Only Gujarat

FEATURED National

પતિની અર્થી પર પોક મૂકીને રડવા લાગી પત્ની, આઘાત એવો લાગ્યો કે ત્યાં ને ત્યાં થયું મોત

કહેવાય છે કે પતિ-પત્નીનો સંબંધ સાત જન્મોનો હોય છે, એટલે તેઓ એકબીજા વિના જીવનની કલ્પના પણ નથી કરી શકતા. કાંઈક આવું જ મધ્ય પ્રદેશના ગ્વાલિયરના વેપારી કમલ કિશોર ગર્ગ નામના વૃદ્ધ સાથે થયું. 3 દિવસ પહેલા એક માર્ગ દુર્ઘટનામાં કમલ કિશોર ગર્ગ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમની સારવાર સ્થાનિક નર્સિંગ હૉસ્પિટલમાં ચાલી રહી હતી, પરંતુ ગુરુવાર (5 નવેમ્બર)ના રોજ સવારે તેમનું નિધન થઈ ગયું.

અંદાજે 75 વર્ષના કમલ કિશોર ગર્ગના ગ્વાલિયરના ગાંધીનગરમાં આવેલા ઘરમાં તેમની અર્થી તૈયાર કરવામાં આવી હતી અને અંતિમ યાત્રા શરૂ થવાની હતી. જોકે, આ જ સમયે તેમના પત્ની અંગુરી દેવી પતિની અર્થી આગળ પોતાની બંગડી ઉતારવા માટે આવ્યા હતા. પતિના પાર્થિવ દેહની પરિક્રમા ફરતા સમયે અંગુરી દેવીને એવો આઘાત લાગ્યો કે તત્કાળ તેમનું મોત થયું હતું.


આ જોઈને આસપાસના લોકોને પણ આઘાત લાગ્યો હતો. વૃદ્ધાને નજીકના એક નર્સિંગ હોમ લઈ જવામાં આવ્યા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. એવામાં અંગૂરી દેવીના પાર્થિવ દેહને સીધો ઘરે લાવવામાં આવ્યો અને પતિની અર્થી સજાવ્યા બાદ તેમની પણ અર્થી સજાવવામાં આવી. પહેલા પતિ અને તેની પાછળ પત્નીની અંતિમ યાત્રા કાઢવામાં આવી. ગ્વાલિયરના લક્ષ્મી ગંજ સ્થિત સ્મશાન ઘાટ પર બંનેના એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

દાલ બજાર વેપાર એસોસિયેશનના અધ્યક્ષ ગોકુલ બંસલ જણાવે છે કે ગર્ગ લગભગ 6 દશકથી દાલ બજારમાં શ્યોપુરના વેપારીઓના કરિયાણાના સામાનની દલાલી કરે છે. તેમની પત્ની અંગુરી દેવી ચાર નવેમ્બરના રોજ કરવા ચૌથ પર ખૂબ જ ઉદાસ હતા, કારણ કે તેમના પતિની સારવાર ચાલતી હતી. પતિ-પત્નીના મોત બાદ ગાંધીનગર અને દાલ બજારમાં બીજા દિવસે એટલે કે પાંચ નવેમ્બર ગુરુવારના રોજ આખો દિવસ પતિ પત્નીના અસીમ પ્રેમની ચર્ચા થતી હતી.

You cannot copy content of this page