Only Gujarat

FEATURED National

આ મંદિરમાં કોરોનાકાળમાં થયો પૈસાનો વરસાદ, માણસો ગણતાં ગણતાં થાક્યા

ચિત્તોડગઢ, રાજસ્થાનઃ ભારતના મંદિરોમાં દર વર્ષે કરોડો રૂપિયાનું દાન આવે છે. આ દાન એટલું હોય છે કે, આખા ગામને કેટલાય વર્ષ સુધી ભરપેટ દરરોજ જમાડી શકાય. રાજસ્થાનના ચિત્તોડગઢમાં આવેલું સાંવલિયા શેઠ મંદિરમાં ત્યાં આવતાં દાનને લીધે ચર્ચામાં રહે છે. અહીં ભંડારામાં આવેલાં દાનની રકમની ગણતરી બે દિવસથી સતત ચાલુ છે. આ ગણતરીમાં મંદિરના સભ્યો ઉપરાંત બેન્કકર્મી પણ જોડાયા છે, છતાં બે દિવસ પછી પણ આ રકમની ગણતરી પુરી થઈ નથી.

બુધવારે સવારે 11 વાગ્યે કૃષ્ણધામ સાંવલિયાજી મંદિરના ભંડારામાં આવેલી રકમ બહાર કાઢવામાં આવી હતી. એક દિવસમાં મંદિરના કર્મચારીએ લગભગ 6 કરોડ રૂપિયાથી વધારેની ગણતરી કરી હતી, પણ આ ગણતરી હજુ પણ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં આ ચોથીવાર છે જ્યારે મંદિરના ભંડારાએ રેકોર્ડબ્રેક દાનની રકમ પ્રાપ્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે, મંદિરના ભંડારાના પહેલાં દિવસે લગભગ 6.17 કરોડ રૂપિયાની ગણતરી કરવામાં આવી હતી. આ ઉપરાંત 91 ગ્રામ સોનું અને 23 કિલો ચાંદી પણ પ્રાપ્ત થયું છે. જ્યારે કાર્યાલયમાં ઓનલાઇન અને રોકડ રકમ 71.83 લાખ જણાવવામાં આવી છે. મંદિર સમીતિ મુજબ, ગણતરીમાં 2.80 કરોડની 2 હજારની નોટ અને લગભગ 500-500 રૂપિયાની નોટ મળી છે.

આ ઉપરાંત 50-100 રૂપિયાની નોટ અને અન્ય સિક્કાથી 8 થેલાં ભરાઈ ગયાં છે. કહેવામાં આવી રહ્યું છે કે, છેલ્લાં ભંડારામાં 4 કરોડ 54 લાખ રૂપિયા મળ્યાં હતાં, પણ આ વખતે દાનની રકમની ગણતરીએ રેકોર્ડ તોડ્યો છે.

શ્રીસાંવલિયા શેઠના મંદિર વિશે કહેવામાં આવે છે કે, અહીં સાચા દિલથી માનેલી માનતા પુરી થાય છે, સાંવલિયા ભગવાન દરેકનો ખાલી ખોળો ભરી છે. એટલે કહેવામાં આવે છે કે, અહીં દરેક મનોકામના કરતાં વધારે મેળવે છે. એટલે અહીં લોકો દિલ ખોલીને ભગવાનના ચરણમાં ચઢાવો ચઢાવે છે.

ઉલ્લેખનીય છે કે, શ્રી સાંવલિયા શેઠના મંદિરમાં દર મહિને અમાસના દિવસે એક દિવસ પહેલાં દાનપાત્ર ખોલવામાં આવે છે. આ પછી દાનમાં આવેલાં રૂપિયાની ગણતરી માટે લોકોને રાખવામાં આવે છે. રૂપિયની ગણતરી CCTV કૅમેરાની દેખરેખમાં થાય છે. અત્યારસુધી દર મહિને 3થી 4 કરોડ રૂપિયાનો ચઢાવો આવે છે. એટલું જ નહીં દાન પાત્રમાંથી નીકળી રકમની ગણતરી જોવા શ્રદ્ધાળુઓની લાઇન લાગે છે. આ ઉપરાંત કામ મંદિર સમીતિના સભ્યોની હાજરીમાં કરાવવામાં આવે છે.

એવું કહેવામાં આવે છે કે, શ્રીસાંવલિયા શેઠનું મંદિર લગભગ 450 વર્ષ જૂનુ છે. જેનું નિર્માણ મેવાડના રાજપરિવાર દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ મંદિર ચિત્તોડગઢ રેલવે સ્ટેશનથી 41 કિલોમીટર અને એરપોર્ટ-ઉદયપુરથી 65 કિલોમીટર દૂર છે. અહીં દર વર્ષે દેશ-વિદેશથી લાખો ભક્તો આવીને દર્શન કરે છે. અહીં કેટલાક એવા પણ NRI આવે છે. આ ઉપરાંત જે વિદેશમાં છે અને શ્રીસાંવલિયા શેઠના દરબારમાં નથી આવી શકતાં તેઓ ત્યાંથી ડૉલર, પાઉન્ડ, રિયૉલ, દિનારને ભારતીય રૂપિયામાં ટ્રાન્સફર કરી મની ઑર્ડર કરી દે છે.

શ્રીસાંવલિયા શેઠ મંદિરમાં વિરાજમાન ભગવાન શ્રીસાંવલિયા શેઠ.

You cannot copy content of this page