Only Gujarat

FEATURED Sports

હાર્દિક પંડ્યા પિતાને દુનિયાની દરેક ખુશી આપવા માગતો હતો, મોતના બે દિવસ પહેલાં જ લીધી મોંઘી જીપ

વડોદરાઃ શનિવાર, 16 જાન્યુઆરીના રોજ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા તથા કુણાલ પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યાનું 71 વર્ષની ઉંમરમાં નિધન થયું હતું. તેમને મોડી રાત્રે હાર્ટ અટેક આવ્યો હતો અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ રસ્તામાં જ તેમનું મોત થયું હતું. પોતાના બંને દીકરાઓને ક્રિકેટર બનાવવા માટે હિમાંશુ પંડ્યાએ પોતાનું બધું જ દાવ પર લગાવી દીધું હતું. સુરતમાં તેઓ ફાયનાન્સનો વેપાર કરતો હતો પરંતુ બંને બાળકો સારા ક્રિકેટર બની શકે તે માટે 1998માં સુરતમાં બધું જ છોડીને પરિવાર સાથે વડોદરા આવી ગયા હતા. નોંધનીય છે કે વર્ષ 2011માં હિમાંશુ પંડ્યાને હાર્ટ અટેક આવ્યો હતો અને તે સમયે સારવાર કરાવ્યા બાદ તેઓ ઠીક થઈ ગયા હતા.

પોતાની મહેનત તથા ઈમાનદારીને કારણે બંને ભાઈઓ ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં સામેલ થયા. સફળ થયા બાદ હાર્દિકે પોતાના શોખ પૂરા કર્યા હતા. તેઓ પોતાના પિતાને દુનિયાની દરેક ખુશીઓ આપવા માગતા હતા. વનડે બાદ હાર્દિકે ટેસ્ટમાં પહેલી સદી ફટકારી ત્યારે તેણે શ્રીલંકાથી પિતાને સરપ્રાઈઝ આપી હતી.

હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યા પણ સરપ્રાઈઝ ગિફ્ટ જોઈને ચમકી ગયા હતા. જોકે, ગિફ્ટ બાદ તેમણે એક ડિમાન્ડ પણ કરી હતી. વાસ્તવમાં હાર્દિકના પિતા પરિવાર સાથે અમદાવાદ ગયા હતા. અહીંયા તેમને લાલ રંગની જીપ કમ્પસ પસંદ આવી ગઈ હતી. ત્યારબાદ સેલ્સમેને કારની ચાવી આપતા કહ્યું હતું કે આ કાર તમારી છે.

હિમાંશુ પંડ્યા કંઈ સમજે તે પહેલાં જ પુત્ર હાર્દિકે શ્રીલંકાથી વીડિયો કોલ કર્યો હતો. હાર્દિકે વીડિયો કોલ પર પિતાને કહ્યું હતું કે તેણે આ કાર ખરીદી છે. દીકરાએ કાર આપ્યા બાદ પિતાએ સ્પેશિયલ નંબર પ્લેટની ડિમાન્ડ કરી હતી. હિમાંશુ પંડ્યા ઈચ્છતા હતા કે 2425, 2526, 5152માંથી કોઈ નંબર મળે. મીડિયા સાથેની વાતચીતમાં હિમાંશુ પંડ્યાએ કહ્યું હતું કે આ તેમની છઠ્ઠી કાર છે. તેમની પાસે જૂની કાર છે પરંતુ હાલના સમયે તેમની પાસે ચાર કાર ચાલુ કન્ડિશનમાં છે.

2017માં શ્રીલંકન પ્રવાસમાં હાર્દિકે કમાલનું પ્રદર્શન કર્યું હતું. હાર્દિકે પોતાના પર્ફર્મોન્સનું શ્રેય પિતાને આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે હાર્દિકના પિતાએ મોતના બે દિવસ પહેલાં જ પંજાબથી એક જીપ ખરીદી હતી. આ જીપમાં તેઓ મિત્ર સાથે ફરવા પણ ગયા હતા. વડોદરામાં તેમણે જીવનની અંતિમ ઉત્તરાયણ પરિવાર સાથે સેલિબ્રેટ કરી હતી.

You cannot copy content of this page