Only Gujarat

FEATURED International

કોરોનાવાઈરસનો ખાતમો હવે બસ હાથવેંતમાં, સમ્રગ વિશ્વમાં 23 વેક્સિનની ચાલી રહી છે ટ્રાયલ

ન્યૂયોર્કઃ કોરોનાને કારણે સમગ્ર વિશ્વમાં 6 લાખથી વધુ લોકોના મોત થયા છે. 1 કરોડ 44 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. ચીનના વુહાન શહેરથી ડિસેમ્બર 2019માં શરૂ થયેલું સંક્રમણ સમગ્ર વિશ્વમાં ફેલાયો પરંતુ આ વાઈરસની કોઈ પ્રામાણિક વેક્સિન કે દવા હજુ સુધી તૈયાર થઈ શકી નથી. વેક્સિન બનાવવાની દિશામાં ચાલતા પ્રયાસો અંગે વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં 23 વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે. અમુક દેશોમાં વેક્સિનની હ્યુમન ટ્રાયલના પ્રથમ અને બીજા તબક્કામાં સફળતા મળી છે અને હવે ભારતમાં પણ કોવેક્સીન નામની વેક્સીનની ટ્રાયલ શરૂ થવા જઈ રહી છે.

દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એમ્સ)માં તેની ટ્રાયલ શરૂ થશે. આ ટ્રાયલ 100 સ્વસ્થ લોકો પર કરવામાં આવશે. જેમની પર ટ્રાયલ કરવામાં આવશે તેમની વય 18 થી 55 વચ્ચે રહેશે. આ ટેસ્ટ માટે દિલ્હી-એનસીઆરના વોલેન્ટિયરને આગળ આવવા અપીલ કરવામાં આવી છે. રજીસ્ટ્રેશન કરાવનારા લોકો માટે પોતાનો કોરોના ટેસ્ટ અને લીવર ટેસ્ટ કરાવવો જરૂરી છે. આ વેક્સિનના 2 ડોઝ વોલેન્ટિયરને અપાશે. પ્રથમ ડોઝના 2 અઠવાડિયા બાદ બીજો ડોઝ અપાશે.

આ વેક્સિન ઈન્જેક્શન થકી આપવામાં આવશે. ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડ અને ઝાયડસ કેડિલા ભારતમાં કોરાના વેક્સિન બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડની વેક્સિનનું નામ કોવેક્સીન છે. આ ઉપરાંત અડધો ડઝન ભારતીય કંપનીઓ કોવિડ-19 સામે લડવા માટે વેક્સિન વિકસાવવા માટે પ્રયાસ કરી રહી છે. આ કંપનીઓમાંથી એક છે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા. તે વેક્સિનના ડોઝના ઉત્પાદન અને સમગ્ર વિશ્વમાં વેચાણની દ્રષ્ટિએ સૌથી મોટી વેક્સિન કંપની છે.

ઑક્સફોર્ડ છે સૌથી આગળઃ યુરોપ સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વેક્સિનની પ્રથમ ટ્રાયલ બ્રિટનના ઑક્સફોર્ડમાં થઈ હતી. એપ્રિલ મહિનામાં કોરોના વાઈરસ સંક્રમણની વેક્સિનની હ્યુમન ટ્રાયલની શરૂઆત થઈ હતી. પ્રારંભિક તબક્કામાં અહીં 800 લોકોને વોલેન્ટિયર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ રસી ઑક્સફોર્ડ યુનિ.ની એક ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. જેનર ઈન્સ્ટિટ્યૂટમાં વેક્સીનોલોજીની પ્રોફેસર સારા ગિલ્બર્ટ આ ટીમનું નેતૃત્ત્વ કરી રહી છે. દાવો છે કે ઑક્સફોર્ડની વેક્સિનની પ્રથમ હ્યુમન ટ્રાયલ સફળ રહી. જો આગળ બધુ બરાબર રહેશે તો વહેલી તકે કોરોના વાઈરસની વેક્સિન તૈયાર થઈ જશે.

અમેરિકા પણ વેક્સિન તૈયાર કરી શકે છેઃ અમેરિકામાં ટેસ્ટ કરવામાં આવેલી પ્રથમ કોવિડ-19 વેક્સિનનો લોકોને એવો ફાયદો થયો છે જેવો વૈજ્ઞાનિકોને આશા હતી. હવે આ વેક્સિનની ટ્રાયલ કરાશે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અને મોડેરના ઈન્કમાં ડૉ. ફાઉચીના સાથીઓએ આ વેક્સિન તૈયાર કરી છે. 27 જુલાઈથી આ વેક્સિનની 30 હજાર લોકો પર ટ્રાયલ કરવામાં આવી હતી અને પરિણામે સામે આવ્યું કે, આ વેક્સિનથી વાસ્તવમાં કોરોનાથી માનવ શરીરને બચાવી શકાય છે.

