, જેમાં હાર્ટ, ફેફસાં, લિવર તથા પેન્ક્રિયાઝ સામેલ છે. જોકે, આ નુકસાન ગંભીર નહીં પરંતુ સામાન્ય હતું. અભ્યાસ પ્રમાણે, 25 ટકા દર્દીઓમાં કોરોનાને કારણે બેથી વધુ અંગોને નુકસાન થયું છે.

કેટલા દર્દીઓએ લોંગ કોવિડનો સામનો કર્યો છે? બ્રિટનમાં કોરોનાના 40 હજાર દર્દીઓ પર એક રિસર્ચ કરવામાં આવ્યું હતું. આ રિસર્ચમાં 20 ટકા લોકોએ કહ્યું હતું કે ચેપ લાગ્યાના એક મહિના બાદ પણ તેઓ પૂરી રીતે ઠીક થયા નથી. તો 190 દર્દીઓમાં કોરોનાના લક્ષણો આઠથી 10 અઠવાડિયા સુધી જોવા મળ્યા હતા. આ સાથે જ 100 દર્દીઓએ કહ્યું હતું કે ચેપ લાગ્યાના 10 અઠવાડિયા બાદ પણ તેમને મુશ્કેલી રહી હતી.


લોંગ કોવિડથી ડરો નહીં પણ સાવધ રહોઃ AIIMS દિલ્હીમાં રૂમેટોલોજ ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. ઉમા કુમારે કહ્યું હતું કે કોરોનાથી સાજા થયેલા દર્દીઓએ લોંગ કોવિડથી ડરવાની જરૂર નથી પરંતુ સાવધ રહેવાની જરૂર છે. કારણ કે દર્દીઓને અન્ય સમસ્યાનો સામાનો ભવિષ્યમાં કરવો પડી શકે છે. આથી જ કોરોનાથી બચવા માટે જરૂરી તમામ સાવધાની રાખો. તો કોરોનાથી સાજા થયેલા દર્દીઓ એમ ના માને કે તેમને હવે ભવિષ્યમાં કંઈ જ થશે નહીં. ઉલ્લેખનીય છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ લોંગ કોવિડ પર વિચાર કરવાનું શરૂ કરી દીધું છે.

You cannot copy content of this page