નવી દિલ્હીઃ દેશની દીકરી નિર્ભયાને સાત વર્ષ બાદ ન્યાય મળ્યો છે. તેના ચાર ગુનેગારોને 22 જાન્યુઆરીએ સવારે સાત વાગે ફાંસી આપવામાં આવશે. આ કેસમાં તેના મિત્ર અવનીન્દ્રની ભૂમિકા ખાસ રહી છે. તે એક માત્ર સાક્ષી હતો. જોકે, હાલમાં જ નિર્ભયાના મિત્રને લઈ ચોંકાવનારો ખુલાસો થયો હતો. 16 ડિસેમ્બરના રોજ બનેલી ઘટના બાદ દિવસો સુધી મોત સામે જંગ લડનાર નિર્ભયાનું નિધન થયું હતું. તો સામે અવનીન્દ્ર પણ ઘાયલ થયો હતો અને તે ઠીક થયા બાદ ગુમનામ સ્થળે જતો રહ્યો હતો. પરિવાર ગોરખપુરમાં રહે છે. અવનીન્દ્રના ઘરના લોકો ઈચ્છા નથી કે તેઓ દીકરા અંગે કોઈ પણ વાત કરે.
ચાર વર્ષ લાગ્યા જાતને સંભાળવામાંઃ
નિર્ભયાના ગુનેગારો સામે લડતા લડતા તેનો મિત્ર એ હદે તૂટી ગયો હતો કે પરિવારને સંભાળવામાં ચાર વર્ષ જેટલો સમય લાગ્યો હતો. અવનીન્દ્ર માંડ માંડ આઘાતમાંથી બહાર નીકળ્યો હતો. ત્રણ વર્ષ પહેલા તેણે લગ્ન કર્યા અને હવે તે બે વર્ષના દીકરાનો પિતા છે. અવીન્દ્ર પત્ની તથા દીકરા સાથે વિદેશમાં એન્જીનિયર તરીકે કામ કરે છે. તેની ઈચ્છા હતી કે નિર્ભયાના ગુનેગારોને ફાંસીની સજા મળે.
ગુમનામીમાં જીવે છે અવનીન્દ્રઃ
અવનીન્દ્રે તે દરિંદાઓનો સામનો કર્યાં બાદ તે ગુમનામીમાં જીવન જીવવા મજબૂર છે. નિર્ભયાની સાથે મુશ્કેલ સમયમાં હુમલાખોરોનો સામનો કરનાર અવનીન્દ્ર અંગે કોઈને ખ્યાલ નથી.
પિતા જાણીતા વકીલઃ
અવનીન્દ્રના પિતા ભાનુ પ્રતાપ પાંડે જાણીતા વકીલ છે. તેઓ 16 ડિસેમ્બરની વાત યાદ કરીને ભાવુક બની ગયા હતાં. તેમણે કહ્યું હતું કે સાત વર્ષ બાદ આજે તેમનો દીકરો બીજું જીવન જીવી રહ્યો છે.
અપરાધ ભાવ છેઃ
નિર્ભયા અંગે કહ્યું હતું કે તેને હંમેશાં એક દર્દ રહે છે કે તેમની મિત્રતા અધૂરી રહી ગઈ. તેણે હમેશાં સાથે રહેવાનું વચન આપ્યું હતું. કાશ, તે તેને બચાવી શક્યો હોત. તેના મનમાં અપરાધ ભાવ છે કે રાજધાની પહેલાં જાગી ગઈ હોત તો તે આજે જીવતી હોત.
અધૂરો ન્યાય મળ્યોઃ
અવનીન્દ્ર માને છે કે ન્યાય અધૂરો મળ્યો છે. જોકે, એક શાંતિ છે કે દેશમાં કાયદામાં ફેરફાર તો થયો અને લોકોમાં જાગૃતતા આવી. જોકે, આ માત્ર પાંચથી 10 ટકા છે.
તિહાડ જેલમાં ફાંસી અપાશે
તિહાડ જેલ તંત્રે ચારે દોષિતોને ફાંસી પર લટકાવવાની પૂરી તૈયારી કરી દીધી છે. તિહાડ જેલમાં અંદાજે 25 લાખ રૂપિયાના ખર્ચે ફાંસીનો માંચડો તૈયાર કરવામાં આવ્યો છે. આ ચારેયને એક સાથે ફાંસી આપવામાં આવશે.