Only Gujarat

National

ભારતીય જવાને ખોલી ચીનની પોલ, જણાવ્યું કે તે રાત્રે કેવી રીતે દગાથી ચીનાઓએ કર્યો હતો હુમલો

અલવર: લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીન અને ભારતના સૈનિકો વચ્ચે થયેલા લોહિયાળ સંઘર્ષમાં જવાન સુરેન્દ્ર સિંહ ઈજાગ્રસ્ત થયા હતા. તેમની સારવાર લદ્દાખની સૈન્ય હોસ્પિટલમાં ચાલી રહી છે, ત્યાં તેઓ 12 કલાક બાદ ભાનમાં આવ્યા હતા. જે પછી તેમણે ગલવાન ઘાટીમાં બનેલી સંપૂર્ણ ઘટના વિશે જણાવ્યું હતું. આ સાથે જ પ્રથમવાર કોઈ સૈનિકે ચીનના ષડયંત્રની વાત જાહેર કરી હતી.

જવાન સુરેન્દ્ર સિંહે કહ્યું કે, ચીની સૈનિકોએ દગો આપતા ગલવાન ઘાટીથી નીકળતી નદી પર અચાનક ભારતીય સૈનિકો પર હુમલો કર્યો. લગભગ 4-5 કલાક સુધી નદીમાં જ સૈનિકો વચ્ચે લોહિયાળ સંઘર્ષ ચાલતો રહ્યો. તે સમયે ભારતના 200-250 સૈનિકો હાજર હતા. જ્યારે ચીનના 1000થી વધુ જવાનો હતા.

ગલવાન ઘાટીની નદીમાં હાડકા થીજવી દેતા ઠંડા પાણીમાં આ સંઘર્ષ ચાલતો રહ્યો. નદીના કિનારે માત્ર એક વ્યક્તિના નીકળવાની જગ્યા હતી. તેથી ભારતીય સૈનિકોને થોડી સમસ્યા થઈ નહિંતર ભારતીય સૈનિકો તમામ હુમલા માટે તૈયાર જ રહે છે. ભારતીય સૈનિક ચીનના સૈનિકોને વધુ જડબાતોડ જવાબ આપી શક્યા હોત પરંતુ ચીની સૈનિકોએ ષડયંત્રના ભાગરુપે દગો આપી હુમલો કર્યો હતો.

સુરેન્દ્રએ ફોન પર જણાવ્યું કે, તેઓ હવે સ્વસ્થ છે અને લદ્દાખના સૈન્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમના એક હાથમાં ફ્રેક્ચર અને માથામાં અડધો ડઝન ટાંકા છે. તેમણે ઘટના સંબંધે વાત કરતા કહ્યું કે, 5 ફૂટ ઊંડા પાણીમાં લગભગ 5 કલાક ચાલેલા સંઘર્ષ દરમિયાન માથામાં વાગતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા અને અન્ય સૈનિકોએ તેમને બહાર કાઢ્યા હતા. તેઓ હોસ્પિટલમાં દાખલ થયાના 12 કલાક બાદ ભાનમાં આવ્યા હતા. તેમણે સાથે કહ્યું કે, આ સંઘર્ષ દરમિયાન તેમનો ફોન અને અન્ય કાગળો નદીમાં વહી ગયા.

જવાન સુરેન્દ્ર રાજસ્થાનના અલવર જીલ્લાના નૌગાંવા ગામના રહેવાસી છે. ચીની સૈનિકાના હુમલા બાદથી જ તેમનો પરિવાર ચિંતિત હતો. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન વાત થયા બાદ પરિવારજનોને રાહત થઈ હતી. જવાનના પરિવારજનો અન્ય તમામ જવાનો પણ વહેલી તકે સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યાં છે. સુરેન્દ્ર સિંહની પત્ની, બાળકો સાથે અલવરના સૂર્ય નગર નવી બસ્તીમાં રહે છે. જ્યારે માતા-પિતા અને ભાઈ ગામમાં રહે છે. સુરેન્દ્ર સિંહના પિતા બલવંત સિંહે કહ્યું કે- ફોન પર દીકરાએ માથામાં ઈજા થઈ હોવાની જ વાત જણાવી હતી અને હાલ તેની સ્થિતિ સારી છે. પરંતુ પરિવારને હજુપણ દીકરાના સ્વાસ્થ અંગે ચિંતા છે. તેઓ દીકરા અને અન્ય જવાનોના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યાં છે.

 

You cannot copy content of this page