Only Gujarat

International

લેબર રૂમના કાચ તૂટ્યા, છતાંય હિંમત હાર્યા વગર ડોક્ટર્સે કરાવી મહિલાની ડિલિવરી

બેરુતઃ લેબનોનની રાજધાની બેરુતમાં થયેલા વિસ્ફોટથી ભયંકર તબાહી જોવા મળી હતી. લોકો એ ધમાકા બાદની ચીસો, અવાજો અને ભયની બુમોને ભુલાવી શકતા નથી. હજુપણ લોકોમાં ડરનો માહોલ છે. તે સમયે ધરતી ધ્રૂજવા લાગી હતી. ઘણી તસવીરો અને વીડિયો સામે આવ્યા હતા, જેમાં લોકોની પીડાને જોઈ શકાય છે. આ સમયે જરા વિચારો કે વિસ્ફોટ સમયે તે મહિલા પર શું વીતી હશે જે લેબર પેનની પીડામાંથી પસાર થઈ રહી હતી. અમુક જ ક્ષણમાં તે નાનકડા જીવને વિશ્વમાં લાવવાની હતી. પરંતુ તે પહેલા જ લેબર રુમની બારીઓના કાચ અને ઘણો સામાન તૂટવાનો અવાજ આવે છે. આ ભયને માતાએ પોતાની તાકાત બનાવી અને સંપૂર્ણ ઘટના એક વીડિયોમાં રેકોર્ડ થઈ હતી.


મહિલાનું નામ એમ્માનુએલ ખન્નાસર છે અને વીડિયો તેનો પતિ એડમંડ બનાવી રહ્યો હતો. એડમંડે જણાવ્યું કે, આ સ્થિતિમાં તેના બાળકનો જન્મ થયો, તે જાણી પોતે જ વિશ્વાસ કરી શક્યો નહોતો. એડમંડને લાગ્યું કે, બ્લાસ્ટ બાદ તે જીવિત પરત નહીં ફરી શકે.

વિસ્ફોટ એટલો જોરદાર હતો કે લેબર રૂમના કાચ તૂટી ગયા અને વીજળી પણ નહોતી. ટોર્ચના પ્રકાશના પર ડૉક્ટર્સે મહિલાની સ્થિતિ સંભાળી. આવી સ્થિતિમાં પણ ડૉક્ટર્સ પોતાની ફરજ ભૂલ્યા નહીં અને હિંમત જાળવી રાખી. મહિલાની ડિલિવરીમાં ડૉક્ટર્સ સફળ રહ્યાં.

મહિલા અને તેના પતિએ ડૉક્ટર્સનો આભાર માન્યો કે તેમણે આવી સ્થિતિમાં પણ ડિલિવરી સફળ બનાવી. વીજળી ના હોવાના કારણે પરંપરાગત પદ્ધતિએ જ બાળકનો જન્મ થવા દેવાયો. મહિલાએ દીકરાને જન્મ આપ્યો. એડમંડે ફેસબુક પર ઘટનાની તસવીરો પણ શેર કરી હતી.

લેબનોનની રાજધાનીમાં થયેલા વિસ્ફોટમાં 160થી વધુ લોકોના જીવ ગયા હતા અને 5000 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અહીં પોર્ટ પર એક ગોડાઉનમાં રાખેલા 2750 કિલો એમોનિયમ નાઈટ્રેટના વિસ્ફોટના કારણે શહેરમાં ભયંકર નુકસાન થયું હતું.

You cannot copy content of this page