Only Gujarat

FEATURED National

માણસાઈ આવી પણ હોય…લાવારિસ મૃતદેહોના એકલા હાથે અંતિમ સંસ્કાર કરે છે ભડવીર મહિલા

વૃંદાવનઃ લોકો માને છે કે આજના સમયમાં બધા સ્વાર્થી થઈ ગયા છે અને સંબંધોનો તો જાણે અંત આવી ગયો હોય. તમામ લોકો જાણે છે કે કોરોના મહામારીનો કહેર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે અને તમે સાંભળ્યું જ હશે કે કોરોનાથી જો કોઈના પરિવારના સભ્યનું અવસાન થાય છે તો તેમના પરિવારજનો અંતિમ સંસ્કાર માટે પણ આવતા નથી. લાવારીસ મૃતદેહો ઘણા દિવસો સુધી આમ જ પડ્યા રહે છે પરંતુ કહેવાય છે કે વિશ્વમાં ક્યાંકને ક્યાંક હજુપણ માણસાઈ જીવંત છે. આજે પણ લોકોના દિલમાં માનવતાના અંશો જોવા મળે છે અને તેનું ઉદાહરણ છે વૃંદાવનમાં રહેતા ડૉ. લક્ષ્મી ગૌતમ.

આજ સમયે જ્યારે લોકો પોતાના પરિવારજનોના જ મૃતદેહોને રઝળતા છોડી દે છે એવામાં લક્ષ્મી ગૌતમે આ મામલે એક અલગ જ ઉદાહરણ લોકો સમક્ષ રાખ્યું છે. લક્ષ્મીએ અજાણ્યા લોકોની સાથે એવી લાગણી રાખી છે કે લાવારીસ મૃતદેહોનું અંતિમ સંસ્કાર પોતાના હાથે કરે છે.

જાણ થતા જ મદદ માટે પહોંચી જાય છેઃ ડૉ. લક્ષ્મીને લાવારીસ મૃતદેહ અંગે જાણ થતા જ તે મદદ માટે પહોંચી જાય છે. તેઓ આવા લોકોને પોતાના હાથે જ મુખાગ્નિ આપે છે. લક્ષ્મી અગાઉ માત્ર મહિલાઓના જ અંતિમ સંસ્કાર કરતા હતા પરંતુ પછી તેમણે લાવારીસ પુરુષોના મૃતદેહોના અંતિમ સંસ્કારનું કામ પણ શરૂ કર્યું.

આ રીતે કરી નેક કાર્યની શરૂઆતઃ આ કામ શરૂ કરવા અંગે લક્ષ્મીને પ્રેરણા ત્યારે મળી જ્યારે 2011માં શેલ્ટર હોમ્સમાં રહેતી મહિલાઓ પર સર્વે કર્યો. તમને જાણીને નવાઈ લાગશે કે જે મહિલાઓનું કોઈ નથી હોતું તેમના મૃતદેહોને થેલામાં નાંખી આમ જ લાવારીસ રીતે છોડી દેવામાં આવે છે. આ રિપોર્ટને જોઈ લક્ષ્મી દંગ રહી ગઈ અને પછી વિચાર્યું કે તે લાવારીસ મૃતદેહોને મુખાગ્નિ આપશે. લક્ષ્મીને આ નેક કામમાં સંપૂર્ણ પરિવાર સાથ આપે છે.

અત્યારસુધી કર્યા 300 મૃતદેહોના અંતિમ સંસ્કારઃ છેલ્લા 8 વર્ષમાં લક્ષ્મીએ અંદાજે 300 જેટલા મૃતદેહોને મુખાગ્નિ આપી છે. આ ઉપરાંત તે લૉકડાઉન દરમિયાન જ 7 લાવારીસ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરી ચૂકી છે. હવે તમે એ સાંભળી ચોંકી જશો કે આ તમામ કામ માટે લક્ષ્મીએ ક્યારેય કોઈની પાસેથી આર્થિક મદદ લીધી નથી. ઈતિહાસ અને સંસ્કૃતિનો અભ્યાસ કરાવતી ડૉ. લક્ષ્મી ગૌતમ કનકધારા ફાઉન્ડેશન ચલાવે છે. આ ફાઉન્ડેશન ઈજાગ્રસ્તો માટે એમ્બ્યુલન્સ પણ ચલાવે છે.

You cannot copy content of this page