વેક્સિન બનાવવાની દિશમાં ક્યાં છે રશિયા?: લગભગ એક અઠવાડિયા અગાઉ રશિયાએ દાવો કર્યો હતો કે તેના વૈજ્ઞાનિકોએ કોરોના વાઈરસની પ્રથમ વેક્સિન બનાવી લીધી છે. રશિયાની સમાચાર એજન્સીના દાવા અનુસાર, ઈન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સલેશનલ મેડિસિન એન્ડ બાયોટેકનોલોજીના ડિરેક્ટર વાદિમ તરાસોવે કહ્યું કે, વિશ્વની પ્રથમ કોરોના વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ સફળ રહી છે. મૉસ્કો સ્થિત સરકારી મેડિકલ યુનિવર્સિટીથી ચેનોફનેએ ટ્રાયલ કર્યા અને તેને માણસો માટે સુરક્ષિત ગણાવી. જે પછી તેની હ્યુમન ટ્રાયલ શરૂ કરવામાં આવી. જેના ભાગ રુપે વેક્સિનના ટ્રાયલમાં રહેલા એક ગ્રૂપને 15 જુલાઈએ અને બીજા ગ્રૂપને 20 જુલાઈએ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.

ચીન પણ પાછળ નથીઃ ચીને મે મહિનામાં જ વર્ષના અંત સુધીમાં વેક્સિન તૈયાર કરી લેવાનો દાવો કર્યો હતો. ચીનના એસેટ્સ સુપરવિઝન એન્ડ એડમિનિસ્ટ્રેશન કમિશને સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, ચીનમાં બનેલી કોરોના વાઈરસની વેક્સિન આ વર્ષના અંતસુધીમાં માર્કેટમાં આવી શકે છે. વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ બાયોલોજીકલ પ્રોડક્ટ્સ અને બેઈજિંગ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બાયોલોજીકલ પ્રોડક્ટ્સ તરફથી વેક્સિનની ટ્રાયલ 2000 લોકો પર કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે હાલ કોઈ પ્રામાણિક વેક્સિન ચીને તૈયાર કરી હોવાનું સામે નથી આવ્યું. પરંતુ બાંગ્લાદેશે ચીનની સિનોવેક વેક્સિનના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી આપી દીધી છે. ન્યૂઝ એજન્સી રૉયટર્સની રિપોર્ટ અનુસાર, ચીનની સિનોવેક બાયોટેક લિમિટેડ કંપનીએ આ વેક્સિન તૈયાર કરી છે.

બાંગ્લાદેશમાં કોવિડ-19 માટે કામ કરી રહેલી નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી કમિટીની એક સભ્યએ જણાવ્યું કે, ચીનને દેશની બહારના વોલિન્ટિયર્સની જરૂર હતી કારણે કે ચીનમાં સંક્રમિતોની સંખ્યા ઘટી રહી છે, બાંગ્લાદેશની ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ડાયરિયલ ડિસિઝ રિસર્ચ (ICDDR,B) આવતા મહિને ટ્રાયલ શરૂ કરશે.

આ વેક્સિનના તૈયાર થવાની પણ આશા
mRNA-1273 વેક્સિનઃ મૉડર્ના થેરાપ્યુટિક્સ એક અમેરિકન બાયોટેકનોલોજીકલ કંપની છે, જેનું હેડક્વાટર્સ મૈસાચુસેટ્સમાં છે. આ વેક્સિનની 2 ક્લિનિકલ ટ્રાયલ થઈ ચૂકી છે. INO-4800 વેક્સિનઃ અમેરિકન બાયોટેક્નોલોજીકલ કંપની ઈનોવિયા ફાર્માસ્યુટિકલ્સનું હેડક્વાટર્સ પેન્સિલ્વેનિયામાં છે. ઈનોવિયો ફાર્માની સત્તાવાર વેબસાઈટ અનુસાર પ્રથમ તબક્કાની ટ્રાયલ સફળ રહી.

AD5-nCoV વેક્સિનઃ ચીની બાયોટેક કંપની કેન્સિનો બાયોલોજીક્સની આ વેક્સિનની ત્રીજી ટ્રાયલ થવાની છે. આ પ્રોજેક્ટમાં કેન્સિના બાયોલોજીક્સ સાથે ઈન્સ્ટિટ્યૂટ ઓફ બાયોટેકનોલોજી અને ચાઈનીઝ એકેડમી ઓફ મિલિટ્રી મેડિકલ સાયન્સ પણ કામ કરી રહી છે. LV-SMENP-DC વેક્સિનઃ ચીનના શેન્જેન જીનોઈમ્યુન મેડિકલ ઈન્સ્ટિટ્યૂટમાં વધુ એક હ્યુમન વેક્સિન LV-SMENP-DCની ટ્રાયલ પણ ચાલી રહી છે.

You cannot copy content of this page