Only Gujarat

Gujarat

કચ્છનામાં ભીષણ અકસ્માતમાં લોહાણા પરિવારના ત્રણના મોત, અરેરાટીભર્યો બનાવ

કચ્છના ગાંધીધામના પીએમ આંગડિયા પેઢીના સંચાલક અને લોહાણા સમાજના પ્રમુખ અમૃતલાલ કુવરજી હાલાણી અને તેમના ભાઈ-ભાભીના માર્ગ અકસ્માતમાં મોત થતા હાહાકાર મચી ગયો. ઘટના બની હતી ભચાઉ પાસેના નેશનલ હાઈવે પર. વાગડ વેલ્ફેર હોસ્પિટલ નજીક ઓવરબ્રિજ પાસે આગળ ઊભેલા મહાકાય ટ્રેઇલરમાં ક્રેટા કાર ઘુસી ગઈ હતી. તેના પગલે કારમાં સવાર ગાંધીધામ લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ એવા અમૃતલાલ કુંવરજી હાલાણી (ઠક્કર) (ઉ.વ.60), તેમના ભાઇ ભુદરલાલ કુંવરજી હાલાણી (ઠક્કર) (ઉ.વ.65) અને પાર્વતીબેન ભુદરલાલ હાલાણી (ઠક્કર)નું મોત નિપજ્યું.

ગાંધીધામના લોહાણા મહાજન સમાજના પૂર્વ પ્રમુખ અને હાલના ટ્રસ્ટી એવા અમૃતલાલભાઇ અને તેમનો પરિવાર મૂળ બનાસકાંઠાના ડીસાનો છે. તેમના મોટા ભાઇ ભુદરલાલના પરિવારજનો પી.એમ. આંગડિયા સાથે સંકળાયેલા છે. અમૃતલાલ, ભુદરલાલ અને પાર્વતીબેન ડીસા ખાતે વેવાઇને ત્યાં લૌકિક પ્રસંગ હોવાથી ત્યાં ગયા હતા. ડીસાથી બપોરે નીકળ્યા બાદ આ પરિવાર ભચાઉમાં વાગડ વેલ્ફેર અને મામલતદાર કચેરી વચ્ચે આવેલા ઓવરબ્રિજ ઉપર અકસ્માતનો ભોગ બન્યો.

પ્રત્યક્ષદર્શીઓનું માનીએ તો આ ત્રણેય ક્રેટા કાર નંબર જીજે-12-ડીજી-9353 લઇને ડ્રાઇવર સાથે ડીસા ગયા હતા, પરંતુ તેમના અન્ય ભાઇ અરવિંદભાઇ રાજસ્થાન બાજુ જતા હોવાથી રસ્તામાં ડ્રાઇવરને પોતાની સાથે લઇ ગયા હતા, જ્યારે આ ત્રણ કમનસીબ લોકો કાર લઇને ગાંધીધામ આવી રહ્યા હતા. તેમને સ્વવપ્ને પણ ખ્યાલ નહોતો કે આગળ એક ટ્રેઈલર તેમનો કાળ બનીને ઉભી છે. ટ્રેઇલરના પાછળના ભાગેથી કાર ઘુસી જતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

થરપારકર લોહાણા સમાજના પૂર્વ પ્રમુખ અમૃતલાલ, તેમના ભાઇ ભુદરલાલ અને ભાભી પાર્વતીબેનને ગંભીર પ્રકારની ઇજા થતાં ઘટના સ્થળે જ સ્થળે જ મોત થયાં હતાં. આ બનાવની જણ થતા તેમના પરિવારજનો ભચાઉ દોડી આવ્યા હતા અને આક્રંદના કારણે વાતાવરણ ભારે ગમગીન બન્યું હતું. આ સમયે ભચાઉ લોહાણા સમાજના પ્રમુખ ભરતભાઇ ઠક્કર, મંત્રી અશ્વિનભાઇ ઠક્કર, પાલિકાના પૂર્વ પ્રમુખ અશોકસિંહ ઝાલા, નગરસેવક વિજયસિંહ ઝાલા તથા પ્રવીણભાઇ દાફડે પરિવારને સાંત્વના આપી. બીજી તરફ પોલીસે કેવી રીતે અકસ્માત બન્યો તેની તપાસ શરૂ કરી છે.

You cannot copy content of this page