Only Gujarat

FEATURED National

કોણ છે ‘ડીલ વુમન’ના નામથી જાણીતી સપના સુરેશ? આ રીતે બની ‘ગોલ્ડ સ્મગલિંગ ક્વીન’

કેરળની રાજધાની તિરુવનંતપુરમના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રવિવારે અધિકારીઓએ એર કાર્ગો દ્વારા પરિવહન કરેલા માલમાંથી 30 કિલોથી વધુનું સોનું પુન રિકવર કર્યું છે. યુએઈના ભૂતપૂર્વ વાણિજ્ય અધિકારી સપના સુરેશ આ કેસમાં મુખ્ય આરોપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના તાર યુએઈના કોન્સ્યુલેટ જનરલ સાથે સંકળાયેલ એક રાજદ્વારી માલ સાથે જોડાયેલા છે.

આ સાથે જ તેમાં કેરળના મુખ્યમંત્રી કાર્યાલયનું નામ પણ સામે આવી રહ્યું છે
આખા મામલામાં સપના સુરેશનું નામ આવતાની સાથે જ કેરળના રાજકારણમાં હલચલ મચી ગઈ હતી. કેરળના મુખ્યમંત્રી પિનરાય વિજયન સાથે સ્વપ્નાનાં ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે તેઓ તપાસ માટે તૈયાર છે. સપના સુરેશ કોણ છે તે દરેકને જાણવા માંગે છે.

અબુધાબીમાં થયો જન્મ
સપના સુરેશનો જન્મ યુએઈના અબુધાબીમાં થયો હતો. તેણે અબુધાબીમાં અભ્યાસ કર્યો ત્યારબાદ તેને એરપોર્ટ પર નોકરી મળી. સપનાએ લગ્ન પણ કરી લીધાં પરંતુ જલ્દીથી છૂટાછેડા થઈ ગયા, તેથી તે પોતાની પુત્રી સાથે કેરળના તિરુવનંતપુરમમાં રહેવા જતી રહી.

નોકરી બદલવામાં નિષ્ણાત
ભારત આવ્યા પછી સપના સુરેશે બે વર્ષ તિરુવનંતપુરમની એક ટ્રાવેલ એજન્સીમાં કામ કર્યું અને ત્યારબાદ તેને 2013 માં એર ઇન્ડિયા એસએટીએસમાં નોકરી મળી. 2016 માં, જ્યારે ક્રાઈમ બ્રાંચે છેતરપિંડીના કેસમાં તેની તપાસ શરૂ કરી હતી, ત્યારે સ્વપ્ના ફરી પાછી અબુધાબી જતી રહી હતી. તે અબુધાબીમાં યુએઈના કોન્સ્યુલેટ જનરલ ખાતેના કોન્સ્યુલ જનરલની સચિવ બની હતી. ગયા વર્ષે તેણે નોકરી છોડી દીધી હતી. જોકે પોલીસનું કહેવું છે કે તેને નોકરીમાંથી બરતરફ કરાઈ હતી.

છેતરપિંડીના આક્ષેપો લાગ્યા છે
જ્યારે સપના એર ઇન્ડિયા એસએટીએસમાં ટ્રેનર હતી, ત્યારે તેના પર ખોટા કેસમાં અધિકારીને ફસાવવાનો આરોપ મૂકાયો હતો. સપનાએ સ્વીકાર્યું હતું કે તેણે ખોટા આક્ષેપો કર્યા અને એક મહિલાને નકલી નામની સાથે તપાસ સમિતિ સમક્ષ રજૂ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે આ કેસની તપાસ ચાલી રહી હતી, ત્યારે તેને મુક્ત કરવા માટે પોલીસ ઉપર ખૂબ દબાણ કરવામાં આવ્યુ હતું. તપાસ દરમિયાન સપનાએ એમ પણ કહ્યું હતું કે તે કેરળ આઈટી વિભાગની કર્મચારી પણ રહી ચૂકી છે.

દૂતાવાસમાં થઈ મોટા લોકો સાથે ઓળખાણ
યુએઈ કોન્સ્યુલેટમાં નોકરીએ સપનાના જીવનમાં નવો વળાંક આપ્યો હતો. અહીં તેણે મોટા લોકો સાથે પોતાની ઓળખ વધારવાનું શરૂ કર્યું. તે મોટા ભાગે મોટી હોટલોમાં યોજાયેલી પાર્ટીઓમાં સામેલ થતી હતી. અરબી સહિતની ઘણી ભાષાઓ જાણતા સપના કેરળ આવતા અરબી નેતાઓની ટીમમાં હોતી હતી.

શામના ખાન એક્સટૉર્શન કેસમાં નામ સામે આવ્યું
અભિનેત્રી શામના ખાન, જબરદસ્તી વસૂલી કેસમાં જ્યારે પોલીસે તેની પૂછપરછ કરી ત્યારે એક મહિલાનું નામ સામે આવ્યું. ‘ડીલ વુમન’ તરીકે ઓળખાતી આ મહિલા વિશે જ્યારે ખબર પડી ત્યારે કસ્ટમવાળાઓએ 13 કરોડ રૂપિયાનું સોનું ડિપ્લોમેટિક બેગેજમાંથી જપ્ત કર્યુ હતુ.

ડીલ વુમન તરીકે પ્રખ્યાત
પોલીસને બાતમી મળી હતી કે સોનાની દાણચોરી કરનાર ગેંગ મોડેલો અને અભિનેત્રીઓ દ્વારા સોનાની દાણચોરી કરે છે. જ્યારે વધુ પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે સપના સુરેશ ‘ડીલ વુમન’ છે. તે આ ગેંગને ગંભીર મામલાઓમાં ફસાયા બાદ બહાર કાઢતી હતી.

આઇટી સચિવ સાથે જોડાયા છે તાર
આ સમગ્ર મામલામાં કેરળ સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજીના સચિવ એમ. શિવશંકરનું નામ સામે આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેણે સપનાને આઇટી વિભાગમાં નોકરી આપી હતી.

મુખ્યમંત્રીના સચિવ હતા આઇટી સચિવ
આઇટી સચિવ શિવશંકર મુખ્યમંત્રીના સચિવ પણ હતા અને તેઓ સપનાના ઘરે અવારનવાર આવતાં હતા. મુખ્યમંત્રી વિજયનની કચેરીએ સપના સાથેના કોઈપણ જોડાણને નકારી કાઢ્યા છે. રાજ્ય સરકારે સપનાને કેરળ સ્ટેટ આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (કેએસઆઇટીએલ) થી પણ કાઢી મુકી છે. શિવશંકરને પણ મુખ્યમંત્રીના સચિવ પદ પરથી હટાવી દેવાયા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page